દોઢ વર્ષથી આવાસના ફ્લેટનું કામ ગોકળ ગતિએ
રૈયાધાર ખાતે દોઢ વર્ષ પહેલાં જ તૈયાર થયેલ આવાસના ફ્લેટ સોંપવામાં તંત્રના ધાંધિયા
અવારનવાર મનપા કમિશનરને રજૂઆત છતાં હજુ સુધી ફ્લેટની સોંપણી ન કરતાં ફ્લેટધારકો પરેશાન. મુખ્યમંત્રી આવાસ યોજનાના ફ્લેટધારકોને સમયસર ફ્લેટની સોંપણી ન કરાતા આજરોજ મોટી સંખ્યામાં ફ્લેટધારકો મનપા કચેરી ખાતે ધસી આવ્યા હતા અને ફ્લેટની ફાળવણી કરી આપવા મનપા કમિશનર અમિત અરોરાને રજૂઆત કરી હતી.
મુખ્યમંત્રી આવાસ યોજના દ્વારકાધીશ હાઈટસ પાસે રૈયાધાર ખાતે બનાવવામાં આવેલ 2 બેડ હોલ કીચનવાળા ફ્લેટ ડ્રોમાં લાગેલા છે અને ફ્લેટધારકો કામધંધો કરી પરિવારનું ગુજરાન ચલાવે છે તેમજ આર્થિક પરિસ્થિતિ નબળી હોઈ અને મધ્યમ વર્ગના તેમજ રહેવા માટે કોઈ આશરો ન હોઈ અને ભાડાના મકાનમાં રહે છે ત્યારે આવાસના ફ્લેટ સોંપી આપવાની ફ્લેટધારકોએ માંગ કરી છે. ફ્લેટનો ડ્રો અઢી વરસ પહેલાં થઈ ગયો છે અને તેનું બાંધકામ પણ દોઢ વરસ પહેલાં થઈ ગયેલું છે છતાં પણ ત્યાર બાદ ઘણા સમયથી સંપૂર્ણ કામકાજ બંધ હોઈ તેમજ બાંધકામ ખૂબ જ ધીમી ગતિએ ગોકળગતિએ ચાલુ હોઈ આજ દિવસ સુધી કામ પૂર્ણ થયેલ નથી અને કામ ચાલુ હોવા છતાં પણ ચાલુ હોવા અંગેની કોઈ અસર જણાતી નથી તથા અવારનવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા લોલીપોપ આપવામાં આવે છે.
વિશેષમાં રાણી ટાવર પાછળની આવાસ યોજનામાં સંપૂર્ણ કામ પૂર્ણ થઈ જતાં ફ્લેટની ચાવી પણ કોન્ટ્રાક્ટર દ્વારા આરએમસીનેં સોંપી આપવામાં આવેલી છે છતાં ફ્લેટ સોંપવામાં આવતા નથી ત્યારે આ અંગે ઘટતું કરવા તમામ ફ્લેટધારકો દ્વારા મનપા કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી.