દિવાળીના તહેવારોને લઈને મનપાનો ફૂડ વિભાગ સક્રિય
ખાસ-ખબર સંવાદદાતા
દિવાળીના તહેવારોને રાજકોટ મનપાનું ફૂડ વિભાગ સક્રિય થયું છે. રાજકોટ મનપાના ફૂડ વિભાગની ત્રણ ટીમો શહેરના અલગ-અલગ વિસ્તારમાં જઇને ખાદ્ય પદાર્થોની દુકાનોમાં તપાસ કરી રહી છે. ફૂડ વિભાગની ટીમો મીઠાઇ સહિતના ખાદ્ય પદાર્થોની ચકાસણી કરી રહી છે. મહત્વપૂર્ણ છે કે, દિવાળી તહેવારમાં રાજકોટવાસીઓ મોટા પ્રમાણમાં મીઠાઇ આરોગશે. ત્યારે આ સ્થિતિમાં લાખો શહેરીજનોના આરોગ્યને લઇને રાજકોટ મનપા ચિંતિત જોવા મળી રહ્યું છે.
- Advertisement -
ફૂડ વિભાગ દ્વારા મીઠાઈના ઉત્પાદન કરાતા સ્થળોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. તે દરમિયાન મોરબી રોડ પર આવેલી ગાયત્રી મદ્રાસ કાફેમાંથી વાસી બટેટા 5 કિલો તથા ટામેટાં 4 કિલો મળી આવતા તે આશરે 9 કિલો જથ્થાનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો તેમજ ફ્લેટ ધારકોને દુર્ગંધ, ધુમાડો ન ફેલાય તે રીતે ચીમનીની વ્યવસ્થા કરવી તથા પેઢીને લાઇસન્સ બાબતે નોટિસ આપવામાં આવેલ. ફૂડ વિભાગની ટીમ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે કિશાનપરા ચોકથી રેસકોર્ષ રોડ વિસ્તારમાં આવેલ ખાણી-પીણીના ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં કુલ 20 ફુડ બિઝનેસ ઓપરેટરની ચકાસણી કરવામાં આવી જેમાં ઠંડાપીણા તથા ખાદ્ય તેલના કુલ 8 નમૂનાનું સ્થળ પર ચેકિંગ કર્યું તેમજ સ્થળ પર 4 પેઢીને લાઇસન્સ બાબતે નોટિસ આપવામાં આવી હતી. જ્યારે વિદ્યાનગર મેઇન રોડ, મંગળા મેઇન રોડ પર કુલ 23 ફુડ બિઝનેસ ઓપરેટરની ચકાસણી કરવામાં આવી અને 5 પેઢીને લાયસન્સ બાબતે નોટીસ આપવામાં આવી હતી.
બદામ, મુખવાસ અને ડ્રાયફ્રુટના નમૂના લેવાયા
આ સિવાય લક્ષ્મીનગર મેઇન રોડ કોર્નર પાસે આવેલી રાધે ડ્રાઈફ્રુટમાંથી અને માયાણી ચોકમાં આવેલી વરુડી ટ્રેડર્સમાંથી લુઝ બદામ, યુનિવર્સિટી રોડ પરથી જામનગરી લુઝ મુખવાસ, સહજાનંદ મુખવાસવાલામાંથી તલ વરિયાળીનો મુખવાસ અને પરાબજારની જગદંબા ટ્રેડિંગમાંથી અંજીર ડ્રાયફ્રુટના નમૂના લેવામાં આવ્યા હતા.