ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.13
જૂનાગઢ શહેરની મધ્યમાં આવેલા નરસિંહ મહેતા સરોવરના રૂ. 60 કરોડથી વધુના ખર્ચે શરૂ કરાયેલા બ્યુટીફિકેશનના કામમાં અસાધારણ વિલંબ થતાં ધારાસભ્ય સંજય કોરડીયા અને બાંધકામ સમિતિના ચેરમેન સહિતના પદાધિકારીઓ લાલઘૂમ થયા હતા. વર્ષ 2022-23માં શરૂ થયેલા આ કામની મૂળ મુદ્દત પૂરી થઈ ગયા બાદ અનેકવાર મુદત વધારો આપવા છતાં કામ પૂર્ણ થયું નથી.
હાલ એજન્સીને ડિસેમ્બર માસમાં કામ પૂરું કરવા માટેની અંતિમ મુદ્દત આપવામાં આવી છે, પરંતુ હજુ પણ અંદાજે 15થી 20 ટકા જેટલું કામ બાકી હોવાથી આ સમયમર્યાદામાં કામ પૂર્ણ થાય તેવી શક્યતા ઓછી છે. સ્થાનિક પદાધિકારીઓને આ અંગે જાણ થતાં તેઓ આજે રૂબરૂ સ્થળ પર દોડી ગયા હતા. ત્યાં જઈને તેમણે બ્યુટીફિકેશનનું કામ સંભાળતી એજન્સીના જવાબદારો અને મનપાના અધિકારીઓને બોલાવીને ઉધડો લીધો હતો. પદાધિકારીઓએ અધિકારીઓ અને એજન્સીને તતડાવતા જણાવ્યું હતું કે, ગાર્ડનનું કામ કે સિવિલ વર્ક બાકી હોય તો તેના માટે અલગ-અલગ ખાસ ટીમ હોવી જોઈએ. આવી કોઈ ખાસ ટીમ ન હોવાના કારણે કામ અત્યારે ગોકળ ગાયની ગતિએ ચાલી રહ્યું છે. અગાઉ પણ અનેકવાર મુલાકાત લઈ સૂચનાઓ આપી હોવા છતાં બેદરકારી જાળવી રાખવામાં આવી છે.
- Advertisement -
મનપાની ચૂંટણીના પડઘમ વાગ્યા ત્યારે સરોવરના કાંઠે બનાવેલો રસ્તો ખુલ્લો મુકવામાં આવ્યો હતો, જેથી શહેરીજનોને લાગ્યું હતું કે હવે સરોવર ટૂંક સમયમાં ખુલ્લું મુકાશે. આ વાતને પણ છ માસથી વધુ સમય વીતી ગયો છે, પરંતુ મનપાના અધિકારીઓની ઢીલી નીતિ અને સુપરવિઝનની ઘોર બેદરકારીને કારણે કામ પૂર્ણ થતું નથી. હવે પદાધિકારીઓના ઠપકા બાદ કામની ગતિમાં વધારો થાય છે કે કેમ, તે જોવું રહ્યું.



