ડો. વલ્લભભાઈ કથીરિયા, કલેકટર રેમ્યા મોહનની ઉપસ્થિતિ
ઓપેરશન કેમેરા વિથ એન્ડોસ્કોપી યુનિટ અને કોબ્લેટર સર્જરી મશીનથી સરળ, સચોટ અને ઝડપી સર્જરી કરી શકાશે
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર અને રાજકોટ સિવિલ હોસ્પિટલ દ્વારા કોરોના અને ત્યારબાદ મ્યુકોરમાયકોસીસની લહેરમાં દર્દીઓને નિ:શુલ્ક સારવાર, સેવા સુવિધા અવિરત પુરી પાડવામાં આવી રહી છે. હાલ મ્યુકોરમાયકોસીસના દર્દીઓની નાક અને ગળાની સર્જરી સારી રીતે ઝડપી સમયમાં પુરી કરી શકાય તે માટે બે અત્યાધુનિક મશીનનું લોકાર્પણ ડો. વલ્લભભાઈ કથીરિયા અને કલેકટર રેમ્યા મોહનના હસ્તે કરવામાં આવ્યું હતું.

- Advertisement -
આ પ્રંસગે ડો. વલ્લભભાઈ કથીરિયાએ જણાવ્યું હતું કે રાજકોટ સિવિલને અતિ ઉપયોગી અત્યાધુનિક સર્જરી મશીન અમેરિકા સ્થિત જોય ઓફ હેલપિંગ ફાઉન્ડેશનના સહયોગથી વસંતભાઈ અને પ્રભાબેન રાઠી દ્વારા સિવિલ હોસ્પિટલને ડોનેટ કરી સાચા અર્થમાં ગુજરાતી તરીકે ગુજરાત અને વતનને મદદરૂપ બન્યા છે. આ મહામારીમાં અમેરિકા, યુ.કે. સહિતના અનેક દેશમાં વસતા ગુજરાતીઓએ માદરે વતનને ઓક્સિજન કોન્સ્ટ્રેટર, ઓક્સિજન પ્લાન્ટ, અન્ય જરૂરી મેડિકલ સહાય પુરી પાડી મિટ્ટીનું ઋણ અદા કર્યું છે. આ પ્રંસગે કલેકટર રેમ્યા મોહને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે રાજકોટ સિવિલ દ્વારા ટીમ વર્ક સાથે સતત કામગીરી કરી મહામારી સામે યોદ્ધાની માફક લડ્યા છે. આવનારા સમયમાં રાજકોટ સિવિલ દ્વારા શ્રેષ્ઠ સારવાર પુરી પડાશે. આ તકે તેમણે અમેરિકા સ્થિત સંસ્થાનો તેમજ ઈ.એન.ટી. સોસાયટીનો ખાસ આભાર માન્યો હતો.

સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે ઈ.એન.ટી. વિભાગમાં સર્જરીમાં વપરાતા આ પ્રકારના મશીન સિવિલમાં ઉપલબ્ધ થતા નાક અને ગળાની વિવિધ સર્જરી હવે સચોટ, ઝડપી અને સરળ બનશે. મહાનુભાવોના હસ્તે સિવિલના ઈ.એન.ટી ટીમ તેમજ ઈ.એન.ટી. સોસાયટી રાજકોટના સભ્યોને તેમની વિશિષ્ઠ કામગીરી બદલ સન્માનપત્ર પાઠવ્યા હતાં.


