પવિત્ર પદ પર રાજકીય પડછાયો: ભવનાથ મંદિરમાં ઉઠ્યો નવો વિવાદ
હરિગિરિને રિપીટ નહીં કરવા ધારાસભ્યની રજુઆત મંદિર સંચાલન કે રાજકીય મંચ?, મહંત પદને લઈ નેતાઓ મેદાનમાં
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.17
ભવનાથ મંદિરના મહંતની મુદ્દત પૂર્ણ થવાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે નવા મહંતની નિમણુંક મુદ્દે ભાજપમાં અંદરો-અંદર વિખવાદ શરૂ થઇ ગયો છે. જૂનાગઢના ધારાસભ્ય સહિતનાઓએ વર્તમાન મહંત હરીગીરીને રિપીટ ન કરવા રજૂઆત કરી છે. જયારે મનપાના ડેપ્યુટી મેયર તથા તે વોર્ડના મહિલા નગરસેવિકાએ કલેકટરને રજૂઆત કરી કે હરીગીને મહંત તરીકે રિપીટ કરવામાં આવે. જૂનાગઢના પાવન ભવનાથ મહાદેવ મંદિર, જે ભક્તિ અને સંસ્કૃતિનું પ્રતીક માનવામાં આવે છે, ત્યાં હાલ મહંત પદને લઈને વિવાદ ઉદભવ્યો છે. આ વિવાદ માત્ર ધાર્મિક મર્યાદાઓ સુધી મર્યાદિત રહી નથી, હવે તેમાં રાજકીય એન્ટ્રી થતા ઘટનાને નવો વળાંક મળ્યો છે. મંદિરના આગામી મહંતપદ માટે કેટલાક પંથો, ગાદીઓ અને સાધુઓ વચ્ચે અસ્તિત્વની સ્પર્ધા સર્જાઈ છે. સ્થાનીક સ્તરે કેટલીક ધાર્મિક પંચાયત અને આગેવાનો દ્વારા ઉઠાવવામાં આવતા દાવાઓમાં રાજકીય પક્ષોની અભિવ્યક્તિઓ પણ પ્રવર્તી રહી હોવાનું સંકેત મળ્યા છે. જેમાં કેટલાક નેતાઓના પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે આંચકા નોંધાઈ રહ્યા છે. ભવનાથ મંદિર જેવાં ધાર્મિક સ્થાન પર આવી સ્થિતિ ઊભી થવી ભક્તો માટે ચિંતાનું કારણ બની રહી છે.
ભક્તમંડળો અને ધાર્મિક આગેવાનો દ્વારા એવું પણ અવલોકન કરવામાં આવી રહ્યું છે કે, મંદિરના કામકાજ અને મહંતપદ જેવી પાવન વ્યવસ્થાઓ રાજકીય દબાણથી દૂષિત નહીં થાય એનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. હાલ તંત્ર અને ધાર્મિક સમિતિઓ આ વિવાદને ધીરે ધીરે શાંત કરવાના પ્રયાસમાં છે અને શક્ય તેટલું વિવાદ વિનામૂલ્યે ઉકેલાવાની વાત ચાલી રહી છે. જો કે, જો વિવાદ ઉગ્ર સ્વરૂપ ધારણ કરશે તો ભવિષ્યમાં પોલીસ કે તંત્રને હસ્તક્ષેપ કરવો પડી શકે છે એવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ભવનાથ મહાદેવ મંદિરના મહંત પદને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે હવે રાજકીય ટેકો ખુલ્લેઆમ જોવા મળી રહ્યો છે. ભાજપના જુનાગઢ શહેરના ડેપ્યુટી મેયર આકાશ કટારાએ જિલ્લા કલેક્ટરને પત્ર લખીને હરીગીરી બાપુના મહંત પદ માટે સમર્થન જાહેર કર્યો છે. આ લખાણમાં તેમણે જણાવ્યું છે કે ભવનાથ મંદિર જેવા પવિત્ર ધામમાં હરીગીરી બાપુ દ્વારા દાયિત્વ નિભાવવાનો અનુભવ છે અને તેમણે લાંબા સમયથી ભક્તિભાવપૂર્વક સેવા કરી છે. તેથી હરીગીરી બાપુને ભવનાથ મંદિરના મહંત તરીકે નિયુક્તિ આપવી યોગ્ય રહેશે તેમ તેમણે વર્ણવ્યું છે. આ પત્રની બાબતને લઈને ધાર્મિક વર્તુળમાં મિશ્ર પ્રતિક્રિયાઓ મળી રહી છે. એક તરફ ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિ દ્વારા ખુલ્લો ટેકો મળવો એ હરીગીરી બાપુ માટે વિશાળ આધારરૂપ બનશે, તો બીજી તરફ કેટલાક સંત સમુદાયો અને સ્થાનિક ભક્તમંડળો ચૂંટણીના રાજકીય પાયા પર આધારિત પદપ્રાપ્તિ પર પ્રશ્ર્નચિહ્ન ઉઠાવી રહ્યા છે. મંદિર જેવા ધાર્મિક સ્થાન પર ધાર્મિક મર્યાદા અને પરંપરાનું પાલન થવું જોઈએ તેવા સુત્રોચારોથી મંદિર સંચાલનમાં પારદર્શિતા અને સાચી લાયકાત ધરાવનાર વ્યક્તિની નિમણૂકની માંગ ઉઠતી થઈ છે. આ પત્ર અને ટેકો પછી હવે કલેક્ટર કચેરીની કામગીરી અને રાજ્ય સરકારની સ્થિતિ પર સૌની નજર છે કે આ અંગે કઈ નિષ્ણાત સમિતિ નિમાય છે કે અથવા કઈ રીતે નિર્ણય લેવામાં આવે છે તેના પર ભાવિકો અને સંત સમુદાયની નજર છે.