રાજ્ય સરકારનાં વલણથી બેરોજગારોમાં રોષ
નવી ભરતી થશે અથવા 31 માર્ચ પછી મુદ્દત લંબાવવી પડશેે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજય સરકાર દ્વારા પ્રવાસી શિક્ષકની ભરતી કરવામાં આવી રહી છે. ધોરણ 1 થી 8 પ્રાથમિક શાળામાં પ્રવાસી શિક્ષકની ભરતી થઇ રહી છે. આ ભરતી માત્ર દેખાડા પુરતી હોય તેવું લાગી રહ્યું છે. રાજ્ય સરકાર બેરોજગાર શિક્ષકોની ક્રુર મજાક કરી રહી છે. પ્રવાસી શિક્ષકની જે ભરતી કરવાની છે તે માત્ર 31 માર્ચ સુધી જ નિયુક્ત રહેશે. શાળાનાં આચાર્ય પણ મુંજવણમાં મુકાઇ ગયા છે.જૂનાગઢ જિલ્લામાં હજુ અનેક પ્રાથમિક શાળામાં ભરતી પણ થઇ શકી નથી. હવે ભરતી થાય તો પણ કેટલા દિવસ નોકરી કરવાની ? તે પણ સવાલ ઉભા થયા છે. સરકાર રોજગારીની મોટી મોટી વાતો કરી રહી છે. પરંતુ વાસ્તવીક ચિત્ર જૂદું છે. માત્ર 30 દિવસ પુરતી ભરતી કરી લોકોને ઉંઘા ચશ્મા પહેરાવવાની વાત છે. જોકે હાલ રાજય સરકારે ટાટ પાસ ઉમેદવારો પાસેથી અરજી મંગાવી છે. આગામી સમયમાં તેની ભરતી થશે. 31 માર્ચ પછી કાં નવી ભરતી થઇ જશે અથવા 31 માર્ચ પછી પ્રવાસી શિક્ષકની મુદત વધારવી પડશે તેવું સુત્રોમાંથી જાણવા મળ્યું છે.
ડીપીઇઓમાં રામ વસ્યાં, વધુ 12 પ્રવાસી શિક્ષકની નિમણૂકનો આદેશ
જૂનાગઢનાં ડીપીઇઓ આર.એસ. ઉપાધ્યાયએ રાજય સરકારે મંજુર કરેલી જગ્યામાં પણ કામ મુકી દીધો હતો. સરકારે 199 જગ્યા માટે કહ્યું હતું. તેની સામે ડીપીઇઓ આર.એસ.ઉપાધ્યાયએ માત્ર 51 જગ્યાનો નિર્ણય કર્યો હતો. આ અંગેનાં અહેવાલ પ્રસિધ્ધ થયા હતાં. હવે ફરી ડીપીઇઓએ વધુ 12 પ્રવાસી શિક્ષકની નિમણુંક કરવાનો આદેશ કર્યો છે.
- Advertisement -
આમા કયાંથી ભણશે ગુજરાત?: આપ
આમ આદમી પાર્ટીનાં અતુલ શેખડા અને હમીરભાઇ રામે શિક્ષણ મંત્રીને રજુઆત કરી જણાવ્યું હતું કે,27 વરસથી ગુજરાતમાં ભાજપનું શાસન છે. જેમાં 6000 સ્કુલ બંધ થઇ છે. કાયમી ભરતી થતી નથી અને પ્રવાસી શિક્ષકની ભરતીમાં પણ કાપ મુકવામાં આવ્યો છે. એટલું જ નહી જૂનાગઢ જિલ્લામાં જે જગ્યા મંજુર કરવામાં આવી હતી. તેમા અહીંનાં ડીપીઇઓ આર.એસ.ઉપાધ્યાયએ કાપ મુકી દીધો છે. આવી સ્થિતીમાં ગુજરાત કયાંથી ભણશે. શિક્ષણનું સ્તર નીચે જશે. પ્રવાસી શિક્ષકની કાં પૂર્ણ ભરતી કરો અથવા કાયમી શિક્ષકની નિમણુંક કરો તેવી માંગ છે.
કેટલીક શાળામાં 3 માંગ સામે 1 પ્રવાસી શિક્ષક મળ્યો
જૂનાગઢ જિલ્લામાં અનેક પ્રાથમિક શાળાઓ છે કે જ્યાં ખરેખર શિક્ષણ કાર્ય થઇ રહ્યું છે. આવી શાળાનાં પ્રભાવથી આસપાસમાં ખાનગી શાળાઓ બંધ થઇ ગઇ છે. આવી શાળાઓને પ્રોત્સાહન આપવાનાં બદલે તેને જ અન્યાય કરવામાં આવ્યો છે. શાળાની સંખ્યા મુજબ 3 શિક્ષકની જરૂરીયાત છે. તેની સામે માત્ર 1 જ પ્રવાસી શિક્ષક આપવામાં આવ્યો છે.