સર્વિસ ટેક્સ સહિત પ્રતિ ડોઝ 425માં પડશે: CDSCOની મંજુરી બાદ ઉપલબ્ધ થશે.
ખાસ-ખબર સંવાદદાતા
કોરોના સામેની લડાઈમાં રસીકરણ સૌથી મોટું હથિયાર સાબીત થયુ છે. દેશમાં આ અભિયાનની શરુઆત એક વર્ષ પહેલા 16 જાન્યુઆરીએ થઈ હતી, દરમિયાન દેશમાં રસી બનાવનાર બે કંપનીઓ સીરમ ઈન્સ્ટીટયુટ ઓફ ઈન્ડિયા અને ભારત બાયોટેક હવે પોતાની રસી ખુલ્લા બજારમાં ઉતારવાની મંજુરી માંગી છે, જો કે વેકસીનની કિંમત શું હશે તેને લઈને હજુ સંશય છે પણ સરકારી સૂત્રોએ વેકસીનની કિંમતના બારામાં ખુલાસો કર્યો છે. અધિકૃત સૂત્રોના જણાવ્યા મુજબ કોવિશિલ્ડ અને કોવેકસીનની પ્રતિ ડોઝની કિંમત 275 રૂપિયા અને વધારાનું સેવા શુલ્ક 150 રૂપિયા સુધી સીમીત રાખવાની સંભાવના છે. બન્ને રસી ટુંક સમયમાં જ ભારતના ઔષધિ નિયામક પાસેથી બજારમાં ઉતારવાની મંજુરી મળવાની આશા છે. હાલ કોવેકસીનની કિંમત દર ડોઝે 1200 રૂપિયા અને કોવિશિલ્ડના એક ડોઝની કિંમત 780 રૂપિયા ખાનગી હોસ્પીટલોમાં છે. આ કિંમતોમાં 150 રૂપિયા સેવા શુલ્ક પણ સામેલ છે. આમ સેવા શુલ્ક સહિત રસીની કિંમત બજારમાં પ્રતિ ડોઝ રૂા.425 થવાની સંભાવના છે.