દર વર્ષની જેમ આ વખતે પણ પ્રિ-મોન્સુન કામગીરીના નામનું ડીંડક
ચોમાસાની મોસમ શરૂ થાય તે પહેલાં વરસાદને કારણે કોઈ અકસ્માત ન સર્જાય તે માટે મ્યુ. કોર્પોરેશન દ્વારા દર વર્ષે પ્રિ-મોન્સુન કામગીરીની સમીક્ષા અને એકશન પ્લાન તૈયાર કરવામાં આવે છે, પરંતુ તેની અમલવારીમાં તંત્ર હંમેશાં પાંગળુ સાબિત થયું છે. તો શું આ વર્ષે પણ ચોમાસામાં દર વર્ષ જેવી સ્થિતિ સર્જાશે? તેવા પ્રશ્ર્નો પ્રજાના મનમાં ઊઠી રહ્યા છે.
- Advertisement -
ચોમાસાની ઋતુ શરૂ થાય તે પહેલાં તંત્ર દ્વારા રોડ, રસ્તા, ગટર, જર્જરિત ઝાડ, હોર્ડિંગ્સની કામગીરી માત્ર કાગળ પર જ હોય છે. પરંતુ જ્યારે માત્ર 1 ઈંચ વરસાદ પડે ત્યારે તંત્રની પોલ છતી થાય છે. રોડ-રસ્તા તૂટી જવા, ઠેર-ઠેર પાણી ભરાવા, હોર્ડિંગ્સ પડી જવા સહિતના અનેક પ્રશ્ર્નો સર્જાય છે. રાજકોટ મનપા માત્ર ‘આગ લાગે ત્યારે જ કૂવો ખોદે છે’ તેવો ઘાટ સર્જાય છે. માત્ર એક ઈંચ વરસાદ પડતાં ગટરો ઉભરાવી અને શહેરના વિસ્તારમાં પાણી ભરાશે, ભુવા પડશે, વાહનચાલકો ફસાશે, ગટરો ઉભરાશે, વીજ પુરવઠો ખોરવાશે એટલું જ નહીં લોકોના ઘરોમાં પણ પાણી ભરાવાની સમસ્યા સર્જાશે. આ ઉપરાંત રંગીલા રાજકોટમાં અનેક વોર્ડમાં રોડ-રસ્તાઓ હજુ પણ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે. કરોડોના ખર્ચે બનેલા ડામર રોડ એક ઈંચ જેટલા સામાન્ય વરસાદમાં ધોવાય જશે, પીવાના પાણીમાં ગટરનું પાણી ભળશે, લોકોનું આરોગ્ય બગડશે ત્યારે તંત્રની કામગીરી આ વર્ષે કેવી હશે તે જોવું રહ્યું. કરોડોના ખર્ચે બનેલા ડામર રોડ માત્ર થોડા જ વરસાદમાં કેમ ધોવાય જાય છે? શું કામગીરી નબળી છે? કે પછી આ પૈસાથી અધિકારીઓના ખિસ્સા ભરાય છે?
વધુમાં કોર્પોરેશનનું તંત્ર ચોમાસા પૂર્વેના એકશન પ્લાન તૈયાર કાગળ પર અપટુડેટ રીતે કરે છે પરંતુ હવે ચોમાસુ નજીક છે ત્યારે તેની અમલવારીમાં દેખાઈ રહેલી શિથિલતા યથાવત રહેશે તો આ એકશન પ્લાન પણ વરસાદમાં ડૂબી જશે તેવી લોકચર્ચા જાગી છે. જૂના રાજકોટમાં સેંકડો જર્જરિત મકાનો છે પરંતુ આ અંગે શું નક્કર કાર્યવાહી થશે? વોંકળાની સફાઈ, પાણીની જાવકનો રસ્તો ખુલ્લો કરવા માટે લાખો રૂપિયા ખર્ચાય છે છતાં પણ વરસાદમાં વોંકળામાં પૂરની સ્થિતિ સર્જાય છે. આ ઉપરાંત નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘુસી જવાની ઘટના દર ચોમાસે નોંધાય છે ત્યારે આ વર્ષે ચોમાસા પૂર્વે જ વોંકળાની સફાઈમાં નક્કર કામગીરી થાય તેવું લોકો ઈચ્છી રહ્યા છે.