બ્રિટન, ફ્રાંસ, યુરોપમાં પણ સંક્રમણ વધ્યું
ચીન-હોંગકોંગમાં હાહાકાર: દક્ષિણ કોરિયામાં એક જ દિ’માં 4 લાખ કેસ
ચીનથી માંડીને યુરોપ તથા દક્ષિણ પુર્વીય એશિયાના દેશોમાં કોરોનાએ ફરી ઉથલો માર્યો હોય તેમ નવા કેસોમાં મોટો વધારો થવા લાગતા ભારત સરકાર પણ એલર્ટ બની છે. ભારતમાં ચોથી લહેર આવવાની શકયતા નકારવામાં આવી હોવા છતાં આરોગ્યમંત્રી મનસુખ માંડવીયા દ્વારા ઉચ્ચસ્તરીય બેઠક યોજીને પરીસ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી.વિશ્ર્વસ્તરે કોરોનાના કેસ ફરી વધીને આજે 18 લાખ પર પહોંચ્યા હતા. ચીનમાં છેલ્લા ચાર-પાંચ દિવસથી વધતા કેસ વચ્ચે ડઝન શહેરોમાં લોકડાઉન છે અને સાડા ત્રણ કરોડ લોકો ઘરોમાં કેદ છે. દક્ષિણ કોરિયામાં એક જ દિવસમાં રેકોર્ડબ્રેક 4 લાખથી વધુ કેસ નોંધાયા છે. બ્રિટન, ફ્રાંસ, જર્મની, હોંગકોંગ, સિંગાપોર સહિતના રાષ્ટ્રોમાં સંક્રમણમાં વૃદ્ધિને ધ્યાને રાખીને કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવીયાએ ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી. પરીસ્થિથતિની સમીક્ષા કરી હતી. એલર્ટ રહેવા, સર્વેલન્સ તથા જીનોમ સિકવન્સીંગ વધારવાની સૂચના આપી હતી.દેશના કોવિડ ટાસ્કફોર્સના પ્રમુખ ડો. નરેન્દ્રકુમારે જો કે એવો રીપોર્ટ આપ્યો હતો કે હાલ મહામારી નિયંત્રણમાં છે. તેમાં કોઈ વધારો થવાના કે હાલ તૂર્ત ચોથી લહેર ઉભી થવાના કોઈ સંકેત નથી.
ઇઝરાયેલમાં નવો વેરીએન્ટ દેખાયો
વિશ્વના દેશોમાં કોરોનાએ ફરી માથુ ઉંચક્યું છે ત્યારે ઇઝરાયેલમાં નવો વેરીએન્ટ માલુમ પડ્યો છે. બે કેસ નોંધાયા હોવાનું આરોગ્ય વિભાગે જાહેર કર્યું છે. એરપોર્ટપર આવેલા બે પ્રવાસીમાં આ નવો વેરીએન્ટ માલુમ પડ્યો છે. જે ઓમિક્રોનના બીએ-1 તથા બીએ-2નું મિશ્રણ છે. વિશ્વ માટે આ નવો વેરીએન્ટ હજુ અજાણ્યો છે. સંક્રમિતોને તાવ, માથાના દુ:ખાવા તથા શરીર દુ:ખવાના લક્ષણો જણાયા છે. ખાસ સારવારની જરુર પડી નથી એટલે હજુ ગંભીર સંકેત નથી.
- Advertisement -
24મીથી આંતરરાષ્ટ્રીય ઉડાનો શરૂ કરવા મામલે પણ સમીક્ષા
ભારતમાં કોરોના નિયંત્રણમાં આવવા સાથે સરકારે 24મી માર્ચથી તમામ આંતરરાષ્ટ્રીય વિમાની ઉડ્ડયનો શરુ કરવાની જાહેરાત કરી હતી. હવે વિશ્વના અનેક દેશોમાં સંક્રમણ વધવા લાગતા સરકાર સાવધ થઇ છે. આરોગ્યમંત્રીની બેઠકમાં પણ આ મુદ્દે ચર્ચા થઇ હતી.