કૉંગ્રેસ આપને દ્વાર – જનતાની વેદના અભિયાન
વોર્ડ નં.16ના નીલકંઠ સિનેમા વિસ્તારમાં કોંગ્રેસનો જનસંપર્ક, લોકોનો સકારાત્મક પ્રતિસાદ
- Advertisement -
મોંઘવારી, બેરોજગારી અને પાણી-રસ્તા જેવી અનેક સમસ્યાઓ પર લોકોનો ખુલ્લો અવાજ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કોંગ્રેસ આપને દ્વાર-જનતાની વેદના અભિયાન અંતર્ગત રાજકોટ શહેરના વોર્ડ નં. 16ના નીલકંઠ સિનેમા અને મેહુલ નગર વિસ્તારમાં કોંગ્રેસની ટીમ દ્વારા વ્યાપક જનસંપર્ક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો જોડાયા હતા અને પોતાના પ્રશ્નો, સમસ્યાઓ તથા અપેક્ષાઓ ખુલ્લેઆમ વ્યક્ત કરી કોંગ્રેસને સકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો. જનસંપર્ક દરમિયાન નાગરિકોએ વધતી મોંઘવારી, યુવાનોમાં બેરોજગારી, પાણી પુરવઠાની અનિયમિતતા, ખાડાવાળા રસ્તાઓ, ટ્રાફિક સમસ્યા, ટેક્સ સંબંધિત તકલીફો અને સ્થાનિક વહીવટની નિષ્ક્રિયતા જેવા મુદ્દાઓ અંગે અસંતોષ વ્યક્ત કર્યો હતો. લોકોનું કહેવું હતું કે વર્તમાન સત્તાધીશો જનતાની સમસ્યાઓને યોગ્ય રીતે સાંભળવામાં નિષ્ફળ રહ્યા છે. આ પ્રસંગે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ ડો. રાજદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે જનતા હવે જવાબ માંગે છે અને કોંગ્રેસ જનતાના હકો માટે રસ્તાથી લઈને તંત્ર સુધી લોકશાહી રીતે સંઘર્ષ કરશે. તેમણે ઉમેર્યું હતું કે નીલકંઠ સિનેમા અને મેહુલ નગર વિસ્તારમાં મળેલો પ્રતિસાદ સ્પષ્ટ સંદેશ આપે છે કે લોકો બદલાવ ઈચ્છે છે અને કોંગ્રેસ જનતાની સાથે ઉભી રહી તેમની લડતને આગળ વધારશે.
આ જનસંપર્ક કાર્યક્રમ દ્વારા કોંગ્રેસ અને જનતા વચ્ચેનો સંવાદ વધુ મજબૂત બન્યો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. વોર્ડ નં. 16ના વિસ્તારમાં મળેલા ઉત્સાહજનક પ્રતિસાદથી લોકો પોતાના હકો માટે સંગઠિત થવા તૈયાર હોવાનું પણ જણાવાયું હતું. કાર્યક્રમ દરમિયાન રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ ડો. રાજદીપસિંહ જાડેજા સાથે સુરેશભાઈ ગરૈયા, રસીલાબેન ગરૈયા, દિપ્તીબેન સોલંકી, ઇબ્રાહીમભાઈ સોરા, રહીમભાઈ સોરા, મનોજભાઈ ગઢવી, સિકંદરભાઈ ડાકોરા, બુખારી બાપુ, અફઝલભાઈ મેતર, તુષારભાઈ ગરૈયા, ઉમરભાઈ સોરા, રમેશભાઈ ગરૈયા, કમલેશભાઈ વેકરીયા, અભયભાઈ ગરૈયા અને જયદીપ મયાત્રા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.



