પરંપરા, મૂલ્યો અને ટેકનોલોજીકલ બદલાવથી પેદા થતો જનરેશન ગેપ
વડીલોની સખતાઈ અને યુવાનોની બેફિકરાઈને કારણે મતભેદ મનભેદમાં ફેરવાય; સમય સાથે આવતો બદલાવ અનિવાર્ય
- Advertisement -
બદલાવ એ માનવજીવનનો એક અભિન્ન ભાગ છે. સમય સાથે જીવનશૈલી અને જરૂરિયાતો પ્રમાણે માંગમાં આવતો બદલાવ પરિવર્તન લાવે છે. એનું પરિણામ બે પેઢી વચમાં વિચાર ભેદ પેદા કરે છે. એક જ પરિવારમાં રહેતી બે પેઢીઓ, વડીલો અને યુવાનો એકબીજાને પ્રેમ તો કરે છે, છતાં વિચારોનો ફરક મત ભેદ પેદા કરે છે. ક્યારેક વડીલોની વધારે પડતી સખતાઈ અને યુવાનોની બેફિકરાઈ આ ફર્કને એકબીજાથી દૂર લઈ જઇ મન ભેદમાં ફેરવાઇ જાય છે.
એક સુંદર ફેમિલી ફિલ્મ જોવામાં આવી. બિન્ની એન્ડ ફેમિલી સંજય ત્રિપાઠી દ્વારા લખાએલ અને ડાઇરેક્ટ થયેલ આવા જ વિષય ઉપરની ફિલ્મ છે. જેમાં પંકજ કપૂરે દાદાજીનો રોલ ખૂબ સુંદર રીતે ભજવ્યો છે. આજની અને ગઇકાલની પેઢી એ સાથે બેસીને જોવા જેવી છે. બંને પક્ષે ઘણું નવું સમજવાનું અને જાણવાનું મળે તેમ છે.
બિન્ની લંડનમાં હાઇસ્કૂલમાં ભણતી, આધુનિક જીવનશૈલી, અને સ્વતંત્ર વિચારો ધરાવતી છોકરી છે. જે આજની પેઢીનું પ્રતિનિધિત્વ કરે છે. જ્યારે તેના દાદા-દાદી લંડન આવે છે, ત્યારે તેઓ સાથે પરંપરા, મૂલ્યો અને જૂની રીતો લઈને આવે છે. એમાંય બિન્નીને દાદા દાદી સાથે રૂમ વહેચવાનો થાય છે. પ્રાઈવસીમાં ભાગ પડે છે, જેના કારણે પ્રેમ હોવા છતાં તેમનું અહી આવવું બિન્નીને ગમતું નથી. આમ બે દુનિયા ટકરાય છે અને ત્યાંથી જ વાર્તાનો સરસ સંઘર્ષ શરુ થાય છે.
- Advertisement -
દાદા-દાદી સરળ, નિયમબદ્ધ અને પરંપરાગત જીવનમાં વિશ્વાસ રાખે છે, જ્યારે બિન્ની ફાસ્ટ-લાઇફ, સ્વતંત્રતા અને આધુનિકતા પસંદ કરે છે.
બિન્નીનો બહારની દુનિયા સાથેનો સંપર્ક મોડા સુધી બહાર રહેવું, મોબાઇલ, વગેરે દાદાને જરૂર વિનાની છૂટછાટ લાગે છે. દાદા તેને નિયમો મુજબ જીવવા કહે છે.
જ્યારે બિન્ની માને છે કે આ રીતે તેની સ્વતંત્રતા છીનવાઇ રહી છે. દાદા દાદીના અહી આવવાથી મમ્મી પપ્પાનું જીવન પણ બદલાઈ જાય છે.
પરિણામે એ બંનેથી દૂર રહે છે. તેની નારાજગીને કારણે તેના પિતા ફરી બીમાર દાદીને લંડન લાવતા ખચકાય છે અને તેમનું મૃત્યુ થાય છે. બિન્નીને તેની ભૂલ સમજાય છે ત્યારે તે એકલા પડી ગયેલા દાદાને પોતાની દુનિયામાં સામેલ કરે છે. સામા પક્ષે દાદાને પણ ભૂલ સમજાય છે. એ પણ સ્વીકારે છે, બિન્નીની દુનિયા ખરાબ નથી જે પોતે સમજતા હતા. એ પોતે પણ ફોન ઈન્ટરનેટ અને નવી રીતભાત અપનાવી ખુશ છે.
બન્ને પેઢી સાચી છે, ફક્ત તેમની દૃષ્ટિ અલગ છે. સમજણ, સંવાદ અને પ્રેમથી પેઢી અંતર ઘટાડવામાં આવે છે. પરિવાર એ માત્ર પરંપરા જ નહીં, પણ બદલાવને સ્વીકારવાની પણ જગ્યા છે. દાદા- દાદી કે ઘરના વડીલો પાસેથી બિન્ની જેવા બાળકો ઘણું શીખી શકે તેમ છે. તો સામા પક્ષે વડીલો નવી જનરેશનના બાળકો પાસેથી નવા વિચાર અને નવી દ્રષ્ટિ મેળવી શકે તેમ છે. આ ફિલ્મ સમજાવે છે કે પરિવારનો અર્થ એકબીજાને બદલવાનું કે તેના ઉપર હાવી થવાનું નથી. પરંતુ એકબીજાને સમજવાનું છે. સમય સાથે બદલાવ અવશ્ય આવવાનો, બધુ બદલાઈ જાય પરંતુ પરિવારનું બંધન ના બદલાય એ જોવાની પ્રથમ વડીલોનું અને પછી બાળકોની જવાબદારી છે.
વડીલોમાં છે અનુભવ, તો યુવાનોમાં ઊર્જા છે. વડીલો જીવનનાં મૂલ્યો શીખવેછે, યુવાનો નવી દિશા ચીંધે છે.
બે પેઢી અંતર એ અંતર નથી, એ તો બે કિનારા છે, જે સમજણ અને સંગાથનાં પુલ થી એકબીજાને જોડે છે.
આજની પેઢી બહુ ઝડપથી દોડે છે, તો ગઈકાલની પેઢીએ શું કામ પાછળ રહી જવું? નવું શીખવા અપનાવવા બાળકો સામે હાથ લાંબો કરવામાં કે હાર સ્વીકારવામાં શરમ શાને? તો સામે વડીલોના અનુભવો જીવનની માર્ગદર્શિકા છે.જેના થકી મુશ્કેલીમાં રાહ અને જીવનને યોગ્ય દિશા મળે છે. ગાઈલાકની પેથી પાસે નિરાંતનો સમય છે જેનો સદુપયોગ યુવાનો પોતાનો સાથ અને હાથ આપી કરી શકે તેમ છે.
આજથી પંદર વર્ષ પહેલા ગઇકાલની પેઢી માટે કોંપ્યુટરનો બહુ ડર હતો. ઊગતી પેઢી ભણતર સાથે આને શિખતી રહી માટે તેમની માટે આ નવી ટેકનોલોજી સરળ આવરકાર્ય હતી. છતાં જરૂરિયાત પ્રમાણે બંને શિખતા રહ્યા. આજે ગઇકાલની પેઢી પણ હરણફાળ ભરી રહી છે.
ઝડપી બદલાતી ટેકનોલોજીને કારણે યુવાનોની દુનિયા બહુ આગળ નીકળી ગઈ છે. જે વડીલો માટે એ નવીન તો ક્યારેક અવિશ્વસનીય લાગે છે. અત્યારે દર દાસકામાં જનરેશન બદલાવવા લાગી છે કારણ ટેકનોલોજીકલ ગેપ મોટો વિચાર-ફરક ઉભો કરે છે.
એક જ પરિવારમાં બે, ક્યારેક ત્રણ, પેઢીઓ સાથે વસે ત્યારે આ વિચારોનો ફર્ક અનિવાર્ય છે. આને જ આપણે જનરેશન ગેપ કહીએ છીએ. જો આ અંતર વધતું રહે તો મતભેદ પછી મનદુ:ખ અથવા અસમજણનું રૂપ લે છે. જેનાં કારણે પરિવાર વિખરાઈ શકે છે.
યુવાનો વડીલોના મૂલ્યોને સમજવાની કોશિશ કરે અને વડીલો નવા વિચારને સ્વીકારવાની તૈયારી રાખે ત્યારે કોઈ પણ અંતર મોટી અડચણ નથી રહેતું.
સંવાદ સંબંધોને જીવંત રાખે છે. વાતચીત ન થાય ત્યાં ખોટા અર્થ, શંકાઓ અને ગેરસમજો વધી જાય છે. પરંતુ ખુલ્લો, સ્વચ્છ અને સન્માનભર્યો સંવાદ પેઢીઓને નજીક લાવે છે.
સૌથી મહત્વનું છે સ્નેહ, જે કોઈપણ મતભેદને નરમ કરી દે છે. પ્રેમ હોય ત્યાં નાની-મોટી ટકરારો પોતે જ ઓગળી જાય છે. સમજૂતી, સંવાદ અને સ્નેહ કોઈપણ પેઢી અંતરને માત્ર ક્ષણોમાં ઓગાળી શકે છે. કારણ આ એજ બાળકો છે જેમને આપણે ચાલતા શીખવ્યું હતું. આ જતાવવાને બદલે તેમણે સમજાવાની જરૂર છે. પરિવારમાં વિચારોને કારણે આવેલો ફેરફાર એ વિરોધ નથી. માત્ર વિચારનો ભેદ છે.
સમય હતો વડીલો પેઢીઓ થી ચાલી આવતી પરંપરાઓને જાળવી રાખવા પોતાની ખુશીઓનું બલિદાન આપતા અચકાટ નહોતા. જ્યારે યુવાનો આધુનિકતાને સ્વતંત્રટાણે લઈને પોતાની ખુશી અને ભવિષ્યનો વિચાર કરે છે. જે કશુંજ ખોટું નથી.
બસ પરંપરા અને આધુનિકતા ટકરાતાં વિચાર-ભેદ સર્જાય છે. ઘણા મતભેદો વધારે કરીને સંવાદના અભાવથી ઊભા થાય છે.
બિન્ની એન્ડ ફેમિલી જેવી વાર્તાઓ જણાવે છે કે જીવનશૈલી અલગ હોવા છતાં આપણે એક છીએ. જ્યારે બન્ને મળીને ચાલે ત્યારે જ પરિવારનું સાચું સંતુલન ઊભું થાય છે. સંબંધોમાં આજ સૌથી મોટી સુંદરતા છે.



