વરસાદને ધ્યાને રાખી EVM સહિત અન્ય મટીરિયલની વિશેષ વ્યવસ્થા
વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી માટે જિલ્લા વહિવટી તંત્ર સજજ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.27
જૂનાગઢ જિલ્લાની વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી જાહેર થતા જ વિધાનસભા મત વિસ્તારમાં આદર્શ આચાર સંહિતા અમલી બની છે. વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી સંદર્ભે જૂનાગઢ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અનિલકુમાર રાણા વસિયાના અધ્યક્ષ સ્થાને પત્રકાર પરિષદ યોજાઈ હતી. ચૂંટણીપંચની માર્ગદર્શિકા અનુસાર આદર્શ આચાર સંહિતાની અમલવારી સાથે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા શરૂ કરાયેલી કામગીરી અને તૈયારીઓની માહિતી આપતા જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અનિલકુમાર રાણાવસિયા એ જણાવ્યુ હતું કે, વિસાવદર વિધાનસભા મત વિસ્તાર બેઠક પરની પેટા ચૂંટણીનો કાર્યક્રમ ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. જે મુજબ આગામી 19 જૂનના રોજ મતદાન અને 23 જૂનના રોજ મતગણતરી થનાર છે. જૂનાગઢ જિલ્લાની 87-વિસાવદર વિધાનસભા મતવિસ્તારમાં આખરી મતદારયાદી પ્રમાણે 1,35,609 પુરુષ, 1,25,479 મહિલા અને ત્રીજી જાતિના 04 મળી કુલ 2,61,092 મતદારો નોંધાયા છે. વિસાવદર વિધાનસભા મત વિસ્તારના કુલ- 294 બુથ લેવલ ઓફીસર દ્વારા તમામ મતદારોના ઘરે ઘરે જઈને મુલાકાત લઈ ચકાસણીની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે તથા તમામ મતદારોના ફોટાવાળી મતદારયાદી તૈયાર કરવામાં આવેલ છે. ફોટો વોટર સ્લીપ મતદાનના પાંચ દિવસ પહેલા બી.એલ.ઓ. શ્રી મારફત વિતરણ કરવામાં આવશે. વિશેષમાં સંપૂર્ણ અને રચનાત્મક ભાગીદારી અને શારીરિક અશકત મતદારોના સક્રિય જોડાણ માટે ચૂંટણી પંચ દ્વારા દ્રશ્ય વિકલાંગતા ધરાવતા તેમજ અંધ મતદારો માટે બ્રેઈલ લાક્ષણિકતાવાળી વોટર સ્લીપનું વિતરણ કરવામાં આવશે.
87- વિસાવદર વિધાનસભા મત વિસ્તારમાં કુલ મતદાન મથક-294 (17-શહેરી, 277-ગ્રામ્ય), મતદાન મથક સ્થળ-212 (07-શહેરી, 205-ગ્રામ્ય) આવેલ છે અને તમામ મતદાન મથક ઉપર પ્રાથમિક જરૂરી સુવિધાઓ પુરી પાડવામાં આવશે. 87-વિસાવદર વિધાનસભા મત વિસ્તારના 294-મતદાન મથકો પૈકી એક મતદાન મથક 293-કનકાઈ શેડો એરિયામાં આવેલ છે. આ મતદાન મથક પર સંદેશા વ્યવહાર માટે જંગલ ખાતાના અદ્યતન સંદેશા વ્યવહારનો ઉપયોગ કરવામાં આવશે. ચૂંટણીની કામગીરી માટે તેમજ મતદાન અને મતગણતરીના દિવસ માટે 1884 કર્મચારીઓનો સ્ટાફ જિલ્લામાં ઉપલબ્ધ છે. જિલ્લામાં મતદાન મથકોની સાપેક્ષમાં ઈવીએમ મશીન તેમજ વીવીપેટ મશીન પુરતા પ્રમાણમાં ઉપ્લબ્ધ છે. જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યુ હતું કે, વિધાનસભાની બેઠક માટે ઉમેદવારની ખર્ચની મર્યાદા રૂ. 40,00,000 રાખવામાં આવેલ છે. ચૂંટણી ખર્ચના નિયંત્રણ માટે જિલ્લામાં 2 – વિડિયો નિરીક્ષણ ટુકકી, 1- વિડીયો દેખરેખ ટુકકી, 3- સ્થાપી દેખરેખ ટુકડી, 3-ફલાઈંગ સ્કવોડ, તેમજ 1- એકાઉન્ટીંગ ટીમની રચના કરવામાં આવેલ છે.તેમજ આદર્શ આચાર સંહિતાના અમલીકરણ તેમજ દેખરેખ માટે નગરપાલિકા વિસ્તાર માટે 1, ગ્રામ્ય વિસ્તાર માટે 3 મળીને કુલ- 4 ખઈઈ ટીમની રચના કરવામાં આવેલ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઇવીએમ વીવીપેટ તેમજ અન્ય મટીરીયલની સુરક્ષા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવશે. જિલ્લા ચૂંટણી અધિકારશ્રી એ મતદાતાઓને 19 જૂન ના રોજ મતાધિકારનો ઉપયોગ કરવા અને લોકતંત્રને મજબૂત બનાવવા યોગદાન આપવા અપીલ કરી હતી. ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાય અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એ માટે તમામ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. સાથે જ આંતર જિલ્લા ચેકપોસ્ટ કાર્યરત કરવામા આવી છે. આ તકે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ડી.જે. જાડેજા,નાયબ માહિતી નિયામક એસ.જે.બળેવિયા તેમજ પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.