ગિર-સોમનાથ ક્રાઇમ બ્રાન્ચે વધુ એક નકલી ટોળકી ઝડપી
યુવક-યુવતીઓને સરકારી નોકરી આપવાની લાલચ આપી 90 લાખ ખંખેર્યા
- Advertisement -
જૂનાગઢ, પ્રાંચી અને કડીના ત્રણ આરોપીઓની ધરપકડ
ખાસ-ખબર સંવાદદાતા
રાજ્યભરમાં નકલી બનીને લોકોને ખંખેરનાર અનેક લોકો ઝડપાયા બાદ હવે ગીર સોમનથ ક્રાઇમ બ્રાન્ચે સ્પર્ધાત્મક પરીક્ષાના નકલી નિમણૂંક પત્ર આપીને યુવક – યુવતીઓને સરકારી નોકરીની લાલચ અપાતી ટોળકીના ત્રણ શખ્સોને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે જેમાં રૂ 90 લાખ જેટલી માતબર રકમ યુવાનો પાસેથી ખંખેરી લીધાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે ગીર સોમનાથ પોલીસે જૂનાગઢ, સુત્રાપાડા અને મેહસાણાના કડીના ત્રણ શખ્સોને ઝડપી પાડી સરકારી નોકરીના નકલી નિમણુંક પત્રો અપાતી ટોળકીનો પર્દાફાશ કર્યો છે.
જૂનાગઢ રેંજ આઇજી નિલેશ જાજડીયાના માર્ગદર્શન હેઠળ ગિર-સોમનાથ પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાની સુચના અનુસાર ગિર-સોમનાથ ક્રાઇમ બ્રાંચના પીઆઇ એસ.એમ. ઇસરાણી, એસઓજી પીઆઇ એ.બી.જાડેજા સહિત પોલીસ સ્ટાફને મળેલી માહિતી આધારે ગિર-સોમનાથ જિલ્લામાં સ્પર્ધામક પરીક્ષાની તૈયારી કરતા યુવક યુવતિઓને સરકારી નોકરી અપાવી દેવાની લાલચ આપી નકલી નિમણુંક પત્રો બનાવી અંદાજે 90 લાખ જેટલા રૂપિયા ખંખેરતી ટોળકીને ઝડપી લેવામાં પોલીસને સફળતા મળી હતી.
આ સમગ્ર બનાવ મામલે કાનજીભાઇ વાળાના સગા ઘંટીયા ગામે આવેલ જયોતિબા પુલે નામની એકેડેમીમાં સ્પર્ધામક પરીક્ષાની તૈયારી માટે જતા હોય ત્યારે પોતાના સંતાનો માટે આજથી દોઢ વર્ષ પહેલા આ એકેડેમીમાં પૂછ પરછ માટે જતા ત્યારે આરોપી જેઠા ઉર્ફે સુભાષે આરોગ્ય ખાતામાં નોકરી કરતો હોય અને જયોતીબા પુલે એકેડેમીનો પ્રમુખ હોવાની વાત કરી ફરિયાદીની પુત્રીને સરકારી નોકરી આપી દઇ એવુ કહીને પોતાના મોબાઇલ ફોનમાં પોલીસની દોડની પરીક્ષમાં નાપાસ થયેલ યુવતિઓને પાસ થયેલ સિકકાવાળો લેટર બતાવી વિશ્ર્વાસમાં લઇ પ્રથમ છ લાખની માંગણી કરી 3 લાખમાં નકકી કરી એક લાખ રૂપિયા ફરિયાદી પાસેથી તત્કાલીક મેળવી તેમજ ફરિયાદીના સગા-સબંધીના અન્ય પાંચ યુવાનો અને યુવતિઓ પાસેથી એમ કુલ રૂા.7 લાખ મેળવી તા.21.3.2023ના રોજ વેરીફીકેશન માટે ગાંધીનગર જવાનો કહી પોતાની ગાડીમાં તમામ ભોગબનનારને ગાંધીનગર લઇ ગયેલ અને સચીવાલય સેવા કારકુન સચિવાલય ઓફીસ આશિસ્ટન સંવર્ગ-3ની ભરતીનો લેટર આપેલ.
આ રીતે જૂનાગઢ કલેકટર ઓફીસ મહેસુલ વિભાગનો નિમણુક પત્ર આપી જૂનાગઢ કલેકટર ઓફીસ ખાતે તમામને લઇ ગયેલ અને આરોપીઓ તમને નિમણૂક પત્ર આપી દેવાનુ કહી તમામને ઉભા રાખી અને આરોપીઓ કલેકટરના બંગલે મળવા જવાનુ કહી ત્યાંથી જતા રહ્યા હતા.
નકલી નોકરીના નિમણૂક પત્રો આપનાર આરોપી ટોળકીના ત્રણ શખ્સોમાં જેઠા ઉર્ફે સુભાષ બચુભાઇ ચુડાસમા રહે.ધંટીયા પ્રાચી તા.સુત્રાપાડા, હરસુખલાલ પુનાભાઇ ચૌહાણ રહે.જૂનાગઢ મધુરમ મંગલધામ સોસાયટી, નિલકંઠકુમાર જયંતિલાલ પટેલ ઉર્ફે પિન્ટુ પટેલ રહે. કડી જિલ્લો. મહેસાણા વાળાને ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી નકલી નિમણુંક પત્ર આપનાર ટોળકીને ઝડપીને પદાર્ફાશ કરવામાં ગિર-સોમનાથ પોલીસને સફળતા મળી હતી.