મંડળના ટેન્ડરમાં પ્રતિ કિલોએ રૂ.108.80 ભાવ, પ્રિન્ટિંગ વિભાગમાં રૂ.87.05
પ્રિન્ટિંગ વિભાગનો કાગળ પાઠયપુસ્તક મંડળ કરતાં સારી ગુણવત્તાવાળો
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાત રાજ્ય પાઠય પુસ્તક મંડળના કાગળ ખરીદીના ટેન્ડરમાં કરોડોનું કૌભાંડ આચરવાનો કીમિયો અપનાવાયો હોવાના જે આક્ષેપો થયા છે તેને સાચા ઠેરવતી વિગતો એવી સામે આવી છે કે, સરકારના જ બે વિભાગ અને એક જ પ્રકારના કાગળની જુદા જુદા ભાવે ખરીદી કરવામાં આવી રહી છે. પાઠય પુસ્તક મંડળ દ્વારા રૂ.108.80ના ભાવે કાગળ ખરીદવાની તૈયારી દર્શાવી દીધી છે, ત્યારે બીજી તરફ સરકારના જ પ્રિન્ટિંગ એન્ડ સ્ટેશનરી વિભાગ દ્વારા જાહેર કરાયેલા ટેન્ડરમાં આ જ કાગળ રૂ.87.05ના ભાવે ખરીદવાની શરત મુકી છે. આમ પ્રિન્ટિંગ વિભાગના ટેન્ડરમાં આવેલા ભાવની સરખામણીએ પાઠયપુસ્તક મંડળ દ્વારા રૂ.69 કરોડના મોઘા ભાવે કાગળની ખરીદી કરવામાં આવશે. જે પ્રકારે પાછલા કેટલાય વર્ષોથી પાઠયપુસ્તક મંડળમાં કાગળ ખરીદી અંગેના નિર્ણયો છેવટે તો તેના ડિરેક્ટરની ભલામણથી અને શિક્ષણમંત્રીની જ બહાલી બાદ લેવાતા રહ્યા છે તે જોતાં આ આખા કથિત કૌભાંડમાં ડિરેક્ટર અને મંત્રીની સંડોવણીની શક્યતા પણ નકારી શકાતી નથી. ગુજરાત રાજ્ય પાઠયપુસ્તક મંડળ દ્વારા પુસ્તકો તૈયાર કરવા માટેનું 32 હજાર મેટ્રીક ટન મેપલીથો કાગળ ખરીદવાનું રૂ.371.20 કરોડનું ટેન્ડર બહાર પાડયું હતુ. આ ટેન્ડર ચોક્કસ નક્કી કંપનીને જ મળે તેના માટે વર્ષ-2017થી ચાલી આવતી ટેન્ડરની શરતો ઉડાવી દેવામાં આવી હતી. જેના કારણે ટેન્ડરમાં આપોઆપ સ્પર્ધા ઘટી ગઈ અને નક્કી કરેલી જ ગોઠવણવાળી કંપની જ એલ-1માં આવી હોવાના આક્ષેપો થયાં હતા. હવે જે કંપની એલ-1માં આવી છે તેનો પ્રતિકલોએ ભાવ રૂ.108.80 ભરાયો છે. આ ટેન્ડર ખુલતાની જ સાથે કરોડોનું કૌભાંડ આચર્યાના આક્ષેપો થયાં હતા. પરંતુ મંત્રી અને ડાયરેક્ટર દ્વારા ટેન્ડર રદ ન થાય તેના માટે ઘણા ધમપછાડા કરાયા હોવાનું આ ક્ષેત્રના નિષ્ણાંતો આક્ષેપ કરે છે. આ કૌભાંડની પોલ સરકારના જ પ્રિન્ટિંગ એન્ડ સ્ટેશનરી વિભાગના તાજેતરમાં ખુલેલા ટેન્ડરમાં ઉઘાડી પડી છે. પ્રિન્ટિંગ વિભાગે મેપલીથો કાગળ ખરીદી માટેનું ટેન્ડર પાડયું હતુ. ભાવ રૂ.87.05 ભરાયો છે. મહત્વની વાત તો એ છે કે, પ્રિન્ટિંગ વિભાગે પાઠયપુસ્તક મંડળ કરતાં ઉંચી ગુણવત્તાવાળો કાગળ માગ્યો હોવા છતાં તેના કરતાં પ્રતિકિલોએ રૂ.21.75 નીચો ભાવ આવ્યો છે. પ્રતિકિલોના આ નીચા ભાવને પાઠયપુસ્તક મંડળના 32 હજાર મેટ્રીક ટન કાગળ સાથે ગુણાંકન કરવામાં આવે તો રૂ.69 કરોડથી પણ વધુ ઊંચા ભાવે ખરીદી થશે. આમ પાઠયપુસ્તક મંડળના કાગળ ખરીદીમાં પોતાના હિત સિદ્ધ કરવા માટે શિક્ષણ મંત્રી અને ડાયરેક્ટર દ્વારા જે કારસ્તાન આચરવામાં આવ્યુ છે તેના કારણે સરકારને કરોડોનું નુકશાન જશે તેવા આક્ષેપ આ ક્ષેત્રના નિષ્ણાંતો દ્વારા કરવામાં આવી રહ્યાં છે. આ ઘટનાના પગલે એવી પણ માગ ઉઠી ઠે કે, તાત્કાલીક આ ટેન્ડર રદ થવુ જોઈએ અને વધુ સ્પર્ધા, વધુ ગુણવત્તાવાળો કાગળ અને સરકારને ફાયદો થાય તેમજ વિદ્યાર્થીઓના પુસ્તકોની કિંમતમાં વધારો ન થાય તે અંગે સરકારે તાત્કાલીક નિર્ણય કરવો જોઈએ.
પ્રિન્ટિંગ વિભાગની સરખામણીમાં પાઠ્યપુસ્તક મંડળ રૂ.69 કરોડનો મોંઘો કાગળ ખરીદશે
