રાજવી સ્વ. ડૉ. દિગ્વિજયસિંહ ઝાલાની સ્મૃતિમાં ત્રિદિવસીય અશ્ર્વ પ્રદર્શનનું આયોજન; રાજ્યપાલના હસ્તે શ્રેષ્ઠ અશ્ર્વ રખેવાળોનું સન્માન કરાયું
ખાસ-ખબર ન્યૂઝ વાંકાનેર
- Advertisement -
મોરબી જિલ્લાના ઐતિહાસિક વાંકાનેર ખાતે માનવી અને અશ્વના અતૂટ સંબંધને ઉજાગર કરતા ત્રણ દિવસીય ‘કામા અશ્વ શો’નો ગૌરવવંતો પ્રારંભ થયો છે. પશુપાલન વિભાગ, પ્રવાસન વિભાગ અને કાઠિયાવાડી હોર્સ બ્રિડર્સ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ કાર્યક્રમના પ્રથમ દિવસે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ખાસ ઉપસ્થિતિ આપી હતી. આ અશ્વ શો વાંકાનેરના સ્વ. રાજવી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો. દિગ્વિજયસિંહ ઝાલાની સ્મૃતિમાં યોજાઈ રહ્યો છે.
પશુધન એ આદિકાળથી સમૃદ્ધિનું પ્રતિક રાજ્યપાલશ્રીએ ઉપસ્થિત મેદનીને સંબોધતા જણાવ્યું હતું કે, વૈદિક કાળથી આપણી સંસ્કૃતિમાં ગાય અને અશ્વને શૌર્ય તેમજ સમૃદ્ધિના પ્રતિક માનવામાં આવ્યા છે. તેમણે સ્વ. ડો. દિગ્વિજયસિંહ ઝાલાના પ્રકૃતિ પ્રેમને યાદ કરતા જણાવ્યું કે, તેમણે રેલવેમાં લાકડાના બદલે સિમેન્ટના સ્લીપરનો ઉપયોગ કરાવી હજારો વૃક્ષોને બચાવવાનું મહત્વનું કાર્ય કર્યું હતું. રાજ્યપાલશ્રીએ અશ્વોની વિવિધ નસલોના ઉત્કૃષ્ટ રખેવાળોને પુરસ્કાર આપી સન્માનિત કર્યા હતા.
દેશી ગાય અને પ્રાકૃતિક ખેતીનો મંત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રાકૃતિક કૃષિ મિશનનો ઉલ્લેખ કરતા રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે, ખેડૂત અને રાષ્ટ્રની સમૃદ્ધિનો આધાર દેશી ગાય છે. દેશી ગાયનું દૂધ અને ગૌમૂત્ર માત્ર સ્વાસ્થ્ય માટે જ નહીં, પણ બિનઉપજાઉ જમીનને ફળદ્રુપ બનાવવા માટે પણ અમૃત સમાન છે. તેમણે પશુપાલકોને દેશી ગાયની લુપ્ત થતી નસલોને બચાવવા અને પ્રાકૃતિક ખેતી અપનાવવા હાકલ કરી હતી. આ ત્રિદિવસીય મહોત્સવમાં કાઠિયાવાડી અને મારવાડી અશ્વોના કરતબો આકર્ષણનું કેન્દ્ર બનશે.



