સદાબહાર દિવાળી વિશેષાંક
દિવાળી દીપોત્સવી અંક : અખબારો – સામયિકો દ્વારા વાંચકોને દિવાળી – નવવર્ષની અમૂલ્ય ભેટ
અખબારો-પત્રો દ્વારા આઝાદી બાદથી નિયમિત દિવાળી વિશેષાંક બહાર પાડવાની પરંપરા શરૂ થઈ
ગુજરાતી પત્રકારત્વની બે સદીની યાત્રામાં દિવાળી વિશેષાંકની શરૂઆત આજથી એક સદી અગાઉ થઈ હોવાનું અનુમાન છે. સૌ પ્રથમવાર દિવાળી વિશેષાંક કોણે અને ક્યારે બહાર પાડ્યો હતો તેની વિગત ઉપલબ્ધ નથી છતાં કેટલાંક સંદર્ભોને આધારે એમ કહી શકાય કે, ગુજરાતી પત્રકારત્વમાં 1920થી 1940ના સમયગાળામાં જૂજ અખબારો-પત્રો દ્વારા દિવાળી વિશેષાંક બહાર પાડવામાં આવ્યા હતા અને આઝાદી બાદથી લઈ નિયમિત દિવાળી વિશેષાંક બહાર પાડવાની પરંપરા શરૂ થઈ હતી. ગુજરાતી પત્રકારત્વની છેલ્લી અડધી સદીમાં દિવાળી વિશેષાંક લગભગ દરેક નાના-મોટા અખબારો કે સામયિકો બહાર પાડતા હતા કે પાડે છે અને ગુજરાતી ભાષાના અખબારો કે સામયિકોના આ દિવાળી વિશેષાંકો સદાબહાર હોય છે તેમાં કોઈ બેમત નથી.
- Advertisement -
દિવાળી અંક, દિવાળી વિશેષાંક, દીપોત્સવી અંક એ ગુજરાતી ભાષાના અખબારો કે સામયિકો દ્વારા તેમના વાંચકોને દિવાળી – નવવર્ષની અમૂલ્ય ભેટ છે. દિવાળી વિશેષાંક સાહિત્યિક પત્રકારત્વનું એક આયામ છે. ભારતની ઘણીબધી ભાષાઓમાં દિવાળી વિશેષાંક પ્રગટ થાય છે, ભારતભરમાં સૌથી શ્રેષ્ઠ દિવાળી વિશેષાંકો ગુજરાતી ભાષાના અખબારો કે સામયિકો પ્રગટ કરે છે. ગુજરાતી ભાષામાં કદાચ સૌથી વધુ દિવાળી વિશેષાંક પ્રગટ થતા હશે, કદાચ દિવાળી વિશેષાંક પ્રગટ કરવાની પરંપરા ગુજરાતી ભાષાના અખબારો કે સામયિકોના માધ્યમથી શરૂ થઈ હશે અને એટલે જ દિવાળી વિશેષાંક એ ગુજરાતી પત્રકારત્વની મહામૂલી મૂડી છે. ગુજરાતી ભાષાના દિવાળી વિશેષાંકમાં નાનેરાથી લઈ મોટેરાઓ માટે કઈકને કઈક નાવીન્યસભર વાંચન સામગ્રી હોય છે જે મનોરંજન સાથે માહિતી પણ આપે છે. એક જ વર્ષે પ્રગટ થતા અઢળક દિવાળી વિશેષાંકનું સોથી અગત્યનું પાસું જ નાવીન્યતા છે. દિવાળી વિશેષાંક પોતાનામાં જ ઘણીબધી વિશેષતાઓ અને વિવિધતાઓ ધરાવતો હોય છે.
અખબાર કે સામયિકના ખાસ અંક – સ્પેશિયલ ઈસ્યૂને વિશેષાંક કહેવામાં આવે છે. દર વર્ષે દિવાળી પર અખબાર કે સામયિક દિવાળી વિષયક જે વિશેષ અંક બહાર પાડે છે તેને દિવાળી વિશેષાંક કહેવાય છે. દિવાળી વિશેષાંકને દીપોત્સવી અંક પણ કહેવામાં આવે છે. દિવાળી વિશેષાંકમાં દિવાળી – નવવર્ષ સંલગ્ન વિવિધ સમાચાર, લેખ, વાર્તા, લઘુકથા, કવિતા, નિબંધ, નાટક, મુલાકાત, વાર્ષિક ભવિષ્ય, ચિત્ર, શુભેચ્છા સંદેશ, જાહેરખબર વગેરે પ્રસિદ્ધ થાય છે. કેટલાંક દિવાળી વિશેષાંક ચોક્કસ વિષય – થિમ આધારિત બહાર પડતા હોય છે. પહેલાના સમયમાં દિવાળી વિશેષાંક મોટાભાગે સામાયિક જ બહાર પાડતા હતા પરંતુ હવે દૈનિક, સાપ્તાહિક, પખવાડિક અખબારો પણ દિવાળી વિશેષાંક બહાર પાડવા લાગ્યા છે. ગુજરાતી ભાષાના અખબારો કે સામયિકો દ્વારા આગવી પરંપરા મુજબ ગુજરાતના સાહિત્ય, કલા, ઈતિહાસ, સાંસ્કૃતિક વિરાસત અને સંસ્કાર વારસાને દિવાળી અંક, દિવાળી વિશેષાંક, દીપોત્સવી અંકના માધ્યમથી પ્રસ્તુત કરવામાં આવે છે.
- Advertisement -
ગુજરાતી ભાષાના અખબારો કે સામયિકોના દિવાળી વિશેષાંકો સદાબહાર હોવાના એક નહીં અનેક કારણો છે. જેમ કે, ડિઝાઈન – લેઆઉટ અને ક્ધટેન્ટ. દિવાળી વિશેષાંકના ડિઝાઈન – લેઆઉટ એકદમ આકર્ષક હોય છે.
કલરફૂલ પેઈજ પર આપવામાં આવેલી વાંચન સામગ્રી પણ એવરગ્રીન હોય છે. ગુજરાતી ભાષાના લબ્ધપ્રતિષ્ઠિત સર્જકોનું સાહિત્યસર્જન સંકલિત કરીને દિવાળી વિશેષાંક પ્રસ્તુત કરવામાં આવે છે. દિવાળી વિશેષાંકમાં પત્રકારત્વ સાથે સાહિત્યના વિષયોને આવરી લઈ પ્રસ્તુત થતા સમાચારો, લેખો, વાર્તાઓ, લઘુકથાઓ, નિબંધો, નાટકો, કવિતાઓ, મુલાકાતો વગેરે સાથે વિષય અનુરૂપ આપવામાં આવેલી તસવીરો, હાથચિત્રો અને ઠઠ્ઠાચિત્રો પણ ધ્યાનાકર્ષક હોય છે. ક્વોલિટી અને કોન્ટીટીની દૃષ્ટિએ દિવાળી વિશેષાંક તમામ વર્ગ – વયના વાંચકોનું દિલ જીતી લે તેવા હોય છે. અખબારો કે સામયિકો દ્વારા દર વર્ષે પ્રગટ થતા દિવાળી વિશેષાંકો એ ગુજરાતી પત્રકારત્વનું રતન છે.
ગુજરાતી ભાષાના અખબાર કે સામયિકના દિવાળી વિશેષાંક દળદાર અને દમદાર હોય છે. દર વર્ષે દિવાળી – નવવર્ષના એકથી બે મહિના અગાઉ દિવાળી વિશેષાંક બનાવવાની તૈયારીઓ શરૂ થઈ જતી હોય છે અને ધનતેરસથી લઈ દિવાળી – નવવર્ષના દિવસોમાં દિવાળી વિશેષાંક પ્રસિદ્ધ કરવામાં આવતા હોય છે. કેટલાંક અખબારો કે સામયિકો પોતાના વાંચકોને નિ:શુલ્ક દિવાળી વિશેષાંકની ભેટ આપતા હોય છે તો કેટલાંક અખબારો કે સામયિકો દિવાળી વિશેષાંકની ચોક્કસ કિંમત રાખી તેનું વેંચાણ કરતા હોય છે. ગુજરાતી પત્રકારત્વમાં ચિત્રલેખા, અભિયાન, સફારી, ઉત્સવ, ફીલિંગ્સ, આરપાર, અહા! જિંદગી, નવનીત સમર્પણ, નવચેતન, કુમાર, શબ્દસૃષ્ટિ, અખંડઆનંદ, કચ્છમિત્ર, ફૂલછાબ, ગુજરાત વગેરે વગેરે અખબારો કે સામયિકોના દિવાળી વિશેષાંકો ખૂબ ખ્યાતીપ્રાપ્ત હતા, છે. અને રહેશે. હવે તો સામયિકો સિવાય કેટલાંક દૈનિક અખબારોના પણ દિવાળી વિશેષાંકો પણ અતિ ઉત્તમ દરજ્જાના હોય છે.
અહીં એક વાત ચોક્કસ કરવી જરૂરી બને છે – અમુક અખબાર કે સામયિક દિવાળી વિશેષાંકના નામ પર માત્ર જાહેરખબર એકઠી કરી આર્થિક ઉપાર્જનનું લક્ષ્ય ધરાવતા હોય છે, દિવાળી વિશેષાંકમાં વાંચન સામગ્રી ઓછી અને શુભેચ્છા સંદેશ તથા જાહેરખબરો વધુ હોય છે! દિવાળી વિશેષાંકના નામ પર માત્ર શુભેચ્છા સંદેશ તથા જાહેરખબર મેળવી આર્થિક સદ્ધર થવાના અમુક અખબારી સમૂહના કીમિયાઓ લાંબા ચાલતા નથી. ગુજરાતી વાંચકવર્ગ સુજ્ઞ છે એટલે દરેક અખબાર કે સામયિકના દિવાળી વિશેષાંક વાંચકોને પસંદ પડે એવું પણ હોતું નથી. દિવાળી વિશેષાંકનું સર્જન એક કળા છે અને એ કળામાં દરેક અખબારી સમૂહ અવ્વલ આવી શકે એવું ન પણ બને, અમુક ઉણા પણ ઉતરી શકે. દિવાળી વિશેષાંકમાં સામગ્રી – કન્ટેન્ટ ખૂબ જ મહત્વપૂર્ણ છે અને એ જ દિવાળી વિશેષાંકને દીર્ધાયુષ્ય આપે છે.
ગુજરાતી ભાષાના વાંચકો દર વર્ષે પોતાના મનપસંદ અખબારો કે સામયિકોના દિવાળી અંકોની આતુરતાથી રાહ જોતા હોય છે અને જેવા પસંદીતા દિવાળી અંકો આવે તેવા બજારમાંથી ખરીદી અથવા ક્યાંયથી મેળવી વાંચી લેતા હોય છે. છેલ્લા પચાસ વર્ષોમાં ગુજરાતી પત્રકારત્વમાં ચૂનીંદા અખબારો કે સામયિકો દ્વારા પ્રસિદ્ધ થયેલા મહત્તમ દિવાળી વિશેષાંકો વાંચવા અને વસાવવા જેવા છે. જેમ સમય પસાર થતા અખબાર વાસી થઈ જાય છે તેમ દિવાળી વિશેષાંક વાસી થઈ જતા નથી. ગુજરાતી ભાષાના અખબારો કે સામયિકો દ્વારા દિવાળીએ પ્રસિદ્ધ થતા વિશેષાંકો સામગ્રીથી લઈ દરેક દૃષ્ટિએ સદાબહાર છે. દળદાર અને દમદાર દિવાળી વિશેષાંકની એ ખાસિયત હોય છે, દિવાળી અંક, દિવાળી વિશેષાંક કે દીપોત્સવી અંક વર્ષોવર્ષ તરોતાજા રહે છે.
વધારો : ગાંડીવ એટલે સાહિત્ય મંદિર સુરતના ઉપક્રમે 1925થી 1973 સુધી પ્રસિદ્ધ થતું રહેલું બાળકોનું પખવાડિક. ગાંડીવ 1925ના જુલાઈ માસથી શરૂ થયું હતું. તેની મનોરંજક વાર્તાઓ દ્વારા લંબોદર શર્મા જેવું હાસ્યરસિક પાત્ર સર્જાયું હતું. બકોર પટેલ તો એ કાળે બાળકો-કિશોરોનું પ્રિય પાત્ર હતું. હરિપ્રસાદ વ્યાસનું આ સર્જન દીર્ઘકાળ સુધી બાળકોને મનોરંજન આપતું રહ્યું હતું. આ સચિત્ર પખવાડિકનો દિવાળી અંક વિપુલ માહિતીથી સભર રહેતો હતો. લગભગ પાંચ દાયકા સુધી ગાંડીવ દ્વારા બાળ-કિશોર સાહિત્યનું સર્જન થતું રહ્યું. બાળકો માટેનો પણ ખાસ દિવાળી અંક આવતો હતો. 1973માં ગાંડીવ બંધ પડ્યું હતું.