દેશના ઉત્તર સહિતના ભાગોમાં ઠંડી ‘કાતિલ’ બનવા લાગી છે. પર્વતીય ભાગોમાં નવેસરથી હિમવર્ષા સાથે મૌસમમાં બદલાવ છે અને ઉતર ભારતનાં તમામ રાજયોમાં તાપમાનને પારો નીચે સરકી રહ્યો છે. પાટનગર દિલ્હીમાં પણ 8 ડીગ્રીએ સીઝનનું સૌથી નીચુ તાપમાન નોંધાયું હતું. કેટલાક રાજયોમાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે.

હવામાનખાતાના રીપોર્ટ પ્રમાણે હિમાચલપ્રદેશમાં શીતલહેરની અસર જોવા મળી છે. પર્વતીય ભાગોમાં હિમપાત-બરફવર્ષા છે. સિમલામાં ન્યુનતમ તાપમાન 7.8 ડીગ્રી નોંધાયુ હતું જયારે ઉના, મંડી તથા સોલાનમાં પાંચ ડીગ્રીએ પહોંચ્યું હતું.

વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ સક્રીય હોવાથી તથા બંગાળની ખાડીમાં લો-પ્રેસર સિસ્ટમને પગલે ઉતરાખંડમાં હવામાનમાં ઉતારચઢાવ જોવા મળી રહ્યો છે. ન્યુનતમ તાપમાન નીચુ આવ્યુ હતું. બે-ત્રણ દિવસ હવામાનમાં કોઈ મોટો બદલાવ નહીં થવાની હવામાનખાતાની આગાહી છે.

પર્વતીય ભાગોમાં હિમવર્ષાને પગલે ઉતરપ્રદેશમાં ઠંડી કાતિલ બનવા લાગી હતી અને ધુમ્મસનો દોર પણ શરૂ થયો છે. પાટનગર દિલ્હીમાં સીઝનનું સૌથી નીચુ તાપમાન નોંધાયું હતું. જો કે, હવામાન સ્વચ્છ હતું. આવતા દિવસોમાં ઠંડી હજુ વધવાની શકયતા છે. પહાડી ભાગોના બરફીલા પવનથી તાપમાન નીચે આવ્યુ છે.