તા. 14 નવેમ્બરને શનિવારે હોસ્પિટલને ખુલ્લી મુકશે: સી.આર.પાટીલ સહિતના નેતાઓની ઉપસ્થિતિ
ખાસ-ખબર સંવાદદાતા
વેરાવળના આંગણે આગામી તા. 4 નવેના રોજ વિમ્સ મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પીટલનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ લોકાર્પણ કરશે. આ સિવાય ગીર સોમનાથના ધારાસભ્યો, પાર્ટીના નેતા સહિતના મહાનુભવોની ઉપસ્થિતિ રહેશે. મોટા શહેરોમાં થતી અદ્યતન સારવાર હવે વેરાવળના આંગણે વિમ્સ હોસ્પિટલમાં મળી રહેશે તેવો દાવો સંચાલકોએ કર્યો છે. આ હોસ્પિટલમાં તમામ પ્રકારના રોગોની સારવાર મળી રહે તેવી વ્યવસ્થાઓ ઉભી કરવાની સાથે તમામ રોગો માટેના નિષ્ણાંત તબીબો પણ ચોવીસ કલાક મળી રહેશે.
આ હોસ્પિટલની વિશેષતાઓ અંગે માહિતી આપતા ડો.કેયુર કોટડીયાએ જણાવેલું કે, આ હોસ્પિટલમાં જિલ્લામાં પ્રથમવાર અદ્યતન કાર્ડિયોલોજી વિભાગ સાથે ચાલુ થશે. જેમાં હૃદયરોગના હુમલા વખતે સારવાર માટે જરૂરી એવી એન્જીયોગ્રાફી અને એંજ્યોપ્લાસ્ટી જેવી સારવાર કાયમી માટે થશે.
આ હોસ્પિટલમાં હદયરોગની, સાંધા બદલવા, આંતરડામાં પંચર જેવી અનેક પ્રકારની જટીલ સારવાર આયુષ્યમાન કાર્ડ હેઠળ વિનામુલ્યે થશે. હોસ્પિટલમાં કાર્ડિયોલોજી, પીડીયાટ્રિક, ઓર્થોપેડિક, નવજાત શિશુ, તમામ પ્રકારના રોગો માટેની જનરલ સર્જન સહિતના અદ્યતન વિભાગો નિષ્ણાંત તબીબો સાથે કાર્યરત રહેશે. આ ઉપરાંત આઈસીયુ સુવિધાવાળી એમ્બ્યુલન્સ પણ સારવાર માટે ઉપલબ્ધ રહેશે. હોસ્પિટલમાં સર્પ કરડવા, પોઈઝન, પેરાલીસીસ, નિમોનિયા જેવી સારવાર માટે જરૂરી એવું અદ્યતન 3 લેવલનું આઈસીયુની સુવિધા ઉપલબ્ધ છે.
આ હોસ્પિટલમાં તહેવારો સમયે લોકોને સારવાર મળી રહે તે માટે ખાસ તબીબોની ટીમ હાજર રહે તેવું આયોજન કરાયેલું છે. અત્યાર સુધી હૃદયરોગનો હુમલો આવે તો સારવાર માટે રાજકોટ, અમદાવાદ દુર સુધી જવું પડતું તેના બદલે હવે ત્યાં જેવી જ સારવાર અહીં મળી રહેશે. આ હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડ હેઠળ તમામ પ્રકારના રોગોની સારવાર થાય તેવું આયોજન હાથ ધરાયું છે.