300 બેડની હોસ્પિટલ બનશે એઇમ્સની મીની આવૃતિ
રાજકોટની પંડિત દિનદયાળ ઉપાધ્યાય સરકારી હોસ્પિટલનું પાંચ માળનું બીલીંગ જે છેલ્લા 2 વર્ષથી કોવિડ હોસ્પિટલ તરીકે વપરાતુ હતુ તે હવે 300 બેડની સુપર સ્પેશ્યાલીટી હોસ્પિટલમાં ફેરવાશે. હોસ્પિટલ એડમીનીસ્ટ્રેશન હવે ખાલી પડેલ આ જગ્યાનો ઉપયોગ સૌરાષ્ટ્રના દર્દીઓને બહેતર મેડીકલ સુવિધાઓ આપવા માટે કરવા માગે છે અને તેણે ઓપીડી શરૂ પણ કરી દીધી છે. રાજકોટમાં મુખ્ય મેડીકલ કોલેજ અને આ હોસ્પિટલ પૂર્ણક્ષમતા સાથે શરૂ થાય તે પહેલા તે એઇમ્સની મીની આવૃતિ જેવું બનાવાશે. સીવીલ હોસ્પિટલના સતાવાળાઓ અનુસાર, નેફ્રોલોજી, યુરોલોજી, કાર્ડીયોલોજી, પીડીયાટ્રીક સર્જરી, બર્ન્સ અનેે પ્લાસ્ટિક સર્જરી, એન્ડોક્રીનોલોજી, ગેસ્ટ્રોએન્ટેરોલોજી, રૂમેટોલોજી, ઓર્થો સર્જરી જેવી સુપર સ્પેશ્યાલીટી સુવિધાઓ અહીં શરૂ કરવાની યોજના છે.આ બધા ક્ષેત્રમાં હાલમાં ઓપીડી સેવાઓ ચાલુ છે અને ટુંક સમયમાં જ ઇન્ડોર પેશન્ટ અને ઓપરેશનની સુવિધાઓ શરૂ થઇ જશે.હોસ્પિટલને આના માટેનું ફંડ રાજય અને કેન્દ્ર સરકાર તરફથી પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના (પીએમ એસએસવાય) હેઠળ મકાન અને સાધનો માટે બે વર્ષ પહેલા જ મળી ગયુ હતું.
સીએમ સેતુ યોજના હેઠળ પીપીપી મોડેલ પર નિષ્ણાંતોને રાખવામાં આવશે.પીડીયુ હોસ્પિટલના મેડીકલ સુપ્રીન્ટેન્ડન્ટ આર એસ ત્રિવેદીએ કહ્યું કે બે વર્ષ પહેલા જ આ સુવિધાઓ શરૂ કરવાની યોજના હતી પણ કોરોના મહામારીએ તેમાં વિક્ષેપ ઉભો કર્યો હતો.આ સુપર સ્પેશ્યાલીટી હોસ્પિટલમાં ઇન્ડોર પેશન્ટ, ઓપરેશન થીયેટર, આઇસીયુ બેડની સુવિધા હશે. પીડીયુ હોસ્પિટલમાં અત્યારે 1800 બેડની સુવિધા છે જેને 2000 સુધી વિસ્તારી શકાય છે.


