શૈલવાણી
– શૈલેષ સગપરિયા
તા. 15મી જૂન, 1998ના રોજ રાજકોટમાં રહેતા જયેશભાઈ ઠક્કર અને હિનાબહેન ઠક્કરને ત્યાં અધૂરા મહિને એક બાળકનો જન્મ થયો. લગભગ સવા સાત મહિને અવતરેલો આ બાળક જન્મ સમયે રડી શક્યો નહીં, આથી ઓક્સિજનના અભાવના કારણે છોકરો સેરેબલ પાલ્સીનો ભોગ બન્યો. આ બાળકનાં હાડકાં વિકાસ પામે પણ માંસપેશી ન બને, આથી શારીરિક અસક્ષમતાનો ભોગ બન્યો. કોઈપણ પરિવાર આવી પરિસ્થિતિમાં પડી ભાંગે એ સ્વાભાવિક છે, પણ જયેશભાઈ અને હિનાબહેને ‘ભગવાની જેવી ઇચ્છા’ એમ માનીને દીકરા જીગરને જેવો હતો એવા સ્વરૂપે સ્વીકાર્યો.
જીગરને 10 મહિનાનો હતો ત્યારથી નિયમિત રીતે કસરત માટે લઈ જવામાં આવતો.
દોશી હોસ્પિટલમાં ફિઝિયોથેરાપિસ્ટ તરીકે સેવા આપતા ડો. હર્ષલ પુરોહિતે ઠક્કર દંપતીને જીગરના સર્વાંગી વિકાસ માટે કેટલીક ટિપ્સ આપી. આ દંપતીએ સંકલ્પ લીધો કે હવે આપણે બીજા સંતાનને આ દુનિયામાં નથી લાવવું. જો બીજું સંતાન આવશે તો સંપત્તિ અને પ્રેમ બંનેમાં જીગર પાસેથી ભાગ પડાવશે. આ ઉપરાંત બીજુ સંતાન નોર્મલ હોય તો શક્ય છે કે જીગર એને જોઈને લઘુતાગ્રંથિ અનુભવે. જીગરના શરીરમાં 80% માંસપેશીઓ નહોતી આથી એમણે કાયમ માટે ફિઝિયોથેરાપી કરાવવાની હતી. ડો. પુરોહિતે સૂચન કર્યું કે જીગરને જેમાં સવિશેષ રસ પડે એવી કોઇ રમતગમત પસંદ કરો, જેથી કસરત પણ થઇ જાય અને એ કસરતથી કંટાળો અનુભવવાને બદલે એનો આનંદ લઈ શકે. જીગરને સ્વિમિંગમાં વધુ રસ પડયો. જીગરને સારો સ્વિમર બનાવવા માટે એનાં મમ્મી-પપ્પાએ પોતાની જાત હોમી દીધી. સૌથી પહેલું અને અગત્યનું કામ તો એ કર્યું કે જીગરને આત્મવિશ્વાસ અપાવ્યો. કેટલાક વાલીઓ એમનાં દિવ્યાંગ બાળકોને બહાર લઈ જવામાં ક્ષોભ અનુભવતાં હોય છે, આથી બાળકોને કોઇ પ્રસંગે લઈ જવાને બદલે ઘરમાં જ રાખે. જયેશભાઈ જીગરને બધા જ સામાજિક પ્રસંગોમાં લઈ જાય, પોતાની બિઝનેસ મિટિંગમાં પણ લઈ જાય જેથી જીગર દુનિયાને જોઈ શકે અને સમજી શકે.
- Advertisement -
જીગરનાં મમ્મીએ જીગરના ઘડતર માટે પોતાની જાતને ઓગાળી દીધી. સવારથી સાંજ સુધીનો પોતાનો બધો જ સમય હિનાબહેન દીકરા જીગરને આપતા. ધીમે ધીમે જીગર સ્વિમિંગમાં નિપુણતા મેળવવા લાગ્યો. 2013માં જીગરે પ્રથમ વખત દિવ્યાંગ માટેની રાષ્ટ્રીય કક્ષાની તરણસ્પર્ધામાં ભાગ લીધો અને એક સિલ્વર મેડલ તથા એક બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો. આ છોકરાએ સંકલ્પ કર્યો કે હવે મારે નેશનલમાં ગોલ્ડ મેડલ લેવો છે. પછીના વર્ષની નેશનલ સ્પર્ધામાં એણે ગોલ્ડ મેડલ જીતીને મમ્મી-પપ્પાને ભેટમાં આપ્યો. જીગર કહે છે કે મેં ગોલ્ડ મેડલ જીત્યા પછી મારો આત્મવિશ્વાસ એવો બુલંદ બન્યો કે મેં નક્કી કર્યું, “મારે હવે ગોલ્ડ મેડલ સિવાયનો કોઇ મેડલ ખપે જ નહીં.” ત્યારથી આજ સુધીમાં જીગર નેશનલ કક્ષાની સ્પર્ધામાં 13 ગોલ્ડ મેડલ જીતી ચૂક્યો છે. પેરાઓલમ્પિક કમિટી ઓફ ઇન્ડિયા દ્વારા 2017ના વર્ષની ‘બેસ્ટ સ્વિમર ચેમ્પિયન ટ્રોફી’ જીગરને આપવામાં આવી છે. સમગ્ર વિશ્વના દિવ્યાંગ સ્વિમરોએ જુદી જુદી સ્પર્ધાઓમાં કરેલા દેખાવના આધારે એને રેન્ક આપવામાં આવે છે. જીગર ઠક્કર અત્યારે સમગ્ર દુનિયામાં 12મા સ્થાન પર અને સમગ્ર એશિયામાં પ્રથમ સ્થાન પર છે. ભારતના વડાપ્રધાને ‘મનકી બાત’ કાર્યક્રમમાં જીગરને યાદ કર્યો હતો.