ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટની ઝનાના હોસ્પિટલનું કરોડો રૂપિયાનાં ખર્ચે નવીનીકરણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ફેબ્રુઆરીમાં વડાપ્રધાન મોદીનાં હસ્તે આ હોસ્પિટલનું લોકાર્પણ કરી દેવામાં આવ્યું હતું. જોકે, હોસ્પિટલમાં એનેસ્થેસીયા ટ્રોલીની સુવિધા ન હોવાને કારણે બાળકોના ઓપરેશન કરી શકાતા નહોતા પરંતુ, નવનિયુક્ત અધિક્ષક મોનાલી માંકડીયાનાં ધ્યાનમાં આ બાબત આવતા જ તાત્કાલિક મોરબી ખાતેથી રૂ. 25 લાખની કિંમતની એનેસ્થેસીયા ટ્રોલી ફાળવવામાં આવી છે. જેને લઈને લોકાર્પણના 5 મહિના બાદ મંગળવારથી આ હોસ્પિટલમાં બાળકોના ઓપરેશન કરી શકાશે. પ્રાપ્ત વિગત મુજબ ઝનાના હોસ્પિટલમાં બાળકોના સર્જરી વિભાગમાં છેલ્લા 5 મહિનાથી એનેસ્થેસીયા ટ્રોલી ન હોવાના કારણે નવજાત બાળકોના ઓપરેશન કરવામાં આવતા ન હતા અને બાળકોને ઓપરેશન માટે સુપર સ્પેશિયાલિટી બિલ્ડીંગ એટલે કે ઙખજજઢ બિલ્ડિંગમાં ખસેડવામાં આવતા હતા.
- Advertisement -
બાળદર્દીનું ઓપરેશન અહીં કર્યા બાદ ફરીથી તેઓને ઝનાના હોસ્પિટલમાં લઈ જવા પડતા હતા. આ કારણે બાળકો તેમજ તેના પરિવારજનોએ હાલાકીનો સામનો કરવો પડતો હતો. આ અંગે પૂર્વ સિવિલ અધિક્ષકને અનેક રજૂઆતો પણ કરવામાં આવી હતી. જોકે હોસ્પિટલના નવનિયુક્ત અધિક્ષક ડો. મોનાલી માંકડિયાએ તાજેતરમાં ઝનાના હોસ્પિટલની મુલાકાત લીધી ત્યારે તેને આ બાબતની જાણ થઈ હતી. અધિક્ષકે તાબડતોબ ગાંધીનગર આરોગ્ય વિભાગને એનેસ્થેસીયા ટ્રોલી ફાળવવા માગણી કરી હતી. આથી વિભાગે મોરબી મેડિકલ કોલેજમાં ટ્રોલી હોવાનું જણાવતા જ રાજકોટ સિવિલ હોસ્પિટલના સ્ટાફ દ્વારા મોરબીથી એનેસ્થેસીયા ટ્રોલી રાજકોટ લાવવામાં આવી છે. સોમવારે 25 લાખની કિંમતની એનેસ્થેસીયા ટ્રોલીનું ફીટીંગ કરી દેવામાં આવ્યા બાદ મંગળવારથી જ બાળકોના ઓપરેશન ઝનાના હોસ્પિટલમાં કરવામાં આવશે.