– મનપાની અઢી વર્ષની વિકાસ ગાથા દર્શાવતા ‘‘વાઈબ્રન્ટ રાજકોટ’’ પુસ્તકનું વિમોચન કર્યુ
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે રાજકોટની મુલાકાત દરમિયાન મહાનગરપાલિકાએ રૂ. 30 કરોડના ખર્ચે હાલમાં જ ખરીદેલી નવીન 25 ઈલેક્ટ્રિક બસોનું લોકાર્પણ કર્યું હતું. રાજકોટ મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોન ઓફિસ ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં રાજકોટ દર્શનની બસનો પણ મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોએ લીલી ઝંડી આપીને શુભારંભ કરાવ્યો હતો. આજે લોકાર્પણ કરાયેલી બસો ઇલેકટ્રિક હોવાથી પર્યાવરણની પણ જાળવણી થશે અને જાહેર પરિવહન સેવા બહેતર બનશે.
- Advertisement -
આ તકે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તૈયાર કરવામાં આવેલ ‘વાઈબ્રન્ટ રાજકોટ’ પુસ્તકનું વિમોચન પણ મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવ્યું હતું. પુસ્તકમાં છેલ્લા અઢી વર્ષમાં રાજકોટ ખાતે હાથ ધરાયેલા વિકાસ કાર્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત સરકારના ‘ભારે ઉદ્યોગ વિભાગ’ (Department of Heavy Industries-DHI) દ્વારા દેશનાં મુખ્ય શહેરોની જાહેર પરિવહન સેવામાં ઈ-મોબીલીટીની જરૂરીયાતને ધ્યાને લઈને ફેમ ઈન્ડીયા સ્કીમ ફેઈઝ-2 યોજના અંતર્ગત રાજકોટ માટે પ્રથમ તબક્કામાં 50 ઇલેક્ટ્રીક બસો આપવામાં આવી છે. તમામ ઇ-બસો જાહેર પરિવહન સેવામાં ઉપયોગમાં છે. જ્યારે રાજકોટ માટે બીજા તબક્કામાં 100 ઈલે. બસ મંજુર કરવામાં આવેલ છે. જે પૈકી હાલ પ્રથમ તબક્કામાં 25 બસોને આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિતના મહાનુભાવો દ્વારા લીલીઝંડી આપી લોકાર્પિત કરવામાં આવી છે.
- Advertisement -
આ તકે મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયા, મેયર પ્રદીપભાઈ ડવ, સાંસદ મોહનભાઈ કુંડારીયા, રાજ્યસભા સાંસદ રામભાઈ મોકરીયા, ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ, ડેપ્યુટી મેયર કંચનબેન સિદ્ધપુરા, સ્ટેન્ડીંગ સમિતિના ચેરમેન પુષ્કરભાઇ પટેલ સહિતના પદાધિકારીઓ, કલેકટર પ્રભવ જોશી, મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, અગ્રણી સર્વ મુકેશ દોશી, રાજૂભાઇ ધ્રુવ, કમલેશભાઇ મિરાણી તેમજ વિવિધ વોર્ડના નગરસેવકો, મનપાનો સ્ટાફ, પોલીસ સ્ટાફ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.