- સુરત ડાયમંડ બુર્સની કમિટીની રજૂઆત બાદ નિર્ણય લેવાયો
સુરત ડાયમંડ બુર્સની કમિટીની રજૂઆત બાદ સુરત એરપોર્ટ પરથી વધુ 2 આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી ડિસેમ્બર અથવા જાન્યુઆરીથી દુબઈ અને હોંગકોંગ માટે ફ્લાઇટ શરૂ કરવામાં આવશે.
સુરતમાં પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે ડાયમંડ બુર્સનું ઓપનિંગ થવા જઈ રહ્યું છે. આ વચ્ચે સુરતવાસીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. સુરત એરપોર્ટ પરથી વધુ 2 આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગે કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ જાહેરાત કરી છે.
- Advertisement -
કેન્દ્રીય ઉડ્ડયનમંત્રીને કરાઈ હતી રજૂઆત
હીરા ઉદ્યોગકારોને વેપાર માટે અનેક વખત વિદેશ જવું પડે છે. તેથી સુરત ડાયમંડ બુર્સના સભ્યોએ અમેરિકા, લંડન, સિંગાપોર, બેંગકોક માટે સાપ્તાહિક ફ્લાઇટ શરૂ કરવા માટેની કેન્દ્રીય ઉડ્ડયનમંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાને રજૂઆત કરી હતી.
બે ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ કરવાનો નિર્ણય
જેથી સુરત એરપોર્ટ પરથી દુબઈ અને હોંગકોંગ માટે ફ્લાઇટ શરૂ કરવાનો લેવાયો છે. આગામી ડિસેમ્બર અથવા જાન્યુઆરી મહિનાથી આ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ થઈ જશે. આ ફ્લાઇટ શરૂ થયા બાદ હીરાના વેપારીઓને મોટો ફાયદો થશે.
પીએમ મોદીને મળવા પહોંચી હતી કમિટી
આપને જણાવી દઈએ કે, સુરતમાં ડાયમંડ બુર્સ તૈયાર થઈ ગયું છે. ડાયમંડ બુર્સની કમિટી દિલ્હી ખાતે પીએમ મોદીને આમંત્રણ આપવા માટે પહોંચી હતી. આ દરમિયાન અડધો કલાક સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વિસ્તૃત વાતચીત થઈ હતી. ડાયમંડ બુર્સની કમિટી દ્વારા બુર્સની જે પણ ખાસિયતો છે તેની ઊંડાણપૂર્વકની માહિતી વડાપ્રધાનને આપવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત બાદ ડાયમંડ બુર્સની કમિટી કેન્દ્રીય ઉડ્ડયનમંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાને મળવા પહોંચ્યી હતી અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ અંગે રજૂઆત કરી હતી.