મુન્દ્રા પોર્ટમાં એક દીવાદાંડીનું સપનું જોયું હતું, આજે અજાયબીનું પ્રમાણપત્ર મેળવી દુનિયા સામે ઉભું છે: ગૌતમ અદાણી
ખાસ-ખબર સંવાદદાતા
એક સીમાચિહ્નરૂપ તેજોમય સફરની સ્મૃતિમાં મુન્દ્રા પોર્ટ વૈશ્ર્વિક સ્તરે સૌથી મોટા બંદરોમાંના એક તરીકે તેના વિસ્તરણ અને ઉત્ક્રાંતિને હાઇલાઇટ કરીને પાથ-બ્રેકિંગ કામગીરીના 25 વર્ષની ઉજવણી કરી રહ્યું છે. 7 ઓક્ટોબર, 1998ના દિવસે મુન્દ્રા પોર્ટના તટ ઉપર સૌ પ્રથમ જહાજ ખઝ આલ્ફાને લાંગર્યા બાદ બંદરે એક સ્વપ્નદ્રષ્ટા અભિગમ, અતુટ મહત્વાકાંક્ષા અને ક્ષતિરહિત કામગીરીનું અવિરત પ્રદર્શન કરવા સાથે વૈશ્ર્વિક નકશા પર પોતાને પ્રીમિયર અને તકનીકી રીતે અદ્યતન બંદરોમાંના એક તરીકે અંકિત કર્યું છે.
મુન્દ્રા પોર્ટે વેપાર વણજની ગતિવિધીના નિર્ણાયક પ્રવેશદ્વાર તરીકે ઉભરીને આજે એક મલ્ટિમોડલ હબ તરીકે વિકસ્યું છે. જેણે વેપારને વેગવાન બનાવ્યો છે અને આર્થિક પ્રગતિનો પાયો મજબૂત બનાવ્યો છે. એક સાવ સાધારણ શરૂઆતથી આજે તે વૈશ્ર્વિક પ્રસિદ્ધિ પામ્યું છે. ભારતના આર્થિક માળખામાં તેની કેન્દ્રીય ભૂમિકા પર ભાર મૂકતા આ પોર્ટે તેના અસ્તિત્વના 25 વર્ષોમાં રાજ્ય અને રાષ્ટ્રીય તિજોરીમાં રુ.2.25 લાખ કરોડથી વધુનું માતબર યોગદાન આપવા સાથે શરૂઆતથી આજ સુધીમાં 7.5 કરોડ માનવ-દિન કરતા વધુ રોજગારીનું સર્જન કર્યું છે.
આ પ્રસંગે ખુશી અને સંતોષ વ્યક્ત કરતા અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે, મારા માટે મુંદ્રા એ એક બંદરથી વિશેષ છે. તે સમગ્ર અદાણી ગ્રુપ માટે શક્યતાઓની ક્ષિતિજના શિરમોર સ્થાને છે. 25 વર્ષ પહેલા જ્યારે અમે પોર્ટનું મંગલાચરણ કર્યું ત્યારે અમે એક દીવાદાંડીનું સપનું જોયું હતું. જે ભારતની આગામી કૂચનું પ્રતિનિધિત્વ કરશે. પ્રતિબદ્ધતાના હૃદયના આ ધબકારા માત્ર મુન્દ્રામાં જ નહીં, પરંતુ સમગ્ર દેશમાં ગુંજી રહ્યા છે અને જે તમામ હિતધારકોના વિશ્ર્વાસનો પડઘો પાડે છે. આ તમામને અમારી આ સફરમાં સામેલ થવા માટે ભરપૂર ભરોસો હતો. આજે અમે અમારી આ સિલ્વર જ્યુબિલીને ઉજવી રહ્યા છીએ. ત્યારે મુંદ્રા અજાયબીઓના એક પ્રમાણપત્ર તરીકે સૌની સમક્ષ ઉભું છે. જ્યારે દૂરદર્શિતા, મક્કમ પ્રતિબધ્ધતા અને હજારો હાથ ભેગા થાય છે ત્યારે રળિયામણા બનીને પ્રગટ થઈ શકે છે.
અમે અમારા કર્મચારીઓ અને ભાગીદારો સાથે માત્ર એક પોર્ટ બાંધ્યું નથી. પરંતુ મુન્દ્રા પોર્ટને વૈશ્ર્વિક ઉત્કૃષ્ટતાના પ્રતીકરુપ શિલ્પનું સર્જન કર્યું છે. મુન્દ્રા પોર્ટના ઝળહળતા કામકાજે સમગ્ર કચ્છ પ્રદેશનો કાયાકલ્પ કર્યો છે અને નવી જ બ્લુપ્રિન્ટ્સ તૈયાર કરી છે. અમારો આત્મવિશ્ર્વાસ ક્યારેય ઊંચો રહ્યો નથી અને મુંદ્રા વૈશ્ર્વિક નકશા ઉપર બેન્ચમાર્ક સેટ કરીને આગળ વધવાનું ચાલુ રાખશે એમ તેમણે ઉમેર્યું હતું.
ગ્રીન પહેલથી લઈને ટકાઉ ઓપરેશનલ પદ્ધતિઓ સુધીની પર્યાવરણ સંરક્ષણની પ્રવૃત્તિઓમાં પૂૂરી સભાનતા સાથે મુન્દ્રા પોર્ટ મોખરે રહ્યું છે. સમાજ પ્રત્યેની જવાબદારીની ગહન પ્રતિબદ્ધતા સાથે અદાણી ફાઉન્ડેશન આજે મુન્દ્રાના 61 ગામો અને કચ્છના વિવિધ ભાગોના 113 ગામવાસીઓના જીવન ઉત્કર્ષના કાર્યો સાથે સંકળાયેલું છે, જે 3.53 લાખ લોકોને સ્પર્શે છે. અદાણી ગ્રૂપના આગમનથી કચ્છ પ્રદેશમાં ગહન ફેરફારો થયા છે, જેમાં શિક્ષણ,આરોગ્ય સંભાળ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા શહેરો અને ગામડાઓના ઉત્થાન માટે અદાણી ફાઉન્ડેશન મહત્ત્વની ભૂમિકા ભજવે છે. જે અદાણી ગૃપના નૈતિક મૂલ્યોને પ્રતિબિંબિત કરે છે – સામાજિક જવાબદારી સાથે વ્યવસાય વૃદ્ધિના નિર્ધાર સાથે ફાઉન્ડેશન કાર્યરત છે. આ પ્રદેશના સામાજિક-સાંસ્કૃતિક તાણાવાણાને ફરીથી આકાર આપતા સર્વગ્રાહી વિકાસને આવરી લેતા મહિલા સશક્તિકરણ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર વૃદ્ધિના બીજ અદાણી ફાઉન્ડેશને રોપ્યા છે.