NCRBના રિપોર્ટમાં ઘટસ્ફોટ
શહેરો-ગામડામાં જૂથવાદનું બીજ રોપાયું: એક વર્ષમાં ધાર્મિક મુદ્દે જ નહીં, જાતિવાદના મુદ્દે પણ ગુજરાતમાં તોફાન થયાં અને પાણી-વીજળીના પ્રશ્ર્ને પણ બે જૂથ વચ્ચે ડખ્ખાં થયા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ
શાંત અને સમૃદ્ધ ગુજરાતની જાણે શાંતિ હણાઇ છે, કારણ કે, એક જ વર્ષમાં રાજ્યમાં 232 છમકલાં થયાં છે. ધાર્મિક મુદ્દે જ નહીં, જાતિવાદના મુદ્દે પણ ગુજરાતમાં તોફાન થયાં છે. પાણી અને વિજળીના પણ બે જૂથો વચ્ચે મોટી તકરાર થઈ હોવાનુ પોલીસ ચોપડે નોધાયું છે. ટૂંકમાં નેશનલ ક્રાઈમ રેકર્ડ બ્યૂરોના અહેવાલ પરથી ગુજરાતની કાયદા વ્યવસ્થાની સ્થિતિ ઉજાગર થઈ છે.
ગુજરાતમાં નાની સરખી બાબતે પણ ઝઘડા વધવા માંડ્યા છે. એટલુ જ નહીં, શહેરો અને ગામડાઓમાં જૂથવાદ અને જાતિવાદનુ બી રોપાયુ છે જેના કારણે તોફાન થવા માંડ્યાં છે. વધતાં જતાં તોફાન-રમખાણો, છમકલાંએ શાંત ગુજરાતની ઓળખ સામે સવાલો ઊભા થયા છે. કારણ કે, વર્ષ 2023માં જ ગુજરાતમાં કુલ મળીને 232 તોફાન થયા હોવાનું નેશનલ ક્રાઈણ રેકર્ડ બ્યુરોના અહેવાલમાં નોધાયું છે, જેમાં ધાર્મિક મુદ્દે 17 કોમી તોફાનો થયાં હતાં.
બે જૂથ વચ્ચે તોફાન થયાની 21 ઘટનાઓ પોલીસ ચોપડે નોધાઈ છે. પાણીના મુદ્દે પણ ઝઘડાં થયાં છે. ત્રણેક કિસ્સામાં પાણીના મામલે બે જૂથો વચ્ચે છમકલુ થયુ હતું. ખેતર અને ખેતી પણ ઝઘડાનું કારણ બની રહ્યું છે. કૃષિ મુદ્દે તોફાન થયુ હોય તેવી સાતેક ઘટના બની હતી. ગામડા-શહેરમાં બે જૂથ-કોમ વચ્ચે ઝઘડો કંકાશ થયો હોય તે માટે પ્રેમ પ્રકરણ જવાબદાર કારણ બની રહ્યુ છે. પ્રેમલગ્ન મુદ્દે વિખવાદ થતાં બે જૂથો આમને સામને આવતાં તોફાને સ્વરુપ લીધુ હોય તેવા 72 કેસો નોધાયા છે. આંતરિક દુશ્ર્મનાવટને લીધે બે કોમ-જાતિ વચ્ચે તોફાન થયા હોવાની 20 ઘટના બની છે.
જાતિવાદના ઝેરે ગામડાઓની જાણે શાંતિ હણી છે. ક્યાંક મંદિરમાં પ્રવેશ અપાતો નથી તો ક્યાંક આખીય જાતિનો બહિષ્કાર કરાય છે. આ પરિસ્થિતિ વચ્ચે જાતિવાદને મુદ્દે પણ બે કિસ્સામાં તોફાન થયા હોવાનો રિપોર્ટમાં ઉલ્લેખ કરાયો છે. રાજ્યમાં પાંચેક કિસ્સા એવા બન્યાં છે જ્યાં પૈસા અને મિલ્કતને લીધે જાતિ-કોમ વચ્ચે બબાલ થઈ હતી. આમ, શાંત ગુજરાતમાં જાણે પલિતો ચંપાયો હોય તેવુ ચિત્ર ઉપસ્યું છે.