ખાસ-ખબર સંવાદદાતા
એમએસએમઈ એકમો પાસેથી કરાતી ખરીદીમાં પેમેન્ટ 15 કે 45 દિવસમાં કરવાનુ ફરજીયાત બનાવતી આવકવેરા જોગવાઈ સામે દેશભરના વેપાર ઉદ્યોગમાં જબરદસ્ત ઉહાપોહ સર્જાયો જ છે. આ મામલે નાણામંત્રી નિર્મલા સીતારામનને રજુઆત કરવા માર્ગ ગુજરાતના વેપાર ઉદ્યોગ પ્રતિનિધિઓ દિલ્હી પહોંચ્યા હતા અને રૂબરૂ-લેખિત રજુઆત કરી હતી.
સુરતના કોર્પોરેટર દિનેશ રાજપુરોહીત, કોસ્ટા, એસજીટીટી, અમદાવાદ મસ્કતી મહાજન સહિતના સંગઠનના પ્રતિનિધિઓએ આવકવેરાની કલમ 43-બી-એચની જોગવાઈ રદ કરવા તથા સરળતાપૂર્વક લાગુ પાડવાની રજુઆત કરી હતી. નાણામંત્રીએ રજુઆત સાંભળીને વેપારઉદ્યોગના હિતમાં શકય ફેરફાર કરવાની બાહેધરી આપી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, એમએસએમઈ સંલગ્ન આવકવેરાની આ જોગવાઈ હેઠળ ખરીદનારા 15 કે 45 દિવસમાં પેમેન્ટ ન કરે તો આ નાણાં તેઓની આવકમાં ગણાનાર છે એટલે કરબોજ વધી શકે છે. ઉપરાંત નિયત સમયમાં પેમેન્ટન કરવા બદલે વ્યાજ સહિતની દંડાત્મક જોગવાઈઓ પણ હોવાથી વેપારઉદ્યોગને મોટી અસર છે.