ધોરાજી, ગોંડલ, જસદણ, જેતપુર, ઉપલેટા અને જામકંડોરણાના તમામ વેપારીઓ, મજૂરો, કારીગરો સહિતના તમામએ ધંધાના સ્થળે કોવિડ નેગેટિવનો રિપોર્ટ સાથે રાખવો પડશે.
છ નગરપાલિકા માટે જાહેરનામું બહાર પાડતું રાજકોટ જિલ્લા કલેકટર તંત્ર
ખાસ-ખબર સંવાદદાતા
કોરોના મહામારી હવે હળવી થઈ છે ત્યારે દરેક વેપારીઓ, ધંધાર્થીઓ માટે થોડા દિવસ માટે લાદવામાં આવેલ લોકડાઉનમાં સરકાર દ્વારા હવે છુટછાટ આપવામાં આવી છે ત્યારે રાજકોટ શહેર જીલ્લા તંત્ર દ્વારા છ નગરપાલિકાના તમામ ધંધાર્થીઓ, વેપારીઓ માટે જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે જેનું અમલીકરણ આજથી કરવામાં આવશે.
કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ રાજ્ય સરકારે સંક્રમણને અટકાવવા આ નિર્ણય કરવામાં આવેલ છે. આ જાહેરનામા અંતર્ગત રાજકોટ ગ્રામ્ય જિલ્લાના સમગ્ર વિસ્તારના વેપારીઓને કોવિડ નેગેટીવ હોવા બાબતનો દસ દિવસથી વધુ સમયનો ન હોય તેવો રિપોર્ટ ધંધાના સ્થળે ફરજીયાત સાથે રાખવાનો રહેશે.
આ નિયમનું પાલન ન કરનાર વેપારીઓની દુકાન તાત્કાલીક બંધ કરવાનો આદેશ અપાશે તથા કોવિડ 19 અંતર્ગત રસીનો ડોઝ લીધો હશે તે વિક્રેતાઓને લાગુ પડશે નહીં પરંતુ રસીકરણ બદલનું પ્રમાણપત્ર અધિકૃત અધિકારી તરફથી માગવામાં આવે ત્યારે રજૂ કરવાનું રહેશે. જેતપુર, ધોરાજી, ઉપલેટા, જસદણ, ગોંડલ, કોટડાસાંગાણી, જામકંડોરણાના શાકભાજીના છુટક અને જથ્થાબંધ વિક્રેતા, હોટલ રેસ્ટોરન્ટમાં કામ કરતા, ખાણી-પીણીના લારી ગલ્લાવાળા, રીક્ષા, ટેક્ષી કેબવાળા, ભાડે ફરતા વાહનોના ડ્રાઈવર, કલીનર, પાનના ગલ્લાવાળા, ચાની કીટલી, દુકાન, હેર સલુન, બ્યુટી પાર્લરમાં કામ કરતા ઇસમો, ખાનગી સિક્યુરિટી એજન્સીના ગાર્ડસ તથા સ્ટાફ અને સ્વરોજગાર મેળવતા કારીગરો જેવા કે સુથાર, લુહાર, ઈલેકટ્રીશીયન, પ્લમ્બર, ટેકનીશીયનો શોપીંગ મોલ અને શોપીંગ કોમ્પલેક્ષમાં વેચાણ વિતરણ કરતા તમામ ઇસમોને આ નિયમો લાગુ પડશે અને કોવિડ નેગેટીવ હોવા બાબતોને દસ દિવસથી વધુ સમયનો ન હોય તેવો રિપોર્ટ સાથે રાખવો ફરજીયાત રહેશે તેવું એડિશનલ કલેકટર પરિમલ પંડ્યાએ જણાવેલ છે.