ઓવરટેકના ચક્કરમાં ટ્રક સાથે ભટકાતા લક્ઝરી ઊભી ચિરાઇ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
આણંદ જિલ્લાના પેટલાદ નજીક તારાપુર-ધર્મજ હાઈવે પર આજરોજ (28 નવેમ્બર) સવારના સમયે ટ્રક-લક્ઝરી બસ વચ્ચે અકસ્માતમાં 3 લોકોના મોત અને 15થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ઓવરટેક કરવા જતાં સમયે અકસ્માત થયો હોવાની પ્રાથમિક માહિતી મળી છે. મૃતકોની ઓળખ ધ્રુવ રૂડાણી, મનસુખભાઈ કોરાટ અને કલ્પેશ જીયાણી તરીકે થઇ છે, જેમાં એક ભરુચ અને બે રાજકોટના રહેવાસી છે.
રાજકોટથી સુરત તરફ જતી લક્ઝરી બસ નંબર (MP 45-ZF-7295) સવારના સમયે આણંદ જિલ્લાના પેટલાદ નજીક તારાપુર-ધર્મજ હાઈવે પર વડદલા પાટિયા નજીકથી પસાર થઈ રહી હતી. આ દરમિયાન આ લકઝરી બસના ચાલકે આગળ જતી ટ્રક નંબર (GJ-04-X- 6246)ને ઓવરટેક કરવા જતાં લકઝરી બસ આ ટ્રકની પાછળ ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં લકઝરી બસમાં સવાર 3 મુસાફરોના ગંભીર ઈજાઓ પહોંચવાથી સ્થળ પર જ મોત નિપજ્યાં હતા. જ્યારે અન્ય 15થી વધુ મુસાફરોને શરીરે વત્તા ઓછા પ્રમાણમા ઇજાઓ પહોંચી હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે, લક્ઝરી બસનો પણ કચ્ચરઘાણ વળી ગયો હતો. ઘટનાને પગલે એમ્બ્યુલન્સ ઉપરાંત હાઈવે પેટ્રોલિંગ અને પેટલાદ રૂરલ પોલીસની ટીમ તરત જ સ્થળ પર પહોંચી હતી અને ઘાયલોને હોસ્પિટલ ખસેડ્યા હતા. બીજી બાજુ ત્રણેય મૃતદેહોને પી.એમ અર્થે પેટલાદ સિવિલ હોસ્પિટલમાં મોકલી આપ્યા છે.
આ અંગે ઘનશ્યામસિંહ અમરસિંહ ઝાલા (રહે. ગાજણા, બોરડી સ્ટેન્ડ, તા.બોરસદ) ની ફરીયાદને આધારે પેટલાદ રૂરલ પોલીસે લકઝરી બસના ચાલક સોહીલ યાસીનભાઇ મલેક (રહે. પાંચ તલાવડા, તા.લીલીયા જી.અમરેલી) વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ દુર્ઘટનામાં ટ્રક ડ્રાઈવરને કોઈ ઈજા પહોંચી નથી.
- Advertisement -
મૃતકોના નામ
ધ્રુવ ભીમજીભાઇ રૂડાણી (ઉ.વ 32, રહે. યોગી દર્શન રેસીડન્સી, જી.એન.એફ.સી ઝાડેશ્ર્વર રોડ, ભરૂચ)
મનસુખભાઈ રૂડાભાઈ કોરાટ (ઉ.વ 67, રહે. પંચવટી પાર્ક, શેરી નંબર 1, જલારામ હોસ્પીટલ પાસે, પંચવટી મેન રોડ, રાજકોટ)
કલ્પેશભાઇ વેલજીભાઇ જિયાણી (ઉ.વ 39, રહે. સ્વાતી પાર્ક 2, શીશુ વિહાર નિશાળની પાછળ, કોઠારીયા રોડ, રાજકોટ)