– એક માસ પૂર્વે જ દેશમાં સત્તા સંભાળનાર નવા વડાપ્રધાનના આર્થિક નિર્ણયોમાં યુ-ટર્ન આવતા કટોકટી
– શાસક રૂઢીચુસ્ત સાંસદોએ પક્ષની લીડરશીપ કમિટીને અવિશ્વાસ દરખાસ્ત સુપ્રત કરી: તા. 24ના રોજ ફેંસલો
- Advertisement -
બ્રિટનમાં હજુ એક માસ પૂર્વે જ સતા સંભાળનાર વડાપ્રધાન લીઝ ટ્રસની ખુરશી ખતરામાં મુકાઈ ગઇ છે. હાલમાં જ આર્થિક મુદ્દે વડાપ્રધાન દ્વારા લેવાયેલા નિર્ણયોમાં યુ-ટર્ન આવતા લીઝ ટ્રસની વિશ્વસનિયતા જોખમાય છે અને હવે શાસક પક્ષના 100થી વધુ સાંસદો લીઝ સામે અવિશ્વાસ પ્રસ્તાવ પક્ષમાં રજૂ કરે તેવા સંકેત છે.
પાર્ટી ગેટના કારણે બોરીસ જોન્સનના રાજીનામા બાદ રસપ્રદ બનેલી વડાપ્રધાનની ચૂંટણીમાં શાસક કન્ઝર્વેટર પક્ષે લીઝ ટ્રસને દેશના નવા સુકાની તરીકે પસંદ કર્યા હતા પરંતુ આર્થિક મોરચે ઝઝૂમી રહેલા બ્રિટનને હાલના તબક્કે એક મજબૂત નિર્ણય ધરાવતા વડાની જરુર હતી તે સમયે જ લીઝ ટ્રસે એક બાદ એક લીધેલા આર્થિક નિર્ણયો અર્થતંત્ર માટે બૂમરેંગ સાબિત થઇ રહ્યા હતા અને તેઓએ તાત્કાલીક નાણામંત્રીને પણ બદલવા પડ્યા હતા.
તે વચ્ચે હવે કન્ઝર્વેટર પક્ષના 100થી વધુ સાંસદોએ વડાપ્રધાન સામે અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ પણ કરી દીધો છે અને હવે તા. 24ના રોજ આ અંગે મતદાન લેવાશે અને ફરી એક વખત નવા વડાપ્રધાન પદની રેસમાં ભારતીય મુળ રૂષી સુનાક ફેવરીટ બની ગયા છે. આમ બ્રિટનના ઇતિહાસમાં પ્રથમ વખત કોઇ વડાપ્રધાન એક માસથી થોડા વધુ સમયમાં ગાદી છોડવી પડી હોય તેવું બની શકે છે.
- Advertisement -
જો કે હજુ પણ લીઝ મંત્રી મંડળના અનેક સભ્યો આ પ્રસ્તાવનો વિરોધ કરી રહ્યા છે અને લીઝને વધુ સમય આપવાની આવશ્યકતા હોવાનું જણાવી રહ્યા છે. ખાસ કરીને ફુગાવાની સ્થિતિમાં જે રીતે સરકાર પરિસ્થિતિ સંભાળવામાં નિષ્ફળ જઇ રહી છે અને ટેક્સ-કર સહિતના મુદ્દે જે પીછેહઠ સહન કરવી પડી તેના કારણે લીઝની આર્થિક પરિસ્થિતિ સંભાળવાની ક્ષમતા અંગે પ્રશ્ન સર્જાય રહ્યા છે. હાલ તો કન્ઝર્વેટર પાર્ટીની લીડરશીપ કમિટીના વડા ગ્રેહામ બ્રાડીને આ દરખાસ્ત સોંપી છે.