ખાસ-ખબર સંવાદદાતા
બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકે રચેલી ટાસ્ક ફોર્સે ખાલિસ્તાની ફન્ડિંગ મુદ્દે મહત્ત્વની કાર્યવાહી કરી છે. પ્રથમ વાર ખાલિસ્તાનને ભંડોળ પૂરું પાડનારાં 50થી વધુ ખાતાં ફ્રીઝ કરી દેવાયાં છે. આ તમામ ખાતાં ભારતમાં પ્રતિબંધિત બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ સાથે સંકળાયેલાં છે. એટલું જ નહીં, ખાલિસ્તાન સાથે સંકળાયેલાં બનાવટી નામ ધરાવતાં સંગઠનોની યાદી પણ ટાસ્ક ફોર્સે તૈયાર કરી છે. ટાસ્ક ફોર્સે સૌપ્રથમ બ્રિટિશ બેન્કોમાં ખાલિસ્તાની નેતાઓ અને તેના સમર્થકોનાં ખાતંનું વોચ લિસ્ટ તૈયાર કર્યું હતું. પછીથી એ ખાતાંમાં વિદેશોમાંથી ઓનલાઇન અને બ્રિટનમાં ઓફલાઇન જમા થનારા 1 લાખ રૂૂપિયા (લગભગ 1 હજાર પાઉન્ડ) કે તેનાથી વધુની લેવડદેવડ પર દેખરેખ રાખી. આ ખાતાંમાં 30 હજાર કરોડ રૂૂપિયાથી વધુ રકમ જમા હોવાનું જણાવાઈ રહ્યું છે. ટાસ્ક ફોર્સ વધુ આકરી કાર્યવાહી કરશે. બ્રિટનમાં ખાલિસ્તાનના નામે જાહેર સ્થળોએ કલેક્શન બોક્સ ઉપર પણ પ્રતિબંધ લદાશે. પાછલાં થોડાં વર્ષોમાં બ્રિટનમાં દાન એકઠું કરવા જાહેર સ્થળોએ માટે બોક્સ લગાવાઈ રહ્યાં છે. દાનની રકમનો ઉપયોગ ખાલિસ્તાની પ્રવૃત્તિઓમાં થતો હોવાનું ટાસ્ક ફોર્સના ધ્યાને આવ્યું છે. કલેક્શન બોક્સ ધર્મસ્થળોએ જ લગાવાઈ રહ્યાં છે.