ખાસ-ખબર સંવાદદાતા
- Advertisement -
કોડીનાર તાલુકાનાં માલાશ્રમ ગામનાં 42 દિવસનાં બાળકની જૂનાગઢની ખાનગી હોસ્પિટલ અગસ્ત્ય હોસ્પિટલમાં જટીલ સર્જરી કરવામાં આવી છે. બાળકને જન્મજાત ઓપન મેનિન્ગોમાયલોસીલ નામની બિમારી હોય મગજ અને કરોડરજ્જુની સર્જરી કરવામાં આવી હતી. સૌરાષ્ટ્રમાં પ્રથમ વખત જૂનાગઢમાં નવજાત બાળકની જટીલ સર્જરી કરવામાં આવી છે. કોડીનારનાં માલાશ્રમ ગામનાં આયુષકુમાર સોલંકી(ઉંમર 42 દિવસ)ને જન્મથી કરોડરજ્જુની ઓપન મેનિન્ગોમાયલોસીલ નામની ગંભીર બિમારી હતી. આ બિમારીમાં બાળકને જન્મજાત કરોડરજ્જુ ગાંઠ સ્વરૂપે કમરમાંથી બહાર આવી જાય છે. જેથી બાળકને પગમાં લકવાની, મળમુત્રમાં ભાન ન રહેવાની અને ઈન્ફેકશનનાં કારણે જીવલેણ નીવડવાની શકયતા રહે છે. આ સાથે બાળકનાં મગજમાં પાણી ભરાયું હતું. જે પણ જીવલેણ બિમારી છે.
આ બિમારીનો ઇલાજ જન્મનાં માત્ર 72 કલાકમાં ઓપરેશન દ્વારા થાય છે. મોટાભાગે આવા ઓપરેશન મેટ્રો સીટીમાં થતા હોય છે. અમદાવાદથી નિરાશ થઇ બાળકનાં પરિવારે અંતે જૂનાગઢમાં આવેલી ડો. ઉદય જલુની અગસ્ત્ય હોસ્પિલમાં સરવાર માટે આવ્યાં હતાં. અહીં ન્યુરોસર્જન ડો. ધવલ ગોહિલે 6 કલાક લાંબા ઓપરેશન દ્વારા ગંભીર એવી બિમારીની સફળતા પૂર્વક સર્જરી કરી હતી. ડો. પૂર્વેશ કાચાએ એનેસ્થેટીકની ફરજ બજાવી હતી. ઓપરેશન બાદ બાળકને ડો. હર્ષાબેન ગાધેની સારવારમાં રાખવામાં આવ્યો છે.


