ચુડાસમા, સરવૈયા, રાયજાદા અને રણા પરિવારો માટે ભવ્યદિવ્ય અવસર
ખાસ-ખબર સંવાદદાતા
તારીખ 13 જાન્યુઆરીના રોજ ચુડાસમા, સરવૈયા, રાયજાદા અને રાણા પરિવાર માટે એક રૂડો અવસર આવ્યો છે. આ દિવસે બોટાદ જિલ્લાના સરવા ગામે આવેલા રા’નાકાજીદાદાના સ્મારક પર પરિવાર મિલન અને દર્શનનો કાર્યક્રમ રખાયો છે. આ સ્વર્ણિમ અવસર પર કુટુંબીજનો માટે ચા-નાસ્તાથી શરુ કરીને ભોજન, આધુનિક ઉતારાની તથા વોશરૂમની વ્યવસ્થા કરવામાં આવી છે.
નાકાજીદાદાનું આ દિવ્ય સ્મારક અનન્ય વિરગાથાઓને પ્રતીક સમાન છે. તેની પાછળ એક ગૌરવપૂર્ણ ઇતિહાસ છે. વિક્રમ સંવત 1124માં રા’નવઘણદાદાના મોટા પુત્ર રાયધણજી ઉર્ફે ભીમજીદાદાને ભડલીનો ગરાસ મળ્યો. ભીમજીદાદાને ત્યાં બે કુંવર થયા: સુરસંગજી અને છત્રસાલજી. આમાંથી સુરસંગજીને ભડલીની ગાદી મળી જયારે છત્રસાલજીને સર્વ ગામનો ગરાસ મળ્યો. જેના પરથી તેઓ સરવૈયા કહેવાયા.
છત્રસાલજીના કુંવર રા’નાકાજીદાદા નખશીખ શુરવીર હતા. તેમનામાં ક્ષાત્રગુણોનો ભંડાર હતો. એમની કીર્તિ ચોતરફ ફેલાઈ હતી. એક વખત એવું બન્યું કે, વિધર્મીઓએ સરવા ગામની ગાયો લૂંટી લીધી અને એ ગાયોને લઈને નાસવા લાગ્યા. રા’નાકાજીદાદાને આ વાતની જાણ થતા જ તેઓ પોતાના મિત્રો, સૈનિકોને લઈને ત્યાં પહોંચ્યા અને વિધર્મીઓ સામે સંગ્રહ માંડ્યો. તેમણે બહુ બહાદુરીપૂર્વક વિધર્મીઓનો સામનો કર્યો. દુશમનોને તેમણે હણ્યાં, બાકીના દુશમનો નાસી છૂટ્યા પરંતુ આ સંગ્રામમાં નાકાજીદાદા વીરગતિ પામ્યા. તેમના પત્ની માઁશ્રી રાજકુંવરબાને આ ખબર મળતા તેઓ પણ સતિ થયા.
ઘટના લગભગ હજારેક વર્ષ પહેલાની છે. આજે પણ નાકાજીદાદાનું અને સતીમાનું સ્મારક સરવા ગામની ગોમા નદીના કાંઠે ઉભા છે અને દાદાની અનન્ય શોર્યગાથા વર્ણવે છે. આ સ્મારક પર જ તા.13ને બુધવારે ચુડાસમા, સરવૈયા, રાયજાદા તથા રણા પરિવારનો સમૂહ દર્શનનો કાર્યક્રમ રખાયો છે. વધુ વિગતો માટે સુરૂભા ચુડાસમા 9974868432, સોહિલરાજસિંહ 9974825417 રણુભા ચુડાસમા 9428802279 અથવા રાજભા સરવૈયા 9726008700 સંપર્ક કરી શકાશે.


