‘ભારતમાં નાણાંના જોરે બધુ વેચાય છે અને અમે ખરીદી લીધુ છે, હવે બચી નહીં શકો’: યુરોપથી ઈ-મેઈલ મોકલાયાનો નિર્દેશ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા અમદાવાદ સ્થિત નરેન્દ્ર મોદીને બોંબથી ઉડાવી દેવાની ધમકી મળતા ખળભળાટ સર્જાયો છે અને તમામ સુરક્ષા એજન્સીઓને એલર્ટ કરવામાં આવી છે. ધમકી આપનાર વ્યક્તિ દ્વારા ભારત સરકાર પાસેથી 500 કરોડ રૂપિયાની માંગ કરવામાં આવી છે. ઉપરાંત જેલમાં કેદ કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને છોડી મુકવાની માંગણી મુકવામાં આવી છે. સુરક્ષા એજન્સીઓના સૂત્રોએ કહ્યું કે નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી (એનઆઈએ)ને જ આ ધમકીભર્યો ઈ-મેઈલ મોકલવામાં આવ્યો હતો અને તેના દ્વારા અન્ય સુરક્ષા એજન્સીઓને તે પાઠવીને સુરક્ષા એલર્ટ આપવામાં આવ્યું છે. પ્રાથમીક તપાસમાં આ ઈમેઈલ યુરોપથી મોકલવામાં આવ્યાનું માલુમ પડયુ છે.
- Advertisement -
ભારતમાં વર્લ્ડકપના મેચો ચાલુ થઈ ગયા છે. ધમકીભર્યા ઈ-મેઈલમાં એવી પણ ચેતવણી આપવામાં આવી છે કે ત્રાસવાદી જૂથોએ ષડયંત્રને અંજામ આપવા માટે અગાઉથી જ પોતાના સાગ્રીતોને ગોઠવી દીધા છે. પોલીસના સૂત્રોએ કહ્યું કે ધમકી સાચી હોય કે ખોટી, તેને ગંભીરતાથી લઈને તમામ વર્લ્ડકપ મેચોની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરાશે અને જરૂર પડયે સુરક્ષા વધારાશે. ધમકીભર્યા ઈ-મેઈલમાં એમ કહેવાયુ છે કે ભારત સરકાર 500 કરોડ રૂપિયા ન આપે અને લોરેન્સ બિશ્નોઈને મુક્ત નહીં કરે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા અમદાવાદનુ નરેન્દ્ર મોદી સ્ટેડીયમ બોંબથી ઉડાવી દેવાશે. ભારતમાં પૈસાથી દરેક વસ્તુ વેચાઈ છે અને ષડયંત્ર પાર પાડવા પૈસાથી જરૂરી વસ્તુ ખરીદી લીધી છે.
ગમે તેટલી સુરક્ષા વ્યવસ્થા રાખો, બચી નહીં શકો. કોઈ વાત કરવી હોય તો ઈ-મેઈલ મારફત કરો. અત્રે ઉલ્લેખનીય છે કે ખાલીસ્તાની આતંકવાદી ગુરપતવંતસિંહ પન્નુએ અગાઉ જ વિશ્વકપના મેચોમાં હુમલા કરવાની ધમકી આપી હતી અને તેના વિરુદ્ધ ગુનો પણ દાખલ કરાયો છે. નિજજરની હત્યાનો બદલો લેવાનું તેણે જાહેર કર્યુ હતું. પન્નુ સામે અમદાવાદ પોલીસમાં ગુનો દાખલ થયો છે. વિદેશી નંબર મારફત અગાઉ જ રેકોર્ડ કરાયેલા મેસેજ મારફત તેણે ધમકી આપ્યાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. આ ધમકીમાં તેણે 5 ઓકટોબરથી વિશ્વકપની શરૂઆત નહીં થઈ શકયાનું એલાન કર્યુ હતું. વિશ્વ આતંક કપ બની રહેવાની ચેતવણી આપી હતી. અમદાવાદમાં ખાલીસ્તાની ધ્વજ સાથે ત્રાટકવાનો ધમકીમાં ઉલ્લેખ કર્યો છે.