મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખ અને રાષ્ટ્રીય અધ્યક્ષ રહેશે ઉપસ્થિત
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા સૌરાષ્ટ્ર રાજકારણનું એપી સેન્ટર બનવા જઇ રહ્યું છે. કોંગ્રેસ દ્વારા મોરબી ખાતેથી 9 ઓગસ્ટના રોજ ન્યાય યાત્રાની શરૂઆત કરવામાં આવી રહી છે તો બીજી તરફ શનિવારે 10 ઓગસ્ટે ભાજપ દ્વારા રાજકોટમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીયમંત્રી સીઆર પાટીલ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીયમંત્રી જે.પી.નડ્ડા ઉપસ્થિત રહેવાના છે. જિલ્લા ભાજપ દ્વારા મુખ્યમંત્રીનું હીરાસર એરપોર્ટથી આવતા રસ્તામાં બે સ્થળે સ્વાગત કરાશે. ભાજપની તિરંગા યાત્રાનો પ્રારંભ રેસકોર્સથી થશે. રીંગરોડ થઇ જુબેલી ખાતે આ યાત્રા પૂર્ણ થશે. યાત્રામાં એક લાખથી વધુ કાર્યકરો જોડાય તેવા આયોજન ભાજપના સ્થાનિક નેતાઓ દ્વારા કરવામાં આવી રહ્યાં છે. યાત્રાના રૂટ પર તમામ પ્રકારની તૈયારીઓ આજથી ભાજપ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. તેમજ તંત્ર દ્વારા પણ તૈયારીઓ કરાઈ રહી છે.
યાત્રાના ભાગરૂપે વિવિધ વિભાગો દ્વારા બેઠકો પણ કરવામાં આવી રહી છે. તેમજ આ યાત્રામાં વધુમાં વધુ લોકો જોડાય તેવી સૂચના આપવામાં આવી છે. યાત્રા જે રૂટમાંથી પસાર થવાની છે તેની સમીક્ષા મ્યુનિસિપલ કમિશનર અને અધિકારીઓ દ્વારા કરવામાં આવી હતી. તેમજ તૈયારીઓ અંગે પણ અધિકારીઓ પાસેથી મ્યુનિસિપલ કમિશનરે માહિતી મેળવી હતી. રાજકોટના મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું કે, આ વર્ષે 15મી ઓગસ્ટ, સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે 10 ઓગસ્ટે શનિવારના રોજ રાજ્યની પ્રથમ તિરંગા યાત્રા રાજકોટમાં યોજાનારી છે. તેના આયોજનાના ભાગેરૂપે અહીં સૌ એકત્રિત થયા છીએ. બહુમાળી ચોક ભવન ખાતેથી તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવશે. આ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાશે. યોગ્ય આયોજન થાય એ માટે મનપા દ્વારા અત્યારથી પ્રયત્નો કર્યા છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, તિરંગા યાત્રામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રીઓ, રાજ્ય સરકારના મંત્રીઓ અને સૌ પદાધિકારીઓ પણ આ તિરંગા યાત્રામાં જોડાશે. યાત્રા રેસકોર્સ ખાતેથી શરૂ થઇને ગાંધી સ્મૃતિ જ્યુબિલી ગાર્ડન ખાતે પૂર્ણ થશે. યાત્રામાં વિવિધ સ્થળે એક ચિયર્સ સ્ટેશનનું આયોજન કરાયું છે. જેમાં યાત્રાનું અભિવાદન કરવામાં આવશે. દેશભક્તિને લગતા ગીતો અને ડાન્સ પર્ફોર્મન્સ કરવામાં આવશે. આ ઉપરાંત રાજ્ય સરકારના વિવિધ વિભાગોના ટેબ્લો પણ જોવા મળશે.