-60 ટકા રાજકીય દાનની કોઈ ‘ઓળખ’ નથી
દેશના વિવિધ રાષ્ટ્રીય રાજકીય પક્ષોએ 2022-23માં જાહેર કરેલા અજાણ્યા સ્ત્રોત પાસેથી મળેલા કુલ ભંડોળમાંથી 82 ટકા ભંડોળ ઈલેકટોરલ બોન્ડસ દ્વારા પ્રાપ્ત થયું હોવાનું એક અહેવાલમાં જણાવાયું છે. 2022-23 દરમિયાન રાજકીય પક્ષોને અજાણ્યાં સ્ત્રોત પાસેથી મળેલાં કુલ રૂા.1832.88 કરોડના ભંડોળ પૈકીની રૂા.1510 કરોડની એટલે કે 82.42 ટકા રકમ ઈલેકટોરલ બોન્ડસ મારફતે પ્રાપ્ત થઈ હતી.
- Advertisement -
નાણાકીય વર્ષ 2004-05 થી 2022-23 દરમિયાન રાષ્ટ્રીય પક્ષોએ અજાણ્યાં સ્ત્રોત પાસેથી રૂા.19083 કરોડનું ભંડોળ મેળવ્યું હતું. અહેવાલ અનુસાર રાજકીય પક્ષોને તેમની આવકનો 60% જેટલો હિસ્સો અજાણ્યા સ્ત્રોતમાંથી પ્રાપ્ત થાય છે.
એસોસીયેશન ફોર ડેમોક્રેટીક રિફોર્મ્સ (એડીઆર)ના અહેવાલ અનુસાર, ભાજપે અજાણ્યાં સ્ત્રોત પાસેથી સૌથી વધુ રૂા.1400 કરોડનું ભંડોળ મળ્યાનું જાહેર કર્યું છે. જે કુલ રકમના 76.39 ટકા જેટલું છે. કોંગ્રેસે રૂા.315.11 કરોડનું ભંડોળ મળ્યું હોવાનું જાહેર કર્યું છે, જે કુલ રકમના 17.19 ટકા જેટલું છે, બીએસપીના જણાવ્યાં અનુસાર તેને અજાણ્યાં સ્ત્રોત તરફથી સ્વૈચ્છીક ફાળા તરીકે, કૂપન કે ઈલેકટોરલ બોન્ડસના વેચાણ કે અન્ય માધ્યમથી રૂા.20000થી વધુ કે ઓછાનું ભંડોળ પ્રાપ્ત થયું નથી.
અહેવાલમાં રાષ્ટ્રીય સ્તરના છ રાજકીય પક્ષોની વિગતોનું વિશ્લેષણ કરાયું હતું. જેમાં ભારતીય જનતા પાર્ટી (બીજેપી), કોંગ્રેસ, કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માકર્સવાદી) (સીપીઆઈ-એમ), બહુજન સમાજ પાર્ટી (બીએસપી), આમ આદમી પાર્ટી (આપ) તથા નેશનલ પીપલ્સ પાર્ટી (એનપીઈપી)નો સમાવેશ થાય છે.
રાષ્ટ્રીય પક્ષો ઉપરાંત પ્રાદેશિક પક્ષોને પણ ઈલેકટોરલ બોન્ડસના માધ્યમથી નોંધપાત્ર પ્રમાણમાં ભંડોળ પ્રાપ્ત થયું છે.
- Advertisement -
આ ઉપરાંત કોંગ્રેસ અને સીપીઆઈ (એમ)એ કૂપનોના વેચાણ દ્વારા સંયુક્ત રીતે રૂા.136.79 કરોડની આવક થઈ હોવાનું જાહેર કર્યું હતું. ઓડિટ રિપોર્ટસ અને દાનના સ્ટેટમેન્ટસના વિશ્ર્લેષણ પરથી કહી શકાય કે રાજકીય પક્ષોને મોટાભાગનું ભંડોળ અજ્ઞાત સ્ત્રોત પાસેથી મળે છે.