ફટાકડાં ફોડવાના જાહેરનામા ભંગનો પ્રથમ ગુનો નોંધાયો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ગુજરાત રાજ્યના ગૃહમંત્રી ગુજરાત રાજ્યની અધ્યક્ષતા હેઠળ યોજવામાં આવેલ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી થયેલી સૂચના અનુસાર રાષ્ટ્રમાં પ્રવર્તમાન સંજોગોને ધ્યાને લેતાં રાજકોટ જિલ્લા ગ્રામ્ય વિસ્તારના લોકોમાં ભય જેવી પરિસ્થિતિ ઉભી ન થાય તેમજ લોકોની જાન-માલની સુરક્ષાને ધ્યાને લઈ આગામી 15 દિવસ સુધી રાજકોટ ગ્રામ્ય જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તમામ પ્રકારના ડ્રોન ઉડાડવા તેમજ કોઈપણ સમયે તમામ પ્રકારના ફટાકડા ફોડવા પર પ્રતિબંધ ફરમાવતુ તા. 9-5-2025થી તા. 24-5-2025 સુધીનુ જાહેરનામુ અમલમાં હોય જે અનુસંધાને રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ તથા રાજકોટ ગ્રામ્ય જિલ્લાના પોલીસ અધિક્ષક હિમકરસિંહ તથા ધોરાજી ડીવીઝનના મદદનીશ પોલીસ અધિક્ષક સિમરન ભારદ્વાજનાઓએ આવા ઉપરોક્ત જાહેરનામા અન્વયે જાહેરનામાનો ભંગ કરતાં ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની સૂચના આપેલ. જે અન્વયે પોલીસ ઈન્સ્પેકટરના સીધા માર્ગદર્શન હેઠળ ભાયાવદર પોલીસ ટીમના માણસો સાથે જાહેરમાં ફટાકડા ફોડી જાહેરનામાનો ભંગ કરતાં ઈસમો વિરુદ્ધ ભાયાવદર પોલીસ સ્ટેશન ગુ.ર.નં. 11213006250201-2025 ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 223 મુજબ ગુનો રજી. કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. પકડાયેલા આરોપીઓ યોગેશ સુરેશભાઈ જાવિયા (રહે. ભાયાવદર), અમન નયનભાઈ જીવાણી (રહે. ભાયાવદર)નો સમાવેશ થાય છે.ભાયાવદર પોલીસ સ્ટેશન વિસ્તારના તમામ નાગરિકોને વિનંતી કરવામાં આવે છે કે હાલમાં ચાલી રહેલ પ્રવર્તમાન સંજોગોને ધ્યાને લઈ દેશની સુરક્ષા અને નાગરિકોની સલામતીને ધ્યાનમાં રાખીને જાહેરનામા મુજબ તા. 9-5-2025થી તા. 24-5-2025 સુધી તમામ પ્રસંગો અને કાર્યક્રમોમાં ફટાકડા અને ડ્રોનનો ઉપયોગ પ્રતિબંધ કરવામાં આવ્યો છે. આ માર્ગદર્શિકાનું પાલન કરવામાં સહકાર આપવા જણાવાયું છે.