આ પુસ્તકમાં પ્રભુ શ્રી રામ અને શ્રી રામમંદિર વિષે સરળ અને સાહજિક ભાષામાં સમગ્ર માહિતી આપવાનો પ્રયાસ કર્યો છે : બીનાબેન પટેલ
ખાસ-ખબર સંવાદદાતા
તાજેતરમાં સદવિચાર પરિવાર ખાતે આવેલા હોલમાં આધ્યાત્મિક વિચારસરણી ધરાવનાર એવા લેખિકા અને કવયિત્રી બીનાબહેન પટેલના દળદાર કોફીટેબલ બુક ‘સનાતનનો જયઘોષ’નું વિમોચનનો કાર્યક્રમ સંપન્ન થયો હતો.
આ તકે શ્રી રામના જયઘોષ સાથે આખું વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. આ પવિત્ર અને પાવન અવસરે વરિષ્ઠ સાહિત્યકાર પદ્મશ્રી વિષ્ણુભાઈ પંડ્યા, રાજ્યસભાના સાંસદ નરહરિભાઈ અમીન, મીરામ્બિકા હાઈસ્કૂલના પ્રિન્સિપાલ અને પ્રતિભાવાન વ્યક્તિત્વ ધરાવનાર જીગીશાબહેન પટેલ અને અંધજન મંડળના પૂર્વ પ્રિન્સિપાલ અને જસુભાઈ કવિએ મંચ શોભાવ્યું હતું. પદ્મશ્રી વિષ્ણુભાઇએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે આપણી આવનારી પેઢી ભારતીય સંસ્કૃતિથી દૂર જવા લાગી છે ત્યારે આવા પુસ્તકો તેમને સંસ્કૃતિ સાથે સાચો પરિચય કરાવે છે. તેઓએ શ્રી રામમંદિરના ઇતિહાસ વિષે પણ ઉંડાણપૂર્વક જણાવ્યું. તેઓએ લેખિકા બીનાબહેનને આ પુસ્તક માટે દિલથી શુભકામનાઓ આપી હતી.
રામભક્તોથી ખીચોખીચ ભરેલા હોલમાં ’સનાતનનો જયઘોષ’ પુસ્તકના લોકાર્પણ બાદ લેખિકા બીનાબહેને પોતાના મનની વાત કહેતાં જણાવ્યું કે તેઓએ આ પુસ્તકમાં પ્રભુ શ્રી રામ અને શ્રી રામમંદિર વિષે સરળ અને સાહજિક ભાષામાં સમગ્ર માહિતી આપવાનો પ્રયાસ કર્યો છે. આજની યુવા પેઢી આ પુસ્તકમાંથી ઘણું બધું જાણી શકશે. પ્રભુ રામના જીવનચરિત્ર વિષે દરેક પ્રસંગનું વર્ણન કરીને ભારતીય સંસ્કૃતિના મૂલ્યોને સમાજના દરેક સ્તર સુધી પહોંચાડવાની તેઓએ કોશિશ કરી છે. આ તકે આકાશવાણી પ્રસારના પ્રોગ્રામના હેડ મૌલિનભાઈ મુનશીએ લેખિકા બીનાબહેનને પુષ્પગુચ્છ અને રામનામની શાલ ઓઢાડીને સન્માન કર્યું. તેવી જ રીતે જાણીતા મહિલા અગ્રણી આશાબેન પંડ્યાએ પણ પુસ્તક અને શાલ ઓઢાડી બહુમાન કર્યું હતું. તા. 22-1-2024ના પવિત્ર દિવસે અયોધ્યામાં જયારે શ્રી રામલલ્લાની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે બીનાબહેન લિખિત ’સનાતનનો જયઘોષ’ પુસ્તક લોકોમાં પ્રભુ શ્રી રામની ભક્તિના જુસ્સામાં વધારો જરૂર કરશે. સૌએ આ સનાતનના વારસા અને સંસ્કૃતિને આવનારી પેઢી સુધી પહોંચાડવા માટે આ પુસ્તકને જરૂર ઘરમાં વસાવવું રહ્યું.