તીખી સેવમાં સિન્થેટીક ફૂડ કલર મળી આવતા મનપાની આકરી કાર્યવાહી
ક્રિષ્ના રેસ્ટોરન્ટમાંથી 4 કિલો અખાદ્ય મન્ચુરીયનનો નાશ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં ફૂડ વિભાગ દ્વારા તાજેતરમાં ‘જલિયાણ ફરસાણ’ સ્થળ: બદ્રીનાથ કોમ્પ્લેક્ષ, ગાયત્રીનગર મેઇન રોડ, રાજકોટ મુકામેથી ‘તીખી સેવ(લુઝ)’ ના નમૂના લેવામાં આવ્યા હતા. જેમાં સિન્થેટીક ફૂડ કલર મળી આવતા અનસેફ ફૂડ જાહેર કરાયું. નિયમાનુસાર કાર્યવાહી કરતા ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ -2006ની કલમ -59 હેઠળ તકસીરવાન ઠરાવી રવિકુમાર નંદલાલ જોબનપુત્રા (નમૂનો આપનાર ફૂડ બિઝનેશ ઓપરેટર- પેઢીના માલિક)ને 20 દિવસની સાદી કેદ તથા રૂ.25,000/- (પચીસ હજાર)ના દંડની સજા કરવામાં આવી છે. અને જો દંડ ન ભરવામાં આવે તો વધુ 20 દિવસની કેદની સજાનો હૂકમ કરેલો છે. ફૂડ વિભાગ દ્વારા શહેરમાં સર્વેલન્સ ચેકિંગ દરમિયાન ‘જય ગાત્રાળ’ સ્થળ:- ફૂડ ઝોન, ક્રિષ્ના પુજા કોમ્પ્લેક્ષ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રોડ, રાજકોટની લેબલ પર ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006 મુજબ મેન્યુફેક્ચરિંગ, એક્સપાયરી ડેટ વગેરેની વિગતો દર્શાવેલ ન હોવાથી કોલ્ડ્રીંક્સની 200મિલીની 60 નંગ બોટલનો કુલ મળીને 12 લિટર કોલ્ડ્રિંક્સનો જથ્થો સ્થળ પર નાશ કર્યો તથા પેઢીને હાઈજીનિક કન્ડિશન જાળવવા અને લાઇસન્સ મેળવવા બાબતે નોટિસ આપવામાં આવી હતી. જ્યારે ‘ક્રિષ્ના રેસ્ટોરન્ટ’, સ્થળ:- સત્યસાંઇ હોસ્પીટલ સામે, સત્યસાંઇ રોડની તપાસ કરતાં વાસી 4 કી.ગ્રા. મન્ચુરીયનનો સ્થળ પર નાશ કર્યો હતો. ફૂડ વિભાગની ટીમ તથા ઋજઠ વાન સાથે શહેરના રાજનગર ચોક -ચંદ્રેશનગર, મવડી, વિશ્વેશવર મંદિર થી બાપસીતારામ ચોક તથા જીવરાજ પાર્ક વિસ્તારમાં આવેલ ખાધ્ય ચીજોનું વેચાણ કરતાં કુલ 37 ધંધાર્થીઓને ત્યાં ચકાસણી હાથ ધરવામાં આવી. જેમાં 19 ધંધાર્થીઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવી હતી.