કરોડો રૂપિયાના હવાલા કૌભાંડ તથા રાજકીય નેતાઓની સંડોવણીથી વિવાદમાં આવેલી મહાદેવ બુક ઓનલાઈન સહીત સટ્ટો રમાડતી 22 બેટીંગ-ગેમ્બલીંગ એપ તથા વેબસાઈટ પર પ્રતિબંધ મુકતો આદેશ કેન્દ્ર સરકારે જારી કર્યો છે. કેન્દ્રનાં આઈટી મંત્રાલય દ્વારા મહાદેવ રેડી ઓન ઓફીશીયલ સહીત 22 બેટીંગ એપ પર પ્રતિબંધ મુકવાનું જાહેર કર્યું છે.
ઈડીની ભલામણથી આ 22 એપ બ્લોક કરવામાં આવી છે.મહાદેવ બુક સહીતની એપ્લીકેશન ગેરકાયદે સટ્ટા સિન્ડીકેટમાં સામેલ હોવાથી અને છતીસગઢ જેવા રાજયોમાં દરોડા કાર્યવાહી બાદ પ્રતિબંધ મુકતો નિર્ણય લેવાયો હતો. એન્ફોર્સમેન્ટ ડીરેકટોરેટ દ્વારા ગત સપ્ટેમ્બરમાં મહાદેવ ઓનલાઈન એપ સંબંધીત 417 કરોડની સંપતી જપ્ત કરવામાં આવી હતી. એપના સંચાલકો સૌરાભ ચંદ્રાકર તથા રવિ ઉપલ દુબઈથી ઓપરેશન ચલાવતા હોવાનું અને ગેરકાયદે સટ્ટા મારફત મહીને 450 કરોડની કમાણી કરતાં હોવાનું જાહેર કર્યું હતું.
- Advertisement -
કેન્દ્રીય આઈટી રાજયમંત્રી રાજીવ ચંદ્રશેખરે કહ્યું કે આ એપ બંધ કરવાની ભલામણ કરવા છતીસગઢ સરકારને અધિકાર હતો. પરંતુ સરકારે આવુ કર્યું ન હતું. વાસ્તવમાં રાજય સરકાર દોઢ વર્ષથી તપાસ લંબાવ્યે રાખતી હતી. આઈટી મંત્રાલય દ્વારા ગત માર્ચમાં પણ 138 બેટીંગ ગેમ્બલીંગ એપ વેબસાઈટ પર પ્રતિબંધ મુકયો હતો.