હિસ્ટ્રી વિષયમાં કોઈ અધ્યાપક જ નહીં; અધ્યાપકની બદલી થતા નિર્ણય લેવાયો હતો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટની પડધરીની કવિશ્રી દાદ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજમાં વર્ષ 2025ના નવા શૈક્ષણિક સત્રથી ઇતિહાસ અને અંગ્રેજી વિષય મેજર સબ્જેક્ટ તરીકે બંધ કરવા માટેનો નિર્ણય આચાર્ય દ્વારા લેવામાં આવ્યો હતો. ભૂતપૂર્વ વિદ્યાર્થી દ્વારા આ બાબતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ રજૂઆત કરવામાં આવી હતી અને તે પછી હવે આ કોલેજના પ્રિન્સિપાલે બીએ વિથ અંગ્રેજી અને ઇતિહાસ વિષય ફરી શરૂ કરવા માટે નિર્ણય લેવાયો છે.
વિદ્યાર્થીઓનો પ્રશ્ર્ન દૂર થયો છે જો કે હજુ અહીં ઇતિહાસ વિષયના એક પણ અધ્યાપક નથી જેથી નવા વર્ષમાં વિદ્યાર્થીઓને અહીં એડમિશન તો મળશે, પરંતુ અધ્યાપક ન હોવાથી મુશ્કેલી પડશે. જેથી કોલેજના આચાર્ય દ્વારા ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરીને આ બાબતે જાણ કરવામાં આવી છે. જેથી અહીં વહેલી તકે ઇતિહાસ વિષયના અધ્યાપક નિમણૂક કરવામાં આવે તે જરૂરી છે.
રાજકોટના પડધરી ખાતે આવેલી કવિશ્રી દાદ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજમાં નવા વર્ષથી કોઈ વિદ્યાર્થી ઇઅ વિથ અંગ્રેજી કે ઇતિહાસ નહીં ભણી શકે તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેનું કારણ એ હતું કે, આ કોલેજમાં ઓક્ટોબર માસ સુધી જે આચાર્ય હતા તે ઇતિહાસ વિષયના હતા, પરંતુ તેમની બદલી થતા વિષય બંધ કરી દેવાનો નિર્ણય લેવાયો હતો. જ્યારે અંગ્રેજી વિષયમાં ઇઅના ત્રણ વર્ષમાં 10 વિદ્યાર્થી જ અભ્યાસ કરતા હોવાથી આ વિષય હવે નવા વર્ષથી બંધ કરવાનો નિર્ણય લેવાયો હતો. અહીં 370 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, પરંતુ તેમાંથી માંડ 50 જેટલા વિદ્યાર્થીઓ જ રેગ્યુલર આવતા હોવાનું ખુદ આચાર્યએ અગાઉ જણાવ્યું હતું.
- Advertisement -
આ ઉપરાંત આર્ટ્સમાં 5 વિષયના 10ના બદલે 5 જ શિક્ષક છે એટલે કે 50 ટકા સ્ટાફની ઘટ છે. દૈનિક લેક્ચરમાં પણ વચ્ચે બ્રેક રહી જતો હોવાથી વિદ્યાર્થીઓની હાજરી ખૂબ જ ઓછી હોય છે.
આ ઉપરાંત અહીં જે નવા પ્રિન્સિપાલ આવ્યા છે તેમનો વિષય સાયન્સ ફેકલ્ટીનો ફિઝિક્સ છે. સરકારે આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં સાયન્સ ફેકલ્ટીના અધ્યાપકને મુકતા તેઓ પોતે એકપણ લેક્ચર લઈ શકતા નથી. જેથી સરકારના નિર્ણય સામે પણ સવાલો ઊભા થયા છે.