નાના મવા મેઈન રોડ પર આવેલા શાસ્ત્રીનગરના સુરેશ ગેડીયા સામે ફરિયાદમાં વળતી ફરિયાદ
વણકર પરિવારને મકાન વેંચી નાખવા દબાણ? ગોધરાના કપલને હાથો બનાવ્યાનો પણ આક્ષેપ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
નાના મવા મેઈન રોડ ઉપર શાસ્ત્રીનગર (અજમેરા)માં રહેતાં સુરેશભાઈ ગેડીયા વિરૂદ્ધ નોંધાયેલ ફરિયાદ બાબતે આરોપી સુરેશભાઈના પત્નીએ આ જ વિસ્તારમાં રહેતાં રસીકભાઈ ખાણધર વિરૂદ્ધ એટ્રોસીટીની ફરિયાદ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.
આ અંગે નીતાબેન સુરેશભાઈ ગેડીયાએ નોંધાવેલ ફરિયાદ મુજબ તેઓ તેમના પરિવાર સાથે ઈ-94, શાસ્ત્રીનગર ખાતે રહે છે અને વણકર જ્ઞાતિના છે, મારા પતિ સુરેશ ગેડીયા સરકારી કોન્ટ્રાક્ટના કામ કરેલ છે. તેમના સસરા શિક્ષક તરીકે નિવૃત્ત જીવન પસાર કરેલ છે. મારા જેઠ અને દેર જી.ઇ.બી.માં નોકરી કરેલ છે અને હું ગૃહિણી તરીકે જીવન પસાર કરું છું. અમોના પતિ સુરેશભાઈ ગેડીયાએ આજથી છ માસ પહેલાં શાસ્ત્રીનગરમાં નં. ઈ-260ના બ્લોક ખરીદ કરેલ છે ત્યારબાદ આ બ્લોકમાં આવેલ જૂનું મકાન પાડી ત્યાં રહેવા માટે નવું મકાન બનાવવા બાંધકામ આશરે ચાર-પાંચ મહીનાથી ચાલુ કરેલ છે.
અમારા પરિવાર સાથે આ ચાલુ બાંધકામવાળા મકાનમાં રહેવા આવવાના હોય તેનાથી આજુબાજુવાળા રહેવાસીઓને ગમતું ન હોય તેવું અમોને તેમના વ્યવહાર પરથી લાગી રહ્યું હતું. દરમિયાન અમોના પતિ વિરૂદ્ધ અમારા મકાનમાં મજુર તરીકે કોઈ ગોધરાના પરીવારના સભ્યો કામ કરતા હતા. તેઓએ મારા પતિ વિરૂદ્ધ ખોટી ફરિયાદ કરેલ છે અને આ ગોધરાના પરિવારના સભ્યો શાસ્ત્રીનગરમાં વાઈટહાઉસના નામના મકાનમાં રહેતા રસીકભાઈ ખાણધર નામની વ્યક્તિના ઘરે રોકાયેલ છે તેથી અમો તા. 9-10 સવારે 7-30 વાગ્યે રસીકભાઈ ખાણધરના ઘરે મારા સાસુ શારદાબેન નાગજીભાઈ ગેડીયા, મારા દેર કમલેશભાઈ નાગજીભાઈ ગેડીયા સાથે રસીકભાઈ ખાણધરના ઘરે સમાધાન કરવા ગયેલ, પરંતુ અમોએ સમાધાન કરવા પ્રયત્ન કરતાં હતા ત્યારે આ કામના આરોપી રસીકભાઈ ખાણધરએ જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી ગોધરાને પૈસા આપી સુરેશ વિરૂદ્ધ ખોટી ફરિયાદ કરેલ છે, અમે સુરેશ ગેડીયા વિરૂદ્ધ પોક્સો એક્ટની ખોટી ફરિયાદ દાખલ કરવી તેને જેલ ભેગો કરી દેશું તેથી તમો અહીંયા રહેવા ન આવી શકો તેવી ધમકી આપ્યાનો આક્ષેપ કર્યો છે. જો મારા પતિએ આ ફરિયાદમાંથી બચવું હોય તો અહીંયા રહેવા નહીં આવવાનું અને તમારું મકાન અમોને સમાધાન પેટે મફતમાં આપવાનું રહેશે અને જો સમાધાન નહીં કરો તો હું તમારા મકાનમાં કામ કરતાં ગોધરાના પરિવારને પૈસા આપી ખોટી ફરિયાદ નોંધાવી સુરેશને જેલભેગો કરાવી દઈશ તેવું કહ્યાનું પણ ફરિયાદમાં જણાવાયું છે.
આ કામના આરોપી તથા તેમના મળતીયા શેરીના સભ્યોએ મળી મારા પતિ વિરૂદ્ધ ષડયંત્ર આચરી પૂર્વ પ્લાનીંગ કરી અમોના પતિને ખોટી અરજીના કારણે ફસાવી અમોના પરિવાર પાસેથી પૈસા પડાવવા પ્રયત્ન કરી રહેલ છે. આ રીતે આ હનીટ્રેપ આચરી અમોના પતિને ફસાવવામાં આવેલ છે જે બાબતે અમોને સત્ય જાણવા આ કામના આરોપી પાસે સમાધાન માટે ગયેલ ત્યારે તેઓએ અમોની પાસે સમાધાન પેટે અમારુ ચાલુ બાંધકામવાળુ મકાન આશરે એંસી લાખવાળુ મકાન મફતમાં માગેલ અને અમો વણકર જ્ઞાતિના હોય આ કામના આરોપીને અમો તેમના મકાનની સામે રહેવા આવતા હોય તે ગમતું ન હોય તેથી આ કામના આરોપી તથા શેરીના અન્ય સભ્યોએ મળી અમારા પતિ વિરૂદ્ધ ખોટી ફરિયાદ ઉભી કરી ગુન્હાહીત કાવતરુ આચરેલ છે તેથી અમોને ફરિયાદની યોગ્ય તપાસ કરી અમોને ન્યાય આપવા અંતમાં જણાવાયું છે.
- Advertisement -
સગીરાને ફરિયાદ કરવા માટે મજબૂર કરાઈ?
સુરેશભાઈ સામે ગોધરાના પરિવારે નોંધાવેલ ફરિયાદમાં આ પરિવારની જ સંભવત: સગીર વયની છોકરી ઓડિયો ક્લિપમાં સ્પષ્ટ કહે છે કે તેના પિતાના કહેવાથી પોતે જે-તે નિવેદન પોલીસને આપ્યું છે. વાસ્તવમાં આવું કંઈ જ બન્યું નથી!!
સુરેશ ગેડીયા લાઈવ ડીટેકટીવ ટેસ્ટ માટે તૈયાર
ફરિયાદમાં જણાવ્યા મુજબ પાડોશી રસીક ખાણધરના કહેવાથી ગોધરાના પરિવાર જે પ્રકારની ફરિયાદ સુરેશભાઈ ગેડીયા સામે નોંધાવી છે તે ઘટનાથી સુરેશભાઈ સંપૂર્ણ અજાણ હોવાનું અને તેઓ લાઈવ ડીટેકટીવ આપવા પણ તૈયાર હોવાનું ‘ખાસ-ખબર’ની મુલાકાતે આવેલા તેમના પરિવારજનોએ જણાવ્યું હતું.