મહાભારત પૂર્ણ થયે શ્રીકૃષ્ણ એક રાજા માંથી એક ફિલોસોફર એટલે કે તત્વદર્શી અને છેવટે ઈશ્ર્વરનો અવતાર બની જાય છે
શ્રીકૃષ્ણના જીવનનો પૂર્વાર્ધ એટલે કે બાળપણ
- Advertisement -
કાર્તિકોલોજી: કાર્તિક મહેતા
આ જગત બ્રહ્મ છે કે ભ્રમ તે કોઈ પાકું નક્કી કરી શક્યું નથી. કદાચ નક્કી કરી શકવાનું પણ નથી. શ્રીકૃષ્ણ કહે છે કે સૃષ્ટિ જે કાઇ હોય તે, તે બધું મારામાં છે અને બધામાં હું છું. સૃષ્ટિ રચનાર મગજ પણ હું છું અને જો કોઈ શકિત આ જગતને ચલાવતી હોય તો તે શક્તિ પણ હું છું..
કૃષ્ણ એક એવું પાત્ર છે જેની ફિલોસોફી થી આકર્ષાઈને આજે સહુથી વધુ હિંદુઓ વૈષ્ણવ મત ધરાવે છે.
કૃષ્ણએ અનેક દેવ દેવીઓ, અનેક માન્યતાઓ, અનેક પંથ, અનેક તત્વદર્શન ધરાવતા હિન્દુને સિમ્પલ પાથ બતાવ્યો છે.
કૃષ્ણ ભગવદ ગીતામાં તમામે તમામ દર્શન પ્રસ્તુત કરી દે છે પણ મૂળ તો કૃષ્ણ એક ગોવાળ છે જેની જીવન ફિલોસોફી એકદમ સાદી છે. : દહી માખણ ખાવ, નવા સાહસ કરો અને પોતાનું કામ કરવામાં જરાય આળસ ન કરો.
કૃષ્ણ કોણ? રાધા કોણ? કોણ કૌરવ અને કોણ પાંડવ? આ બધાના ઉત્તર કોઈપણ ચમત્કારની વાતો કર્યા સિવાય મેળવવા આજે જન્માષ્ટમી નજીક છે ત્યારે જરૂરી છે. કોઈ ચમત્કાર નથી હોતા, આપણું જન્મવું અને જીવવું એનાથી વિશેષ કોઈ ચમત્કાર નથી.
ચાલો ચમત્કાર વિના સાચા કૃષ્ણને ઓળખીએ..
* કેમ કૃષ્ણ ચંદ્રવંશી કહેવાય?:
આપણી તવારીખ બ્રહ્માજી થી શરૂ થાય છે. બ્રહ્માના અનેક માનસ પુત્રો હતા. એમાંથી અત્રિ ઋષિને ત્યાં ચંદ્ર જનમ્યા. ચંદ્ર એ દેવ ગુરુ બૃહસ્પતિની પત્ની તારાનું અપહરણ કરીને એની સાથે લગ્ન કર્યું અને બુધને જન્મ આપ્યો. આ બુધ ના લગ્ન મનું મહારાજની પુત્રી ઇલા સાથે થયા જેને પરિણામે પુરુરવા નામનો પુત્ર થયો. પુરુરવા એ ઉર્વશી નામની અપ્સરા સાથે લગ્ન કરીને આયુ નામના પુત્રને જનમ આપ્યો. આયુનો પુત્ર નહુષ, નહુષ નો પુત્ર યયાતિ થયા. યયાતિને ત્યા યદુ અને પૂરું નામના બે પુત્રો થયા. જેમાં યદુના વંશમાં કૃષ્ણ અને પુરુના વંશમાં કુરુ અને એમના વંશમાં કૌરવ પાંડવ ઉત્પન્ન થયા. આમ કૌરવ પાંડવ અને કૃષ્ણ બધા ચંદ્રના વંશમાં ઉત્પન્ન થયા ગણાય છે. દુષ્યન્ત, ભરત, કુરુ જેવા રાજાઓ આ ચંદ્ર વંશમાં થયા. મહાભારત કૌરવ પાંડવ વચ્ચેનું યુદ્ધ નથી. તે તો કુરુ અને પાંચાલ નામની બે પ્રજાઓ વચ્ચેનું યુદ્ધ છે. કેમકે કૂરુઓ અને યાદવો હતા ચંદ્રવંશી અને પાંચાલો હતા સુર્યવંશી. કુરુ અને પાંચાલ બેય એકબીજાની નજીક અને સંપીને રહેતા લોકો હતા પણ એમની વચ્ચે જે અંતર હતું તે કદી દૂર થાય એમ નહોતું. એનું કારણ જાણીએ..
- Advertisement -
* તો સુર્યવંશી કોણ??
પાંચાલ લોકો ઇક્ષ્વાકુ વંશજ હતા જે સુર્યવંશી હતા. બ્રહ્માજીના પુત્ર મરીચિ ઋષિ થયા જેના પુત્ર કશ્યપના લગ્ન આદિતી સાથે થયા અને એમને ત્યાં સૂર્યનો જનમ થયો..સૂર્યના પુત્ર વૈવસ્વત મનું થયા અને મનુના પુત્ર ઇક્ષ્વાકુ થયા.. (ઇક્ષ્વાકુ એ ઇલાના ભાઈ, જે ઇલાના લગ્ન ચંદ્ર પુત્ર બુધ સાથે થયેલા). આ ઇક્ષ્વાકુના વંશમાં સુર્યવંશ ચાલ્યો. જેમાં શ્રીરામ, દિલીપ જેવા રાજાઓ પણ થયા.
ચંદ્ર સૂર્ય કે બુધ જેવા અવકાશી પિંડો ને બાળકો કેમ હોય? એ પ્રશ્ર્નનો ઉત્તર બીજા કોઈ લેખમાં..(ચોક્કસ) પણ ફિલ્હાલ મહાભારત ઉપર ફોકસ કરીએ.
* મહાભારત ખરેખર સુર્ય અને ચંદ્રવંશી રાજાઓનું યુદ્ધ હતું ?
કુરુ અને પાંચાલ અંદર અંદર વૈચારિક રીતે વિરુદ્ધ હતા કેમકે એક ચંદ્રવંશી તો બીજા સુર્યવંશી હતા. એમાં વળી ગુરુ દ્રોણના જૂના મિત્ર એવા પાંચાલ નરેશ દ્રુપદે દ્રોણ નું અપમાન કર્યું. દ્રોણે અપમાનનો બદલો લેવા કુરુઓને ત્યાં આશ્રય લીધો અને પાંડવ કૌરવને હાથે દ્રુપદનું ભયાનક અપમાન કરાવ્યું.
* કૌરવ પાંડવ કેમ સામસામે થયા??
કૌરવો અને પાંડવો જે ખરેખર તો ભાઈઓ હતા એમની વચ્ચે ગાદીને લગતો ખટરાગ વધ્યો. બેય પોતાની રીતે સાચા હતા. પાંડવો પાંડુના મૃત્યુ બાદ જનમ્યા હતા (આવો આદિપર્વમાં ઉલ્લેખ છે) આથી ટેકનિકલી તેઓ ગાદી માટે યોગ્ય ગણાય નહિ જ્યારે પાંડવોનો તર્ક હતો કે જયેષ્ઠ પુત્ર યુધિષ્ઠિર હતા એથી એમનો અધિકાર પ્રથમ બને.
આ ગજગ્રાહનો રાજકીય લાભ ખાટવા કૌરવોના અફઘાની મામા શકુનિએ અને પાંડવોના સસરા એવા દ્રુપદે ટ્રાય કરી કેમકે દ્રુપદને કુરુઓ સાથે વેર વાળવું હતું અને શકુનિ (જેનો અર્થ ગીધ થાય)ને અંગ્રેજવેડા કરીને ફાવી જવું હતું.
* શ્રીકૃષ્ણ પહેલી વાર ક્યા આવે છે ??
આપણા મહાનાયક શ્રીકૃષ્ણની એન્ટ્રી એક રાજવી તરીકે થાય છે. શ્રીકૃષ્ણ એક પુખ્ત રાજા તરીકે પ્રથમ દર્શન આપે છે. તે મહાભારતના બેઝિક વર્ઝનમાં એક રાજા છે કોઈ ચમત્કારી દેવ કે ઈશ્વરનો અવતાર તરીકે દર્શાવાયા નથી.
* કૃષ્ણ પાંડવો અને નાગો વચ્ચે વેરઝેરના વાવેતર કેમ થયા??:
કૃષ્ણ અને પાંડવો ઇન્દ્રપ્રસ્થ બનાવવા ખાંડવ વન
દહન કરે છે જ્યાં નાગ લોકોની વસાહત હોય છે. નાગ લોકોના મુખિયા વાસુકી સાથે સમાધાન થાય છે પણ
એક તક્ષક નામનો નાગ (જે ભવિષ્યમાં તક્ષશિલા નો સ્થાપક બને છે) આ સમાધાન મંજૂર રાખતો નથી પણ પાંડવોની પેઢી ખલાસ કરીને એમની સાથે પ્રતિશોધ લેવાનો નિશ્ચય કરે છે.
* પાંડવો કેમ પાંચાલો તરફ થી લડ્યા??
કૃષ્ણ પણ ચંદ્રવંશી છે એટલે કૌરવ પાંડવ વચ્ચે બેસીને સમાધાન માટે પ્રયાસ કરે છે પણ સુખદ સમાધાન શક્ય બનતું નથી.પાંડવો કંટાળીને પાંચાલ પક્ષે જાય છે . અન્યાયથી પીડાતા પાંડવો પાંચાલ નરેશ દ્રુપદ નજ પુત્રી સાથે વિવાહ કરીને પાંચાલ લોકો સાથે એમના સંબંધ ગાઢ બનાવે છે એટલે યુદ્ધ થાય તો પાંડવો હમેશા પાંચાલ પક્ષે રહેશે એની ખાતરી દ્રુપદને મળી જાય છે. આમ પાંડવો કુરૂઓ એટલે કે પોતાના જ ભાઈઓ અને ગુરુઓ સામે લડે છે..દ્રોણાચાર્ય કૃપાચાર્ય કે ભીષ્મ એટલે કૌરવ પક્ષે લડે છે કેમકે યુદ્ધ પાંડવો સામે નથી પણ પાંચાલો સામે છે.
* યુદ્ધ પછી શું થયું?
યુદ્ધ બાદ બેય પક્ષે પારાવાર ખુવારી બાદ પાંડવો હિમાલય/સ્વર્ગ જાય છે અને પોતાના વંશજ એવા પરીક્ષિતને શાસનધૂરા સોંપી દે છે.
પરીક્ષિત ને સાઈઠ વર્ષ શાસન કરવા મળે છે પણ સાઈઠ વર્ષને અંતે તક્ષક નામનો નાગ પોતાનો બદલો લેવા આવી પહોંચે છે અને પરીક્ષિતની હત્યા કરે છે.
પરીક્ષિતની હત્યાથી વ્યાકુળ બનેલો એનો પુત્ર જનમેજય ખૂબ ક્રોધિત થઈને સર્પસત્ર નામનો યજ્ઞ (પ્રોજેક્ટ અથવા મિશન) શરૂ કરે છે. જેમાં તે શોધી શોધીને નાગ પ્રજાના લોકોને અને એના સરદારોને મરણને શરણ કરે છે.
તે હવે પૃથ્વી ઉપરથી નાગ લોકોનું અસ્તિત્વ ખલાસ કરવાનો નિર્ધાર કરીને બેઠો છે પણ એમાં એને આસ્તિક નામના ઋષિ જે મૂળ નાગ છે તે સમજાવટથી રોકે છે. જન્મેજય નાગ લોકોનો નાશ બંધ કરે છે.
* મહાભારત કથા પહેલી વાર ક્યા કરવામાં આવી?
જનમેજય પોતાના આ નાગોના નાશ માટેના પ્રોજેક્ટ એટલે કે યજ્ઞ માં વૈશ્મપાયન નામના મહાન ઋષિને નોતરે છે. વૈશ્મપાયન જન્મેજયને એના પૂર્વજોની કથા સુણાવે છે. જે વૈષ્મપાયને પોતે લખેલી છે. કેમકે વૈષ્મપાયન વેદ વ્યાસના શિષ્ય (અથવા પુત્ર??) છે. વેદ વ્યાસે સુમંતું, જૈમિની, પૈલ, વૈષ્મપાયન અને શુક એમ પાંચ શિષ્યોને વેદ અને ઇતિહાસ (ભારત સંહિતા)ની સંભાળ રાખવાનું સોંપેલું છે. એમાં ભારત સંહિતા એટલે આપણું આજે વાંચીએ છીએ તે મહાભારત. આ પાંચેય શિષ્યોએ પોતપોતાની રીતે ભારત સંહિતા લખેલી છે પણ એમાંથી વૈશમપાયન કૃત મહાભારત ઉપલબ્ધ છે. બીજી કૃતિઓ નાશ થઈ છે. જૈમિની કૃત ભારત સંહિતા એટલે કે મહાભારતના અમુક અંશ જર્મન ઇતિહાસકાર વેબર ને મળેલ પણ એ સિવાય કોઈ અંશ ઉપલબ્ધ નથી.
હા તો જનમેજ્યના યજ્ઞમાં ઋષિ વૈશંપાયન પોતે રચેલી મહાભારત કથા સહુને સંભળાવે છે જે માત્ર કથા નથી પણ જનમેજયના પૂર્વજોનો ઇતિહાસ છે.
જનમેજયના યજ્ઞથી મહાભારત ગ્રંથનો પ્રારંભ થાય છે.. ક્રિસ્ટોફર નોલાન કે સ્ટીવન સ્પીલબર્ગ કે જેમસ કેમેરોનની અંગ્રેજી ફિલ્મો કે જૂની અમુક હિન્દી ફિલ્મોમાં સૂત્રધાર પહેલા આવીને વાત માંડે એમ અહિયા વૈશમપાયન મહાભારત કથા માંડે છે.
* શ્રીકૃષ્ણના બાળપણ અને પૂર્વ જીવનની ઘટનાઓ કેમ છેલ્લે આવે છે ?
મહાભારત પૂર્ણ થયે શ્રીકૃષ્ણ એક રાજા માંથી એક ફિલોસોફર એટલે કે તત્વદર્શી અને છેવટે ઈશ્વરનો અવતાર બની જાય છે.
શ્રીકૃષ્ણના જીવનનો પૂર્વાર્ધ એટલે કે બાળપણ વગેરે હરિવંશ નામના એક અલાયદા પર્વમાં વર્ણવવામાં આવ્યો છે જે મહાભારતનો એક (પણ મોડેથી ઉમેરાયેલ)ભાગ પણ ગણાય છે.
હરિવંશ માં શ્રીકૃષ્ણ અનેક ચમત્કારો કરવા વાળા ઈશ્વરના સ્વરૂપ છે. કૃષ્ણની બાળલીલા, એમણે કરેલા અમુક અસુરોના નાશની વાતો થી લઈને એમના મૃત્યુ સુધીના ઉલ્લેખ હરિવંશમાં છે.
શ્રીમદ્ ભાગવત પુરાણ વળી હરિવંશ કરતા પણ વધુ માત્રામાં શ્રીકૃષ્ણના જીવનનું વર્ણન ચમત્કારો સહિત પૂરું પાડે છે ..
* પૂતના કોણ?
બાળકૃષ્ણ પૂતનાનો વધ કરે છે. ખરેખર પુતનાનો એક અર્થ સુક્તાન જેવો એક બાળરોગ છે જેને કૃષ્ણ એ હરાવ્યો એવો અર્થ કાઢી શકાય. હરિવંશ સુધી તો પૂતના એક સ્ત્રી માણસ જેવી દેખાય છે પણ ભાગવત પુરાણમાં પૂતના એક વિકરાળ રાક્શસી બની જાય છે.
* કાળિયો નાગ કોણ?
કાળિયા નાગ નું વર્ણન મહાભારતમાં નથી પણ હરિવંશ અને વિષ્ણુપુરાણમાં છે. અહી સ્વભાવિક છે કે કોઈ બાળક નાગની ઉપર નાચી શકે નહિ અને નાચે તો નાગ જીવે નહિ. વળી નાગણીઓ ક્યારેય મનુષ્ય ભાષા બોલે નહિ. કાળિયા નાગનો પ્રસંગ કૃષ્ણના જીવનનો પ્રથમ પ્રસંગ છે જ્યારે એમણે નાગ પ્રજાના વ્યક્તિ સાથે બાથ ભીડી છે. પછી તો કૃષ્ણ ખંડવ વન દહન કરીને નાગો સાથે યુદ્ધ કરે છે અને એમને હરાવે પણ છે.
* ગોવર્ધન પર્વત કેમ ઊંચકી શકાય ??
ગોવર્ધન પર્વત તો શું કોઈ સામાન્ય ઇંટ પણ આંગળી ઉપર ઊંચકવું અશક્ય છે પણ એવી રીતે આંગળી રાખીને જે મુદ્રા થાય છે તે એક વિશિષ્ટ મુદ્રા છે જે પેટના રોગોથી શાંતિ આપે છે.ગોવર્ધન એટલે કે ગાયોનું સંવર્ધન. ઇન્દ્ર પૂજા ના યજ્ઞ હિંસક હતા જેમાં માંસ ભક્ષણ થતું જેને કૃષ્ણે ગોવર્ધન પ્રોજેક્ટ શરૂ કરીને બંધ કરાવ્યું અને ભારતીયોને હિંસાચાર રહિત જીવનશૈલી આપી.
* રાસલીલા ખરેખર હતી ? તે ખરેખર શું હતું?
શ્રીકૃષ્ણની રાસલીલાનો ઉલ્લેખ ખરેખર મહાભારતમાં ક્યાંય નથી. દ્રૌપદી એમને ગોપીજનપ્રિય કહીને સંબોધે છે તેટલો જ ઉલ્લેખ દેખાય છે. હરિવંશ માં કુંડાળું વળીને નૃત્ય કરવામાં આવે તેને હલ્લિષ કહેવાયું છે એના ટુંકા ઉલ્લેખ છે. વિષ્ણુ પુરાણમાં ગોપીઓને કૃષ્ણ માટે પ્રેમ ભાવ છે તેટલી વાત છે પણ ભાગવત પુરાણમાં અને બ્રહ્મવૈવર્ત પુરાણમાં ગોપીઓ સાથે કૃષ્ણનો સંબંધ ગાઢ અને રોમેન્ટિક સ્વરૂપ ધારણ કરતો જાય છે.
* રાધાજી ક્યારે થયા? તે ખરેખર કોણ?
છેલ્લે શ્રીકૃષ્ણના જીવનનું સહુથી અગત્યનું પાસું એવા રાધાજી નો ઉલ્લેખ તપાસી લઈએ. રાધાજી મહાભારત, હરિવંશ, વિષ્ણુપુરાણ, કે ભાગવત કે બ્રહ્મવૈવર્ત પુરાણ એકેયમાં નથી. છતાં રાધાજી કૃષ્ણ ભક્તિનું એક અનિવાર્ય અંગ બન્યા છે. આવું કેમ?
રાધાજી નો સાહિત્યિક ઉલ્લેખ બંગાળી કવિ જયદેવ રચિત ગીત ગોવિંદ મા મળી આવે છે. એટલે ઘણા ગૂગલ છાપ લેખકો એને સંદર્ભ માનીને રાધાજીના અસ્તિત્વને કોઈ કવિની કલ્પના કહી દેવાની મૂર્ખતા આચરે છે.
રાધા કોણ છે? રાધા વિશાખા નક્ષત્રનું બીજું નામ છે. જ્યારે કૃતિકા નક્ષત્રથી ગણવામાં આવે ત્યારે વિશાખા ચૌદમુ એટલે કે એકદમ વચ્ચેનું નક્ષત્ર થાય છે. આમ નક્ષત્રોના રાસ મંડળમાં સુર્ય અર્થાત્ કૃષ્ણ કેન્દ્રમાં છે અને રાધા નક્ષત્ર પણ એકદમ વચ્ચે છે.(વિશાખા એટલે કે વૈશાખમાં સુર્ય સહુથી વધુ નજીક હોવાથી અત્યંત ભારે ઉનાળો પડે છે તે જાણીતી વાત છે, જ્યોતિષીઓ એટલે જ એ સમયે સૂર્યને ઉચ્ચનો સુર્ય કહે છે)
રાધા વચ્ચે છે તે ધારા છે એટલે કે સુષુમ્ણા નાડી છે જે ઇડા અને પિંગલા ની વચ્ચે હોય છે. રાધાની જેમ સુષુમ્ણા પણ પ્રિયતમ સાથે મિલન કરવા માંગે છે પણ મિલન થાય છે કે નહિ તે પ્રશ્ર્ન અનુત્તર રહે છે.
સાંખ્ય દર્શન શિવ અને શક્તિ એટલે કે પુરુષ અને પ્રકૃતિ સિવાય કોઈને નથી સ્વીકારતું, ઈશ્વરને પણ નહિ. આથી આપણા દેવી દેવતાઓ કે ઈશ્વરીય અવતારો પણ જોડલા/યુગલ/paird છે કેમકે આપણા હિંધ તત્વદર્શનમા છુપી રીતે સાંખ્ય દર્શનનો પણ સ્વીકાર છે. કૃષ્ણ સંબંધી વાતોનો કોઈ પાર નથી કેમકે કૃષ્ણ પોતે અપાર અનંત પરમેશ્વર છે.
ઈતિ શ્રીકૃષ્ણ રહસ્ય કથા. જય શ્રીકૃષ્ણ