અમીત શાહ, નડ્ડા, રાજનાથ, યોગીનો પણ કેમ્પ
કર્ણાટકમાં આગામી 10મી મે ના રોજ યોજાનારી વિધાનસભા ચૂંટણી માટેનો પ્રચાર પરાકાષ્ટાએ પહોંચવા લાગ્યો છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આજથી બે દિવસ પ્રચાર-મેદાનમાં ઉતરી રહ્યા છે. બે દિવસમાં તેઓ 6 રેલી-જાહેરસભા કરશે જયારે બે રોડ-શો કરશે.
- Advertisement -
કર્ણાટકમાં શાસન જાળવવા માટે ભાજપ દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવ્યું છે. વડાપ્રધાન મોદીથી માંડીને તમામ નેતાઓ પ્રચાર મેદાનમાં ઉતર્યા છે. આજથી મોદીએ ફરી બે દિવસ કર્ણાટકમાં પ્રચારની બાગડોર સંભાળી છે. રાજયના હુમનાબાદ, વિજયપુરા, કુડાચીમાં આજે જાહેરસભા યોજશે જયારે સાંજે બેંગ્લોરમાં મેગા રોડ-શો યોજવામાં આવ્યો છે. વડાપ્રધાન મોદી ઉપરાંત સ્ટાર પ્રચારકો એવા સીનીયર નેતા અમીત શાહ, જે.પી.નડ્ડા, રાજનાથસિંઘ, શિવરાજસિંહ ચૌહાણ તથા યોગી આદીત્યનાથ પણ રોડ-શો અને મેગા રોડ-શો કરવાના છે.
કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પ્રચારને આડે હવે માંડ દસ દિવસ બાકી રહ્યા છે ત્યારે ભાજપ દ્વારા પ્રચાર અભિયાન તેજ કરીને વ્યાપ વધારવામાં આવ્યો છે. મોદીના પ્રચારથી સમગ્ર રાજયમાં રાજકીય માહોલ વધુ જોરદાર બનવાનો ભાજપનો દાવો રહ્યો છે. મોદીથી રાજકીય વાતાવરણ પલ્ટાઈ શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે 224 વિધાનસભા બેઠકો ધરાવતા કર્ણાટકમાં 10મી મે એ એક જ તબકકે મતદાન થવાનું છે અને 13મી મે ના રોજ મતગણતરી થશે.