ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.24
શહેરના મોરબી રોડ પર રહેતાં અને વાળંદ કામ કરતા યુવાને માતા અને પિતા થોડા થોડા સમયના અંતરે ગુજરી જતાં તેમની અતિમક્રિયા માટે પડોશમાં જ રહેતાં શખ્સ પાસેથી 20 હજાર અને 40 હજાર દસ ટકા વ્યાજેથી લઇ રકમ ચુકવી દીધી હોવા છતાં વધુ પાંચ લાખ માંગી તેમજ આ યુવાન અને તેના પત્નિ, સાસુ, સસરા સહિતના નામે બેંક એકાઉન્ટ ખોલાવડાવી તેમાં દુબઇથી 16થી 20 લાખના ટ્રાન્જેક્શન કરાવતાં અને વ્યાજની ઉઘરાણી માટે આ શખ્સે પોતાના ભાઇ સાથે મળી સતત ધમકી આપી દોઢ લાખના પાંચથી છ લાખ વસુલશું તેમ કહેતાં ગભરાઇ ગયેલા આ યુવાને પોલીસ કમિશનર કચેરી પાસે ફિનાઇલ પી લેતાં બંને ભાઇઓ અને તપાસમાં ખુલે તેની સામે ગુનો નોંધાયો છે. આ બનાવમાં બી-ડિવીઝન પોલીસે મોરબી રોડ બજરંગ પાર્ક-4માં ભાડેથી રહેતાં અને વાળંદ કામ કરી ગુજરાન ચલાવતાં અમીત કાંતિલાલ હીરાણી (ઉ.વ.36)ની ફરિયાદ પરથી અંકિત મનુભાઇ પટેલ અને રાજન મનુભાઇ પટેલ વિરૂદ્ધ મનીલેન્ડ એક્ટ, ધમકીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
- Advertisement -
અમીત હીરાણીએ હોસ્પિટલના બિછાનેથી પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે મારે બે પુત્ર છે. દોઢેક વર્ષ પહેલા મારા માતુશ્રી ગુજરી જતાં દહાડો કરવા માટે રૂપિયાની જરૂર હોઇ મેં પાછલી શેરીમાં રહેતાં અંકિત પટેલ પાસેથી રૂ. 20 હજાર 10 ટકા વ્યાજે લીધા હતાં. બાદમાં આ રકમ મેં મારા પિતા હસ્કત અંકિતને પરત આપી દીધી હતી. આશરે પાંચ મહિના બાદ મારા પિતાનું પણ અવસાન થતાં ફરીથી તેમનો દહાડો કરવા માટે મારે રૂપિયાની જરૂર પડતાં ફરી વખત અંકિત પાસેથી 10 ટકા વ્યાજે 40 હજાર લીધા હતાં. જેનું સાતેક મહિના સુધી રોકડામાં વ્યાજ ચુકવ્યું હતું. બાદમાં તમામ રકમ ચુકવી દીધી હતી. પરંતુ અંકિતે હજુ તારે 1,50,000 આપવાના થાય છે તેમ કહી ઉઘરાણી કરી હતી.
તેણે કહ્યું હતું કે જો તારે રકમ ચુકવવી ન હોય તો અમારે બેડી યાર્ડમાં ઘઉનો ટારગેટ પુરો કરવાનો છે, જેથી તારા અને તારા સગાવ્હાલાના બેંક એકાઉન્ટ અમને આઠથી દસ દિવસ માટે ખોલાવી દે. આથી હું, પત્નિ સુજાતા, સસરા રવિભાઇ નારણભાઇ દેસલ, સાસુ ગીતાબેન બેડી યાર્ડ ખાતે ગયા હતાં. ત્યાં એક ચેમ્બરમાં બીજા માળે ઓફિસમાં અમને બોલાવી બધાના આધાર કાર્ડ, પાનકાર્ડ લઇ અમારા લાઇ ફોટા પાડી બેંકમાં એક એક લાખવાળા સેવીંગ એકાઉન્ટ ખોલાવ્યા હતાં. તેમજ ત્યાં જ ઇન્ડુસલેન્ડ બેંકની વેલકમ કીટ આપી હતી. તેમજ અમારી પાસેથી ચેકૂકમાંથી પાંચ પાંચ કોરા ચેકમાં સહીઓ કરાવી તે ચેક લઇ લીધા હતાં. આ ઉપરાંત બીજી કોઇ અમારી પર્સનલ બેંકનો એક એક કોરો ચેક માંગ્યો હતો. જે મેં તથા મારા સસરાએ આપ્યો હતો. ત્યારબાદ અમારા ખાતામાં એક એક લાખ રૂપિયા નાખવા માટે રાજશન મનુભાઇ પટેલ જે અંકિતનો ભાઇ છે તેણે અંકિતને જણાવ્યું હતું.