ગુજરાતમાં ભક્તિને પણ જાણે કોરોનાનું ગ્રહણ લાગ્યું હોય પરિસ્થિતિ સર્જાઈ છે. કોરોનાના સતત વધતા કેસોના પગલે રાજ્યના મોટાભાગના મંદિરો દર્શનાર્થીઓ માટે બંધ કરવામાં આવ્યા છે. જેમાં સુપ્રસિદ્ધ શામળાજી, દ્વારકાધીશ મંદિર, શક્તિપીઠ બહુચરાજી, શક્તિપીઠ અંબાજી, વડતાલનું સ્વામિનારાયણ મંદિર, અમદાવાદનું કેમ્પ હનુમાન મંદિર સહિત અનેક મોટા મંદિરો દર્શનાર્થીઓ માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેર શરુ થઇ ગઇ છે અને સૌથી વધુ સંક્રમણ રાજ્યના મંદિરોમાં ફેલાવાની શક્યતા હોય છે. રાજ્યના મોટા મંદિરોમાં રોજ હજારોની સંખ્યામાં ભક્તો ઉમટતા હોય છે. જેના પગલે મોટા ભાગના મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિર દર્શનાર્થીઓ માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
- Advertisement -
દ્વારકાધીશ મંદિર
દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર દ્વારા જગતમંદિરના દ્વાર ભક્તો માટે ફરી એક વખત બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. દ્વારકા જગત મંદિરમાં દરરોજ 13000 થી વધુ શ્રદ્ધાળુઓ દેશ-વિદેશમાંથી દર્શન કરવા આવતા હોય છે. ત્યારે ભક્તોની સુખાકારી માટે જગત મંદિરના દ્વાર આજથી 23 જાન્યુઆરી સુધી બંધ કરવામાં આવ્યા છે. જગત મંદિરમાં ભગવાનનો નિત્યક્રમ રાબેતા મુજબ કરવામાં આવશે, અને તેનું લાઈવ પ્રસારણ જગત મંદિરની વેબસાઇટ ઉપર ભક્તો નિહાળી શકશે.
શક્તિપીઠ બહુચરાજી મંદિર
મહેસાણા જિલ્લાના વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ બહુચરાજી મંદિર આજથી 22 જાન્યુઆરી સુધી બંધ રાખવામાં આવશે. આજે પોષી પૂનમ હોવાથી મોટી સંખ્યામાં યાત્રિકો મંદિરમાં દર્શન કરવા આવતા હોય છે. યાત્રિકોની ભીડ થવાથી કોરોનાનું સંક્રમણ અટકાવવા હાલમાં નિર્ણય લેવામાં આવ્યો છે. છ દિવસ દરમિયાન મંદિરના મુખ્ય દરવાજા ભક્તો માટે બંધ રહેશે.
અંબાજી મંદિર
સુપ્રસિદ્ધ યાત્રાધામ 51 શક્તિપીઠ અંબાજી મંદિર કોરોના સંક્રમણને લીધે 8 દિવસ માટે બંધ કરાયું છે. 15 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી સુધી દર્શનાર્થીઓ માટે અંબાજી મંદિર ગબ્બર શક્તિપીઠ સહિત અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત મંદિરો બંધ કરવા નિર્ણય લેવાયો છે. સોશિયલ મીડિયાના માધ્યમથી સવાર-સાંજ માતાજીની આરતીનું જીવંત પ્રસારણ કરવામાં આવશે.
- Advertisement -
અંબાજી પાસેનું ખેડબ્રહ્માનું મા અંબેનું મંદિર 23મી જાન્યુઆરીએ ભક્તો માટે ખોલવામાં આવશે. ખેડબ્રહ્મામામાં આજે પોષી પૂનમે બંધ બારણે જ અન્નકૂટ ભરાશે અને પૂજન અર્ચન થશે.
અમદાવાદનું કેમ્પ હનુમાન મંદિર
અમદાવાદમાં કોરોના કેસ વધતા કેમ્પ હનુમાન મંદિર બંધ કરવામાં આવ્યું છે. કોરોનાના કેસમાં સતત ઉછાળો આવતા આજથી મંદિરમાં દર્શનાર્થીઓ માટે પ્રવેશ બંધ કરાયો છે. આગામી તા. 31 જાન્યુઆરી સુધી દર્શનાર્થીઓ માટે મંદિર બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. આગામી દિવસોમાં કોરોનાની સ્થિતિ જોઈને મંદિરના ટ્રસ્ટી નિર્ણય લેશે.
વલસાડના મોટા મંદિરો બંધ
દર શનિવાર અને રવિવારના દિવસે વલસાડના સુપ્રસિધ્ધ મંદિરો બંધ રાખવા પ્રાંત અધિકારી અને મંદિરોના સંચાલકો સાથે થયેલી બેઠકમાં નિર્ણય લેવાયો છે. જો કે સોમવારથી શુક્રવારના દિવસોમાં દર્શનાર્થીઓ માટે મંદિરો ખુલ્લા રહેશે. આ મંદિરોમાં વલસાડના તિથલ સ્થિત સ્વામિનારાયણ મંદિર, પારનેરા ડુંગર પર આવેલા માતાજીના મંદિરો, તડકેશ્વર મહાદેવ મંદિર અને ધમડાચીમાં આવેલા વૈષ્ણોદેવી માતાજી મંદિરનો સમાવેશ થાય છે. વલસાડમાં કોરોના કેસોમાં થઇ રહેલા વધારાના પગલે સંક્રમણ ફેલાતું અટકાવવા માટે જિલ્લા વહીવટી તંત્રએ આ નિર્ણય લીધો છે.
આ સિવાય આજે પોષી પૂનમને લઇને મંદિરોમાં ભીડ થતી હોવાને પગલે અરવલ્લીનું શામળાજી તેમજ ખેડાનું ડાકોરનું મંદિર એક દિવસ માટે બંધ રાખવામાં આવ્યા છે.