કેજરીવાલને ચૂંટણી ફંડમાં કેનેડાના ખાલિસ્તાની તત્વો અને હવાલા દ્વારા કરોડો રૂપિયા મળ્યા
સૈયાં જૂઠો કા બડા સરતાજ નિકલા
- Advertisement -
ભ્રષ્ટાચાર વિરૂદ્ધની લડતના એક વખતના અગ્રણી નેતા એવા અરવિંદ કેજરીવાલ પોતેજ દિલ્હીનાં શરાબ નીતિ ગોટાળા કેસમાં એક આરોપી તરીકે ફસાઈ ગયા
ભ્રષ્ટ્રાચાર વિરૂદ્ધ આંદોલન દરમ્યાન કેજરીવાલ એમ કહેતાં કે તેઓ ક્યારેય રાજકારણમાં પડશે નહીં
આર. બી. ગણાત્રા
- Advertisement -
બીજા વિશ્વયુદ્ધ ( ઇ. સ.1939 થી 1945 ) દરમ્યાન નાઝી જર્મનીમાં જોસેફ ગોબેલ્સ ( જ. તા.29- 10-1897 મૃત્યુ: 01-051945) હિટલરનો નજીકનો સાથીદાર હતો. હિટલરના પ્રધાન મંડળમાં એ પ્રચારમંત્રી હતો. એનું એક જગપ્રસિદ્ધ વાક્ય છે ” એક અસત્ય તમે સો વખત ઉચ્ચારો એટલે લોકો તેને સાચું માનવા લાગશે. એ વખતે રેડિયો અને સમાચારપત્રોનો જમાનો હતો. આ માણસ જર્મન રેડિયો અને સમાચાર પત્રોમાં રોજ હિટલરની જીતનાં બણગાં ફૂંકતા સમાચારો પ્રસારીત કરતો રહેતો, ખોટા નેરેટિવ નો સતત મારો ચલાવતો. જર્મન પ્રજાને ખબર નહોતી પડતી કે આ સમાચારોમાં કેટલું સત્ય છે. અંતે હિટલર હાર્યો અને તા.30-04-1945 ના રોજ એણે આત્મહત્યા કરી લીધી ત્યાર પછી બીજા જ દિવસે ગોબલ્સે પણ આત્મહત્યા કરી લીધી.
અત્યારે ભારતના રાજકારણમાં આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ જોસેફ ગોબેલ્સની સુધારેલી અને સંવર્ધિત(modified and improved version ) આવૃત્તિ છે. બહુજ ચાલાક અને હોંશિયાર માણસ છે. આઈ.આઈ.ટી. ખરગપુરમાંથી મિકેનીકલ એન્જિનિયરની ડીગ્રી મેળવ્યા પછી તેઓ સરકારના રેવન્યુ વિભાગમાં ઉચ્ચ હોદ્દા ઉપર કામ કરતાં હતાં. ઇ.સ.2006 માં સરકારી નોકરીમાંથી રાજીનામું આપીને પારદર્શક સરકારી વહીવટ માટે આંદોલન કરવા માટે (જાહેર હિત માટેની સંશોધન સંસ્થા) ની સ્થાપના કરી. સરકારીતંત્રમાં વ્યાપ્ત લાંચરૂશ્વત સામે માહિતી અધિકારનો ઉપયોગ કરીને પરિવર્તન નામની ચળવળ દ્વારા તેઓએ સારું કામ કર્યું તે માટે ઇ.સ. 2006માં તેમને રેમોન મેગ્સેસે એવોર્ડ આપવામાં આવ્યો. એપ્રિલ, 2011માં મહારાષ્ટ્રનાં પ્રસિદ્ધ સામાજીક કાર્યકર અણ્ણા હજારેએ સરકારી તંત્રમાં વ્યાપ્ત ભ્રષ્ટ્રાચાર સામે અને સરકાર દ્વારા તાત્કાલિક લોકપાલની નિમણુક કરવામાં આવે તે માટે દિલ્હીના રામલીલા મેદાનમાં આંદોલન શરૂ કર્યું. ત્યારે કિરણ બેદી, પ્રશાંત ભૂષણ, કુમાર વિશ્વાસ, યોગેન્દ્ર યાદવ, અરવિંદ કેજરીવાલ સહિત દેશના અગ્રણી આંદોલનકારી નેતાઓ તેમની સાથે સ્ટેજ ઉપર હતાં. કેન્દ્રમાં મનમોહનસિંહના વડપણ હેઠળની કોંગ્રેસની સરકાર સત્તામાં હતી. આ સરકારે લોકપાલની નિમણુક કરવાની ખાત્રી આપી અને ડિસેમ્બર 2011માં આ આંદોલન પૂરું થયું. અરવિંદ કેજરીવાલ આ આંદોલનનો આગળ પડતો ચહેરો હતાં.
આ કેજરીવાલે 2012 માં આમ આદમી પાર્ટીની રચના કરી. કુમાર વિશ્વાસ, પ્રશાંત ભૂષણ, શાંતિ ભૂષણ, યોગેન્દ્ર યાદવ, સાજિયા ઈલ્મી એમની સાથે હતાં. 2013 માં દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં જુકાવ્યું. વિધાનસભાની કુલ 70 સીટ માંથી ભારતીય જનતા પાર્ટીને 31, આમ આદમી પાર્ટીને 28 સીટ, કોંગ્રસને 8 અને અન્યોને 3 સીટ મળી. કોઈ પક્ષને બહુમતી મળી નહીં. સૌથી મોટા પક્ષ તરીકે ઊભરી આવેલ ભારતીય જનતા પાર્ટીએ સરકાર બનાવવાની ના પાડી, આમ આદમી પાર્ટીએ કોંગ્રેસના ટેકાથી સરકાર બનાવી અને અરવિંદ કેજરીવાલ મુખ્ય મંત્રી બન્યા. 49 દિવસ પછી 14 ફેબ્રુ. 2014 ના રોજ એણે એમ કહીને રાજીનામું આપ્યું કે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો જન લોકપાલ બીલ પાસ કરવામાં તેમને સહયોગ આપતાં નથી. ભાજપ અને કોંગ્રેસ બંનેએ આ આક્ષેપ નકારી કાઢ્યો.
કેજરીવાલે તાત્કાલિક વિધાનસભા ભંગ કરીને નવેસર થી ચુંટણી કરવાની લેફ્ટેનન્ટ ગવર્નરને ભલામણ કરી. અંતે 4 નવે. 2014ના રોજ વિધાનસભાનું વિસર્જન કરવામાં આવ્યું અને ચુંટણી પંચે 7 ફેબ્રુ. 2015ના રોજ દિલ્હી વિધાનસભાની ચુંટણીની જાહેરાત કરી. આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને વિધાન સભાની કુલ 70 સીટ માંથી 67 સીટ મળી, ભારતીય જનતા પાર્ટી ને ફક્ત 3 સીટ મળી. દિલ્હીમાં કેજરીવાલના વડપણ હેઠળ આમ આદમી પાર્ટીની સરકાર બની. 2020ની ચુંટણીમાં પણ આમ આદમી પાર્ટીને 70માંથી 62 સીટ મળી, બાકીની 8 સીટ ભારતીય જનતા પાર્ટીને મળી. આ રીતે દિલ્હીમાં 2015 થી આમ આદમી પાર્ટીની સરકાર છે અને અરવિંદ કેજરીવાલ મુખ્ય મંત્રી છે. 20 ફેબ્રુઆરી, 2022 ના રોજ પંજાબ વિધાનસભાની ચૂંટણી થઈ. કુલ 117 સીટ માંથી 92 સીટ આમ આદમી પાર્ટીને મળી અને ત્યાં ભગવંત માનના મુખ્યપ્રધાન પદે આમ આદમી પાર્ટીની સરકાર બની. આ ચુંટણીમાં કોંગ્રેસને ફક્ત 18 સીટ જ મળી. આમ જુઓ તો પંજાબનાં રાજકારણની તરાહ દેશના અન્ય રાજ્યો કરતાં અલગ જ રહી છે. અરવિંદ કેજરીવાલે આમ આદમી પાર્ટી બનાવ્યાં પછી માત્ર 10 વર્ષનાં ગાળામાં દેશના બે રાજ્યોમાં એની સરકાર સત્તા ઉપર છે, એ કોઈ નાની સુની સિદ્ધિ નથી. પણ દિલ્હી અને પંજાબનાં આંતરિક રાજકારણનો અભ્યાસ કરો તો ખબર પડે કે આમ આદમી પાર્ટીની જીત એ ચમત્કાર કરતાં વધુ તો આકસ્મિક ઘટના છે.
બંને રાજ્યમાં લોકો કોંગ્રેસના ભ્રષ્ટ શાસનથી વાજ આવી ગયા હતા. અરવિંદ કેજરીવાલ એ કોઈ કરિશમાઈ વ્યક્તિત્વ તો નથી જ. દિલ્હી અને પંજાબમાં એને જે તે વખતના સત્તાધીશો સામેના પ્રજાના અસંતોષનો આકસ્મિક લાભ મળી ગયો છે. ગુજરાત વિધાન સભાની 2022 ની ચુંટણીમાં આમ આદમી પાર્ટીએ બધી જ ( 182) સીટ ઉપર પોતાના ઉમેદવાર ઊભા રાખ્યા હતાં. અરવિંદ કેજરીવાલ એવો પ્રચાર કરતાં હતાં કે આ વખતે ગુજરાતમાં એની સરકાર બનવાની છે, સરકારના ગુપ્તચર વિભાગના એવા ખાનગી રિપોર્ટ છે. તમે જુઓ કે અરવિંદ કેજરીવાલ કેવું ઉત્તમ પ્રકારનું જુઠ્ઠાણુ ચલાવી શકે છે. ચુંટણીના પરિણામ આવ્યાં ત્યારે ભાજપને કુલ 182 સીટ માંથી 156 સીટ મળી અને આમ આદમી પાર્ટીને પાંચ સીટ મળી. આમ આદમી પાર્ટીના 128 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઈ. દિલ્હી અને પંજાબ સિવાય અન્ય કોઈ રાજ્યમાં એને નોંધપાત્ર સફળતા મળી નથી. પક્ષની સ્થાપના વખતે તેમની સાથે હતાં એવા કેટલાય નેતાઓ આજે એમની સાથે નથી. તો પણ કેજરીવાલને આખા દેશમાં છવાઈ જવાનાં સપના આવવા લાગ્યાં છે.
આખા દેશમાં ચુંટણી લડવા માટે પક્ષના સમર્પિત અને નિષ્ઠાવાન કાર્યકરોનું આધારભૂત નેટવર્ક દરેક રાજ્યમાં હોવું જોઈએ. દરેક રાજ્યમાં લોકપ્રિય પ્રભાવી નેતાઓ હોવા જોઈએ. એવું નેટવર્ક એવા પ્રભાવશાળી નેતાઓ આમ આદમી પાર્ટી પાસે છે નહિ એટલે એનું આ શેખચલ્લી સપનું સાકાર થાય એવું નથી. દિલ્હી અને પંજાબમાં એની સરકાર છે ત્યાં પણ પાર્ટીમાં ગંભીર પ્રશ્ર્નો છે જ. જૂઠા ગોબેલિયન પ્રચાર દ્વારા ચુંટણીઓ જીતી શકાતી નથી. 17 નવેમ્બર, 2021 ના રોજ દિલ્હીની કેજરીવાલ સરકારે દિલ્હીમાં નવી એક્સાઈજ નીતિનો અમલ શરૂ કર્યો. આ નીતિ શરૂઆતથી જ વિવાદોથી ઘેરાયેલી છે. 8 જુલાઈ 2022 ના રોજ દિલ્હીના તત્કાલીન મુખ્ય સચિવ નરેશ કુમારના રિપોર્ટમાં આ નીતિ દ્વારા કરવામાં આવેલ ગોટાળાનો પર્દાફાશ થયો. ઍટલે ગભરાયેલી કેજરીવાલ સરકારે 22 જુલાઈ 2022 ના રોજ આ નીતિ રદ્દ કરી દીધી. સીબીઆઇ એ આ ગોટાળા બાબતે ઓગસ્ટ 2022 માં એફ આઈ આર નોંધાવીને કેજરીવાલના મંત્રી મંડળમાં એકસાઈજ સહિતના કુલ 22 વિભાગોનો હવાલો સંભાળતા મનીષ સિસોદિયા, ત્રણ સરકારી અધિકારીઓ, નવ શરાબના વેપારીઓ અને બે કંપનીઓને આરોપી બનાવ્યાં છે. આ ગોટાળા કેસમાં આમ આદમી પાર્ટીના રાજ્યસભાનાં સાંસદ સંજયસિંહ, ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા, કે. કવિતા અને અરવિંદ કેજરીવાલ ફસાઈ ગયા છે. આ શરાબ નીતિ ગોટાળો નાનો સુનો નથી.
એવું કહેવાય છે કે આ ગોટાળો એક હજાર કરોડ રૂપિયાનો છે. એમાંથી કેટલીક રકમ ગોવાની ચુંટણી દરમિયાન હવાલા દ્વારા ગોવા મોકલાઈ હોવાના પુરાવા ઈ.ડી.પાસે હોવાનું કહેવાય છે. ઇ. ડી. એ દિલ્હી હાઈકોર્ટમાં આરોપનામું દાખલ કર્યું છે. 26 જાન્યુઆરી 2022 થી મનીષ સિસોદિયા જેલમાં છે. સંજયસિંહ 4 ઓકટોબર થી જેલમાં હતાં, સુપ્રીમ કોર્ટે ત્રીજી એપ્રિલના રોજ એને જમીન ઉપર છોડ્યા છે. આ કેસમાં 21 મી માર્ચ 2024 ના રોજ અરવિંદ કેજરીવાલની પણ ધરપકડ થઈ. આ દરમિયાન લોકસભાની સામાન્ય ચુંટણી ચાલતી હોય, કેજરીવાલ એની પાર્ટીનો પ્રચાર કરી શકે એ માટે તેને જામીન ઉપર છોડવાની અરજી દિલ્હી હાઈકોર્ટે નકારી કાઢી એટલે સુપ્રીમ કોર્ટમાં ગયા. સુપ્રીમ કોર્ટે એને 21 દિવસ માટે જમીન ઉપર છોડ્યા છે.
સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય કાયદાની સામાન્ય સમજ ધરાવનાર માણસને પણ ગળે ઉતરે એવો નથી. ભારતના ન્યાય તંત્રની જય હો! સામાન્ય ચુંટણીનું છેલ્લું મતદાન તા. 1-6-24 ના રોજ પૂર્ણ થશે એટલે તા.2-6-24 ના રોજ અરવિંદ કેજરીવાલ ફરીથી જેલ હવાલે થશે. પણ આ દરમિયાન કેજરીવાલને એક નવી મુસીબતનો સામનો કરવાનો આવશે. ઈ.ડી. ને નવાં પુરાવા મળ્યા છે એ મુજબ કેજરીવાલને ચુંટણી ફંડમાં કેનેડાના ખલિસ્તાની તત્વો અને અન્ય સાત- આઠ દેશોમાંથી હવાલા દ્વારા કરોડો રૂપિયા મળ્યા છે.
વિધીની વિચિત્રતા તો જુઓ, ભ્રષ્ટાચાર વિરૂદ્ધની લડતના એક વખતના અગ્રણી નેતા એવા અરવિંદ કેજરીવાલ પોતેજ દિલ્હીનાં શરાબ નીતિ ગોટાળા કેસમાં એક આરોપી તરીકે ફસાઈ ગયા છે. આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે દિલ્હી વિધાનસભાની ચુંટણીમાં ઝુકાવતી વખતે તેણે સ્વેચ્છાએ એવું સોગંદનામુ કરેલ કે ચૂંટણીમાં જીતશેતો એ ક્યારેય લાલ લાઇટ વાળી ગાડી વાપરશે નહિ, સરકારી મોટા બંગલામાં રહેશે નહિ, સામાન્ય પ્રજાજનની જેમજ રહેશે. અત્યારે એ દિલ્હીના મુખ્યમંત્રી તરીકે મોટાં બંગલામાં રહે છે, એટલું જ નહિ લગભગ રૂ. 47 કરોડના ખર્ચે આ બંગલાનું રીનોવેસન પણ કરાવ્યું છે. રાજકીય સત્તા બહુ જ લપસણી સીડી છે. બ્રિટિશ ઇતિહાસકાર લોર્ડ એક્ટનનું વિશ્વ પ્રસિદ્ધ કથન યાદ કરવું પડે. 5 એપ્રિલ 1887 ના રોજ એણે એક પત્રમાં લખેલું કે Power tends to corrupt and absolute power currupts absolutely આ વાક્યનો ભાવાર્થ એવો છે કે સત્તા માણસને ભ્રષ્ટ બનાવે છે અને સંપૂર્ણ સત્તા માણસને સંપૂર્ણ ભ્રષ્ટ બનાવે છે. આ વાક્ય અરવિંદ કેજરીવાલને બરાબર લાગુ પડે છે. આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સભ્ય સ્વાતિ માલિવાલ તા. 13-05-2024 ના રોજ સવારે નવ વાગ્યે અરવિંદ કેજરીવાલને મળવા તેમનાં બંગલે ગયા.
સ્વાતિ માલીવાલ ડ્રોઈંગ રૂમમાં તેમની રાહ જોતાં હતાં ત્યારે અરવિંદ કેજરીવાલના નજીકના સાથીદાર વિભવકુમાર ડ્રોઈંગ રૂમમાં આવ્યાં અને સ્વાતિ માલિવાલ ઉપર હુમલો કરીને તેને માર માર્યો. સ્વાતિ માલીવાલને માર મારવાનો બનાવ કેજરીવાલના રહેણાંક બંગલામાં ધોળા દિવસે બન્યો છે, કેજરીવાલ ત્યારે ઘરમાં હાજર જ હતાં એવું સ્વાતિ માલીવાલનું કહેવું છે. સ્વાતિ માલીવાલે એના ઘરમાંથી જ પોલીસને ફોન કર્યો છે, એટલે આ ઘટના બની જ નથી એવું તો કહી શકાય એમ હતું જ નહીં, એટલે આમ આદમી પાર્ટીના શરાબ ગોટાળાના એક આરોપી જે અત્યારે જમીન ઉપર છે. તે સંજયસિંહએ નિવેદન આપ્યું કે આ ઘણી ગંભીર બાબત છે, તેની તપાસ થશે અને જવાબદાર સામે કડક પગલાં લેવાશે. આ નિવેદન પછી કોઈ પગલાં લેવાયા નહિ ઍટલે ત્રણ દિવસ પછી સ્વાતિ માલીવાલે દિલ્હી પોલીસમાં ફરિયાદ નોંધાવી. દિલ્હી પોલીસે આરોપી વિભવ કુમારની ધરપકડ કરી, કેજરીવાલના ઘરમાંથી સીસી ટીવી ડી.વી.આર. કબ્જે લીધું છે. પોલીસ તપાસ કરી રહી છે.
કોર્ટે આરોપી વિભવકુમારને જામીન ઉપર છોડવાની અરજી નકારી કાઢી છે. હવે આ ગંભીર ઘટના વિશે કેજરીવાલ સહિત આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ યૂપ છે. પાર્ટી દ્વારા વિભવકુમાર ઉપર કોઈ પગલાં લેવાયા નથી. જ્યારે પોલીસે વિભવકુમારની ધરપકડ કરી ત્યારે અરવિંદ કેજરીવાલે કહ્યું કે આ ઘટના ભાજપનું કાવતરું છે અને અમે સૌ રેલી કાઢીને વડાપ્રધાનનાં નિવાસસ્થાને જઈશું અને કહેશું કે અમારા બધાની ધરપકડ કરો. કેજરીવાલ અને એના સાથીઓએ રેલી પણ કાઢી પણ વડા પ્રધાનનાં નિવાસસ્થાન સુધી પહોંચી શક્યા નહિ. હકીકત તો એ છે કે આમ આદમી પાર્ટીના જે લોકોની ધરપકડ થઈ છે, તે કોર્ટના આદેશથી થઈ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આદેશથી તો નથી જ થઈ. જે ગંભીર ઘટના એના ઘરમાંજ બની તે માટે કેજરીવાલને શરમ આવવી જોઈએ, એને બદલે કેજરીવાલ લાજવાને બદલે ગાજે છે. સ્વાતિ માલીવાલને ફોન ઉપર અને અન્ય રીતે ધમકીઓ મળી રહી છે.
પણ આ બહેન દિલ્હીમાં નિર્ભયાકાંડ થયો ત્યારે દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ હતાં. એ લડી લેવા મક્કમ છે. ધમકીઓથી ડરી જાય તેવા નથી. કેજરીવાલ અને તેના સાથીઓ ચુંટણી પ્રચાર માટે રેલીઓ કાઢી રહ્યાં છે અને કહે છે કે 4 થી જૂનના રોજ ચુંટણીના પરિણામ આવશે ત્યાર પછી કેન્દ્રમાં ભાજપની સરકાર નહીં હોય, ઇન્ડી મોરચાની સરકાર બનવાની છે, લોકશાહી અને બંધારણનો વિજય થવાનો છે. આવા પોકળ દાવા કેજરીવાલ 2014 અને 2019 ની ચુંટણી વખતે પણ કરતા જ હતાં. પરિણામ એના કરતાં જુદું આવે ત્યારે લોકોનો યુકાદો અમે આદરપૂર્વક માથે ચડાવીએ છીએ એવા નિવેદનો કરશે. આ એની ગોબેલિયન સ્ટાઈલ છે. ખોટા નિવેદનો અને પોકળ દાવા કરીને પ્રજાને ગેરમાર્ગે દોરવામાં એણે તો કશું ગુમાવવાનું નથી. એમ કરવા માટે કોઈ સજાની જોગવાઈ બંધારણમાં નથી. એટલે આવા માણસો બંધારણને માથે ચડાવીને નાચે છે. એ લોકોને લાગે છે કે પ્રજાને આવા ગતકડાં કરીને મૂર્ખ બનાવી શકાય છે અને આ પ્રજાની યાદદાસ્ત બહુ ટુંકી હોય છે.
ખરેખર તો આ કેજરીવાલને ગોબેલ્સનો પણ બાપ કહેવો કહેવો પડે તેમ છે. પોતાની વાક પટુતા દ્વારા પ્રજાને ભરમાવીને પાણી, વીજળી, આરોગ્ય, શિક્ષણ મફતમાં આપવાનાં વચનો આપીને સત્તા કબજે કરવાનો ટુંકો રસ્તો એમણે અપનાવ્યો છે. એના જેવા માણસોની એક ટોળકી ઊભી કરીને પક્ષ બનાવ્યો છે. એના પક્ષના કેટલાક સભ્યો ફેબું.2020 માં દિલ્હીમાં થયેલ કોમી હુલ્લડોમાં જાહેર અને ખાનગી મિલકતોને આગ લગાડવી, પત્થરમારો, લુંટફાટ અને હત્યાઓ કરવાના ગુનાઓમાં સામેલ હતાં. એમાંથી કેટલાક જેલમાં છે. શરાબ ગોટાળાના કેસમાં નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા હજુ જેલમાં છે, સંજયસિંહ જામીન ઉપર છે,ખુદ અરવિંદ કેજરીવાલ પોતે આરોપી છે અને જામીન ઉપર છે. વિભવકુમાર જેલમાં છે, આતિશી માર્લેના પણ માનહાનિના એક કેસમાં આરોપી છે.
આ રાજકીય પક્ષ છે કે ગુનેગારોની ગેંગ છે ? આટલું થયાં પછી હજુયે અરવિંદ કેજરીવાલ પોતે અને એની પાર્ટીનાં માણસો નિર્દોષ હોવાનો જોરશોરથી ઢોલ પીટે છે. આ ભાજપનું કાવતરું છે, ભાજપ વિરોધપક્ષોને ખતમ કરવા માગે છે. ભાજપનાં રાજ્યમાં લોક્શાહી અને બંધારણ ખતરામાં છે. ભાજપ ફરીથી સત્તા ઉપર આવશે તો બંધારણનો નાશ કરશે, દેશમાં સરમુખત્યારશાહી લાદશે. આવો ગોબેલિયન પ્રચાર જોરશોરથી કરે છે. સામાન્ય ચૂંટણીના પરિણામો તા.04-06-2024 ના રોજ આવી જશે. રાજકીય પંડિતોનું માનવું છે કે ભાજપને બહુમતી મળશે અને કેન્દ્રમાં ફરીથી ભાજપની સરકાર બનશે. ત્યાર પછી આમ આદમી પાર્ટીના ભ્રષ્ટ્રાચારના કેસ કોર્ટમાં ચાલશે ત્યારે શક્યતા એવી છે કે જે ઝડપથી આમ આદમી પાર્ટીનો ઉદય થયો હતો, એટલી ઝડપથી એનો અસ્ત થઈ જશે.
અત્યારે તો ઇન્ડી ગઠબંધનમાં સામેલ છે એટલે કેજરીવાલ’ માર્જાર’ સ્ટાઈલમાં ગળગળા થઈને ભાષણો આપીને પ્રજાની સહાનુભૂતિ જીતવાનો પ્રયાસ કરે છે. ભ્રષ્ટ્રાચાર અને પરિવારવાદમાં ગળાડુબ એવા ઇંડીમાં સામેલ અન્ય પક્ષના નેતાઓ એના સાથમાં છે. હવે વિચાર કરો કે કેજરીવાલને અત્યારે સાથ આપવામાં એ નેતાઓને કશું ગુમાવવાનું તો છે નહીં. ચુંટણીનું પરિણામ આવ્યા પછી આ બધા પક્ષોના નેતાઓમાંથી કેટલા કેજરીવાલની મદદમાં ઊભા રહેશે ? ઇન્ડી ગઠબંધનમાં સામેલ કેટલાક પક્ષો ભાજપ સાથે સમજૂતી કરી લે એવું પણ બને. મોટો સવાલ આમ આદમી પાર્ટીના અસ્તિત્વનો છે. ચોથી જૂન હવે ક્યાં દૂર છે ?