ડૉ. સુધીર શાહ, એડ્વોકેટ
જ્યારથી ડોનાલ્ડ ટ્રમ્પે બીજી વાર અમેરિકાનું પ્રમુખપદ ધારણ કર્યું છે એટલે કે 20 જાન્યુઆરી, 2025થી ત્યારથી અત્યાર સુધીમાં અમેરિકાના આ 47મા પ્રેસિડન્ટે ત્રણ ત્રણ વિમાનો ભરીને અમેરિકામાં વસતા ભારતીય ઈલ્લિગલ ઈમિગ્રન્ટોને ભારત પાછા રવાના કરી દીધા છે. મિલિટરી પ્લેનમાં હાથકડી પહેરાવીને, પગે સાંકળ બાંધીને અમૃતસરના એરપોર્ટ ઉપર ઉતારવામાં આવેલ આ ત્રણ વિમાનોનો ભારતીયોએ પુષ્કળ વિરોધ કર્યો છે. આ વિરોધ કેટલો યોગ્ય છે? શું અમૃતસરના એરોડ્રામ ઉપર વિમાનો ઉતારવામાં આવ્યાં એટલે અમૃતસરની છબિ ખરડાઈ ગઈ છે? અમેરિકામાં ગેરકાયદેસર વસતા ઈલ્લિગલ ભારતીય ઈમિગ્રન્ટોને હાથકડી પહેરાવી, પગે સાંકળો બાંધી એ શું જરૂરી હતું? સારું હતું? આ સઘળા વાદ-વિવાદોને બાજુએ રાખીએ અને વિચારીએ કે અમેરિકામાં વસતા લાખો ઈલ્લિગલ ઈમિગ્રન્ટો જો અમેરિકા એમના દેશની બહાર તગેડી મૂકશે તો એનાં શું પરિણામો આવશે?
- Advertisement -
સૌપ્રથમ તો આજે અમેરિકામાં લાખો પરદેશીઓ ગેરકાયદેસર રહે છે. એમાં મોટા ભાગના મેક્સિકનો છે. ચીનાઓ અને પાકિસ્તાનીઓ છે. બાંગ્લાદેશીઓ છે. ભારતના પણ છે. એ બધાને જો અમેરિકા પકડી પકડીને પોતપોતાના દેશોમાં મોકલી આપવા માગશે તો એ માટે અમેરિકાને કેટલો સમય લાગશે? કેટલો ખર્ચો થશે? એ જો ગણવા બેસીએ તો સૌના મુખમાંથી ‘અધધધ’ એવા ઉદ્ગારો સરી પડશે. આ ઉપરાંત આ બધા ઈલ્લિગલ ઈમિગ્રન્ટોને અમેરિકા પોતાને ત્યાંથી હાંકી કાઢશે તો એમનાં ખેતરોમાં કામ કોણ કરશે? મોટેલો, હોટેલો, ફાસ્ટ ફૂડ રેસ્ટોરાંઓ કોણ ચલાવશે? કોણ રાંધશે? કોણ પીરસશે? એમની ક્ધસ્ટ્રક્શન ઈન્ડસ્ટ્રીમાં જે હજારો ઈલ્લિગલ ઈમિગ્રન્ટો કામ કરી રહ્યા છે એ કામ કોણ કરશે?
આજે અમેરિકાના વાનગીઓ બનાવવાના તેમ જ એને પિરસવાના કાર્ય જે કરી રહ્યા છે એ વર્કરોમાંના 12 ટકાથી વધુ વર્કરો પરદેશી ઈલ્લિગલ ઈમિગ્રન્ટો છે. એમનાં મકાનો, કોલોની, રિસોર્ટો, જેઓ મેઈન્ટેન કરી રહ્યા છે એ કાર્યકરોમાંના 19 ટકાથી વધુ કાર્યકરો ઈલ્લિગલ ઈમિગ્રન્ટો છે. બાંધકામના વ્યવસાયમાં 17 ટકાથી વધુ ઈલ્લિગલ ઈમિગ્રન્ટો ક્ધસ્ટ્રક્શન વર્કરો તરીકે કાર્ય કરી રહ્યા છે. અમેરિકામાં આવેલ અફાટ ખેતરોમાં જે મજૂરો ખેતીવાડીનું કામ કરી રહ્યા છે એમાંના 50 ટકા મજૂરો પરદેશીઓ છે. આ 50 ટકામાંના ફક્ત પચ્ચીસ ટકા જ કાયદેસરના લિગલ ઈમિગ્રન્ટો છે. બાકીના પચ્ચીસ ટકા ઈલ્લિગલ ઈમિગ્રન્ટો છે. આમ અમેરિકાનાં દરેકેદરેક કાર્યક્ષેત્રમાં ઈમિગ્રન્ટો તેમ જ ઈલ્લિગલ ઈમિગ્રન્ટો કાર્ય કરી રહ્યા છે. જો એ બધા જ ઈલ્લિગલ ઈમિગ્રન્ટોને અમેરિકા એમના દેશમાંથી કાઢી મૂકશે તો પછી એમની જગ્યા કોણ પૂરશે?
અમેરિકા ભારત કરતાં ત્રણ ગણો વિશાળ દેશ છે, પણ એની વસતિ ભારતની વસતિ કરતાં ત્રણ ગણી યા એથી પણ ખૂબ ઓછી છે. એમાં પણ હલકું કાર્ય કરનારા, નીચલું કામ કરનારા મજૂરોની પુષ્કળ અછત છે. ભણેલાગણેલા, આઈટી પ્રોફેશનલો, ડોક્ટરો, નર્સો, પ્રોફેસરો, એક્ઝિક્યુટિવ ઓફિસરો આ સર્વેની અમેરિકામાં ખૂબ જ ખોટ છે. આથી જ વાર્ષિક 85,000ના ક્વોટા ધરાવતા ‘એચ-1બી’ વિઝા માટે પાંચથી સાત લાખ પિટિશનો દાખલ થાય છે. આ સર્વે દેખાડી આપે છે કે અમેરિકાને પરદેશી કાર્યકરોની, ભણેલાગણેલા તેમ જ રોજિંદુ, નીચલી કક્ષાના કાર્યકરોની ખૂબ ખૂબ જરૂર છે. જો ડોનાલ્ડ ટ્રમ્પ જે કરવા ધારે છે એ લખલૂટ ખર્ચાના હિસાબે પણ તેઓ જો કરશે તો પછી એમના વગર અમેરિકામાં કામ કરનારા વર્કરોની જે ખોટ પડશે એ કોણ પૂરી પાડશે?
- Advertisement -
ઈલ્લિગલ ઈમિગ્રન્ટોનો પ્રશ્ર્ન વર્ષોથી અમેરિકાને સતાવતો રહ્યો છે. એનું મુખ્ય કારણ એ છે કે અમેરિકા ખૂબ જ પ્રગતિશીલ દેશ છે. એ ‘તક અને છત’નો દેશ છે. ભારતીયો અમેરિકામાં એમના રૂપિયાના ડોલર કરી શકે છે. એકના 88 કરી શકે છે. અભ્યાસની બાબતમાં એણે ઈંગ્લેન્ડની ‘ઓક્સફર્ડ’ અને ‘કેમ્બ્રિજ’ યુનિવર્સિટીને પાછળ પાડી દીધી છે. જે કોઈ પણ ભારતીય અમેરિકામાં જાય છે એ એનાથી અંજાઈ જાય છે. સ્વદેશમાં તેઓ અમેરિકાનાં એટલાં બધાં વખાણ કરે છે કે ભારતીયો લાખ્ખો રૂપિયા ખર્ચીને અમેરિકામાં પ્રવેશવા લલચાય છે.
કોલંબસે અમેરિકા ખંડની જ્યારે ઈ.સ. 1492માં શોધ કરી ત્યારે યુરોપ અને ઈંગ્લેન્ડમાં અંધાધૂંધી હતી. રોગચાળો ફાટી નીકળ્યો હતો. દુષ્કાળની પરિસ્થિતિ હતી. ધર્મગુરુઓ અને રાજાઓ પ્રજાને રંજાડતા હતા. આથી એ દેશના રહેવાસીઓએ અમેરિકા ભણી દોટ મૂકી. જેમ જેમ ત્યાંની વસતિ વધતી ગઈ તેમ તેમ ત્યાં જઈને વસેલા લોકોએ એમને અટકાવવા એક પછી એક પ્રયત્નો આદર્યા. સૌપ્રથમ એમણે એવું ઠરાવ્યું કે જેઓ અમેરિકામાં પ્રવેશવા ઈચ્છે એમની પાસે ઓછામાં ઓછા પંદર ડોલર હોવા જોઈએ. ત્યાર બાદ ‘હેડ ટેક્સ’ નાખવામાં આવ્યો. પછી પ્રવેશનિષેધનાં કારણો ઘડવામાં આવ્યાં. ‘ચાઈનીઝ એક્સક્લુઝન એક્ટ’ ઘડ્યો. જાપાનની સરકાર જોડે ‘ધ જેન્ટલમેન્સ એગ્રીમેન્ટસ’ કર્યા. અંતે 1952માં ‘ધ ઈમિગ્રેશન એન્ડ નેશનાલિટી એક્ટ’ ઘડીને બે પ્રકારના વિઝા ‘ઈમિગ્રન્ટ’ તેમ જ ‘નોન-ઈમિગ્રન્ટ’ની રચના કરી. દરેક પ્રકારના વિઝા માટે શું લાયકાત હોવી જોઈએ એ ઠરાવ્યું અને અમુક પ્રકારના વિઝા માટે અને ખાસ કરીને અમેરિકામાં કાયમ રહેવા માટેના ઈમિગ્રન્ટ વિઝા માટે વાર્ષિક ક્વોટાની સંખ્યા નક્કી કરી. પણ દિવસે દિવસે અમેરિકાની પ્રગતિ વધતી જ ગઈ. આથી વિશ્ર્વના લોકોનું અમેરિકા પ્રત્યેનું આકર્ષણ પણ વધતું ગયું. અને જે ક્વોટા નક્કી કરવામાં આવ્યા હતા એની સંખ્યા જરૂરિયાત કરતાં ખૂબ જ ઓછી પુરવાર થઈ. જુદા જુદા પ્રકારના ઈમિગ્રન્ટ તેમ જ નોન-ઈમિગ્રન્ટ વિઝા મેળવવાની લાયકાતો બધામાં જ હોવાની શક્યતા ન હોવાના કારણે પણ લોકો અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસવાનો, ત્યાં કાયદેસર પ્રવેશીને ગેરકાયદેસર રહેવાનો પ્રયત્ન કરવા લાગ્યા. અમેરિકાનું આખું અર્થતંત્ર તેમ જ સમાજવ્યવસ્થા એવી ઘડાઈ કે હવે અમેરિકાને ઈલ્લિગલ ઈમિગ્રન્ટો વગર ચાલે એમ જ નથી. આજ કારણસર લગભગ બાવીસ જેટલાં અમેરિકન સ્ટેટો ડોનાલ્ડ ટ્રમ્પના ઈલ્લિગલ ઈમિગ્રન્ટોને કાઢી નાખવાના પ્રયત્નોનો વિરોધ કરે છે. ઈલ્લિગલ ઈમિગ્રન્ટોને રક્ષણ આપવું જોઈએ, અમેરિકામાં રહેવા દેવા જોઈએ એવું કહેવું તો યોગ્ય નથી જ. ઈલ્લિગલ ઈમિગ્રન્ટો ખરેખર કાયદાનો ભંગ કરે છે. એટલે એમને સાંખી લેવા તો ન જ જોઈએ, પણ જો એમને કાઢી મૂકવામાં આવશે તો અમેરિકાનું શું થશે? આ વિચારીને એના ઉપાયો યોજવા જોઈએ.
જેમ ભૂતકાળમાં અમેરિકાના પ્રેસિડન્ટોએ કર્યું છે એમ ‘એમ્નેસ્ટી’ જાહેર કરવું જોઈએ. વિઝાના જે ક્વોટા છે એની સંખ્યા વધારવી જોઈએ. આવા આવા ઉપાયો યોજવામાં આવશે તો જ અમેરિકાની ઈલ્લિગલ ઈમિગ્રન્ટોની સમસ્યાનો અંત આવશે. અન્યથા અમેરિકાનું અર્થતંત્ર ભાંગી પડશે, ત્યાં મોંઘવારી ખૂબ વધી જશે અને એ પ્રગતિશીલ દેશ પ્રગતિ કરતાં અટકી જશે.



