ખાસ-ખબર ન્યૂઝ અફઘાનિસ્તાન, તા.5
અફઘાનિસ્તાનમાં જ્યારથી તાલિબાનની એન્ટ્રી થઈ છે, ત્યારથી મહિલાઓની વિરૂદ્ધમાં સતત ફરમાનો બહાર પાડવામાં આવે છે. આ કડીમાં મહિલાઓ વિરૂદ્ધ વધુ એક નિયમ અફઘાનિસ્તાનનામાં લાવવામાં આવ્યો છે. જે મુજબ હવે અફઘાનિસ્તાનની મહિલાઓ આયાનું કામ અને નર્સિંગનો અભ્યાસ નહીં કરી શકે. અફઘાનિસ્તાનમાં મહિલાઓ માટે શિક્ષાના છેલ્લાં બે રસ્તા હતાં. પરંતુ, તાલિબાન સરકારે હવે આ રસ્તા પણ બંધ કરી દીધા છે.
વળી, અફઘાનિસ્તાનનું સ્વાસ્થ્ય સંકટ પણ ખૂબ જ વધી રહ્યું છે. સંયુક્ત રાષ્ટ્રએ 2023માં કહ્યું હતું કે, અફઘાનિસ્તાનને દેશની જરૂરિયાતોને પૂરી કરવા માટે હજુ 18 હજાર દવાઓની જરૂર છે. આ બધાની વચ્ચે, આયાનું કામ અને નર્સિંગની તાલિમ લઈ રહેલી મહિલાઓનું કહેવું છે કે, તેમને સવારે ફરી ક્લાસમાં પરત ન ફરવાનો આદેશ આપવામાં આવ્યો હતો અને તેમના નિવેદનોની પુષ્ટિ અફઘાનિસ્તાનની નર્સિંગ સંસ્થાઓએ કર્યું છે. જોકે, હજુ સુધી તાલિબાન સરકારના સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં નથી આવી.
- Advertisement -
અફઘાનિસ્તાનની સંસ્થાઓનું કહેવું છે કે, તાલિબાને તેમને આવનારી સૂચના સુધી સંસ્થાઓને બંધ રાખવાનો નિર્દેશ કર્યો છે. તાલિબાને વચન આપ્યું હતું કે, અભ્યાસક્રમ ઇસ્લામિક છે તેની ખાતરી કર્યા બાદ છોકરીઓ ફરી અભ્યાસ શરૂ કરી શકશે. જોકે, પોતાના વચન આપ્યા બાદ પણ કિશોરીઓ 2021થી શિક્ષણ મેળવવામાં અસમર્થ છે. થોડી ઘણી પણ શિક્ષા મેળવવાનો એકમાત્ર રસ્તો આયા અને નર્સિંગના માધ્યમથી હતો, જેને હવે બંધ કરી દેવાયો છે. વળી, પુરૂષ ડોક્ટરોને જ્યાં સુધી મહિલા સાથે કોઈ પુરૂષ વાલી કે પતિ હાજર ન હોય ત્યાં સુધી મહિલાની સારવાર કરવાનો અધિકાર નથી. પશ્ર્તો ભાષામાં તાલિબાનનો અર્થ વિદ્યાર્થી અથવા છાત્ર થાય છે. તે ખુદને અફઘાનિસ્તાનના ઇસ્લામિક અમીરાતના રૂપે સંદર્ભિત કરે છે. તાલિબાન એક ઇસ્લામિક સૈન્ય સંગઠન છે, જેની પાસે લગભગ 2 લાખ લડવૈયા હોવાનું અનુમાન છે. જેને 2001માં અમેરિકાના નેતૃત્ત્વવાળી સેનાઓ દ્વારા અફઘાનિસ્તાનમાંથી હટાવી દેવામાં આવ્યું હતું. જોકે, આ સમૂહ સક્રિય રહ્યું અને હવે દેશમાં સત્તાની માગ કરતાં રાષ્ટ્રપતિ પદ પર કબ્જો કરી લીધો છે.