અનેક પ્રશ્ર્નો અંગે ધારાસભ્યો અને સંસદસભ્યોને આવેદન પત્રો આપ્યા છતાં બજેટમાં માગણીઓનો સમાવેશ ન થતાં વિરોધ નોંધાવ્યો
ખાસ-ખબર સંવાદદાતા
વેતન વધારા સહિતની અનેક પડતર માંગોને લઈને આંગણવાડી કર્મચારીઓ દ્વારા આજે સતત બીજા દિવસે પણ ધરણાં અને વિરોધ કરવામાં આવ્યો હતો તેમજ રાષ્ટ્રવ્યાપી હડતાલના પગલે ગુજરાતના તમામ આંગણવાડી, આશા વર્કર અને ફેસીલીએટર તેમજ મધ્યાહન ભોજન વર્કરનું કામ બે દિવસ બંધ રાખવા એલાન કર્યું છે એટલું જ નહીં પરંતુ આ પ્રશ્ર્નનો ઉકેલ નહીં આવે તો આ તમામ વર્કરો તા. 19થી 23 દરમિયાન ધારાસભ્યો અને સંસદસભ્યોની ઓફીસે જઈ વિરોધ નોંધાવશે તેવી ચિમકી ઉચ્ચારી હતી. સંયુક્ત રાષ્ટ્રીય ટ્રેડ યુનિયનો ઈન્ટુક, એચ.એમ.એસ., આઇટુક, સીટુ, સેવા, સહિતના રાષ્ટ્રીય ટ્રેડ યુનિયનો સાથે સંકલિત આંગણવાડી, આશા, ફેસીલીએટર અને મધ્યાન્હ ભોજન કર્મીઓના બનેલા રાષ્ટ્રીય મંચ દ્વારા તા. 16ના રોજ અપાયેલ રાષ્ટ્રવ્યાપી કામ બંધમાં ગુજરાતના હજારો આંગણવાડી, આશા, ફેસીલીએટરો અને મધ્યાન્હ ભોજન કર્મીઓએ ગઈકાલે અને આજે કામથી અળગા રહેશે તેમ ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન સૌરાષ્ટ્ર ઝોનના પ્રમુખ રંજનબેન સંઘાણી, મહામંત્રી સંગીતાબેન દવે, ઉપપ્રમુખ કૈલાસબેન દેગામા, આશા હેલ્થ વર્કસ યુનિયનના રાજકોટના પ્રમુખ અલ્કાબેન ભટ્ટ, મંત્રી ચંદ્રીકાબેન સુદાણીએ સંયુક્ત યાદીમાં જણાવ્યું છે.
તમામ આંગણવાડી અને આશાના યુનિયનો બેઠક યોજી વાતચીત દ્વારા પ્રશ્ર્નોનો ઉકેલ લાવવા તૈયાર હોવા છતાં સરકારે બેઠક યોજવા તૈયારી દર્શાવેલી નથી. હવે તમામ ધારાસભ્યો તથા સંસદસભ્યોને અગાઉ આવેદન પત્રો આપ્યા છતાં બજેટમાં માગણીઓનો સમાવેશ ન થતાં તા. 19થી 23 સુધી ધારાસભ્યો અને સંસદસભ્યોની ઓફીસે જવાબ માંગવા જશે તેવું અંતમાં જણાવ્યું હતું.