ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.7
ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા 16 થી 31 જાન્યુઆરી દરમિયાન રાજ્યવ્યાપી આંગણવાડી નવીનીકરણ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત જૂનાગઢ મહાનગરપાલિકા હસ્તકની 53 સરકારી આંગણવાડીઓને આધુનિક અને સુસજ્જ બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.
અત્યાર સુધીમાં 19 આંગણવાડીઓમાં કામગીરી પૂર્ણ થઈ છે અને 12 કેન્દ્રોમાં કામ પ્રગતિ હેઠળ છે. રૂૂ. 2 લાખની ગ્રાન્ટ હેઠળ 5 કેન્દ્રોનું રિનોવેશન પૂર્ણ થયું છે અને 17 કેન્દ્રોમાં કામ ચાલી રહ્યું છે. આ ઝુંબેશ હેઠળ રંગકામ, સ્વચ્છતા, વોલ પેઈન્ટિંગ અને પોષણ વાટિકા જેવી 25 સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે. આ ઝુંબેશ માત્ર મરામત પૂરતી સીમિત નથી, પરંતુ 100 ગુણના સ્કોરકાર્ડના આધારે દરેક સેજા કક્ષાએ શ્રેષ્ઠ 3 આંગણવાડીઓની પસંદગી પણ કરવામાં આવશે. પ્રોગ્રામ અધિકારી ચેતન સોજીત્રા અને અલ્પાબેન ગાગિયાના માર્ગદર્શન હેઠળ બાળકોને સુરક્ષિત અને આકર્ષક વાતાવરણ પૂરું પાડવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.



